AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

13 ઓગષ્ટના મહત્વના સમાચાર : સુરતના હજીરા બાદ વલસાડ તાલુકાના ભાગલ ગામેથી ચરસના 21 પેકેટ મળી આવ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2024 | 9:08 PM
Share

Gujarat Live Updates : આજે 13 ઓગષ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

13 ઓગષ્ટના મહત્વના સમાચાર : સુરતના હજીરા બાદ વલસાડ તાલુકાના ભાગલ ગામેથી ચરસના 21 પેકેટ મળી આવ્યા

13 ઓગષ્ટના મોટા સમાચારો પર નજર કરીએ તો ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે કે નહીં તેના પર કોર્ટ આજે ચુકાદો આપી શકે છે. રાજ્યના મોટા સમાચારોની વાત કરીએ તો રાજ્યની રાજ્ય સરકારે ઉત્તર ગુજરાતના 4 જિલ્લા અને સૌરાષ્ટ્રના 7 જિલ્લાને સૌની યોજના દ્વારા પાણી આપવાનો નિર્ણય કર્યો છે જે અંતર્ગત 40 જળાશયોને ભરવામાં આવશે.

ભરૂચના જંબુસરમાં જર્જરીત ટાંકી ઉતારતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી. મૂળ સ્થાન કરતા અન્ય બાજુએ ટાંકી પડતા અફરાતફરી મચી ગઈ હતી. ડેના કારણે અનેક દુકાનો પર કાટમાળ પડતા દુકાનધારકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ સર્વિસિસ બિલ પરત ખેંચ્યુ છે. ચર્ચા બાદ ફરીથી નવો ડ્રાફ્ટ તૈયાર કરાશે. લોકોના સૂચનો માટે સમય મર્યાદા વધારી 14 ઓક્ટોબર કરવામાં આવી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Aug 2024 08:59 PM (IST)

    મુન્દ્રાના વડાલા નજીક નિલકંઠ સ્ટીલ કંપનીમાં ચેનલ તુટી જતા 7 કામદારો 25 ફુટ ઉપરથી નીચે પટકાયા

    કચ્છ – મુન્દ્રાના વડાલા નજીક આવેલી કંપનીમાં દુર્ઘટના સર્જાતા 7 કામદારો ઈજાગ્રસ્ત થયા છે. નિલકંઠ સ્ટીલ કંપનીમાં ચેનલ તુટી જતા 7 કામદારો નીચે પટકાયા હતા. એક કામદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમા ખસેડાયા છે. 25 ફુટ ઉપરથી નીચે પટકાયા કામદારો. મુન્દ્રા મરીન પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

  • 13 Aug 2024 08:08 PM (IST)

    વલસાડ તાલુકાના ભાગલ ગામેથી ચરસના 21 પેકેટ મળી આવ્યા

    સુરતના હજીરા દરિયાકાંઠા બાદ, આજે વલસાડ જિલ્લામાંથી ફરી  ચરસનો જથ્થો મળી આવ્યો છે. વલસાડ તાલુકાના ભાગલ ગામ ખાતે મળી આવ્યો છે ચરસનો જથ્થો. ગત રોજ ઉદવાડા ગામ ખાતે મળી આવ્યો હતો ચરસનો જથ્થો. આજે ભાગલ ગામ ખાતે 21 જેટલા પકેટેમાં ચરસનો જથ્થો મળી આવતા પોલીસ દોડતી થઈ છે. ડુંગરી પોલીસ, SOG પોલીસ,અને મરીન પોલીસ દ્રારા તપાસ હાથ ધરાઈ છે. વલસાડ જિલ્લાના 70 કિલોમીટરથી વધુ લાંબા દરિયા કિનારે પોલીસ દ્રારા ટિમ બનાવી તપાસ હાથ ધરાઈ છે.

  • 13 Aug 2024 07:24 PM (IST)

    ભાજપે 17 ઓગસ્ટે રાષ્ટ્રીય પદાધિકારીઓની બોલાવી બેઠક, સંગઠનાત્મક અને વિધાનસભા ચૂંટણી પર થશે ચર્ચા

    દેશના ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે 17 ઓગસ્ટે દિલ્હીમાં મોટી બેઠક બોલાવી છે. પાર્ટીના તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથે તમામ પ્રદેશ પ્રમુખો અને રાજ્યોના સંગઠન મંત્રીઓ પણ આ બેઠકમાં હાજરી આપશે. આ બેઠકનું નેતૃત્વ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કરશે. માનવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આમાં ભાગ લઈ શકે છે.

  • 13 Aug 2024 07:15 PM (IST)

    TMC સાંસદ સાંકેત ગોખલે સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરાયો ચાર્જફ્રેમ

    TMC સાંસદ સાંકેત ગોખલે સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ કરવામાં આવ્યો છે. ED દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. TMC સાંસદ સાંકેત ગોખલે વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. સોશિયલ મીડિયા કેમ્પિયન દ્વારા ક્રાઉડ ફંડિંગ ભેગું કરવાનો TMC સાંસદ સાંકેત ગોખલે પર છે આરોપ. ગુજરાતમાંથી ફંડ આપનાર એક વ્યક્તિએ ફંડનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદ કરી હતી.

  • 13 Aug 2024 07:12 PM (IST)

    જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો આવતા અઠવાડિયે જાહેર થઈ શકે છે

    જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને મોટી માહિતી સામે આવી રહી છે. ચૂંટણી પંચ આગામી સપ્તાહે ચૂંટણીની જાહેરાત કરી શકે છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં 5 તબક્કામાં ચૂંટણી થઈ શકે છે. ચૂંટણી પંચ આ સપ્તાહના અંત સુધીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે બેઠક કરશે. આમાં સુરક્ષા અંગે સમીક્ષા કરવામાં આવશે. ત્યારપછી જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખો પર ચૂંટણી પંચ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે.

  • 13 Aug 2024 07:05 PM (IST)

    ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે 3 નામની ભલામણ

    ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે 3 નામની ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ કોલેજીયમે, રાષ્ટ્રપતિને ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે 3 નામની ભલામણ કરી છે. કુલ 52 ન્યાયાધીશની જગ્યા સામે, ગુજરાત હાઈકોર્ટને 3 નવા ન્યાયાધીશ મળતા, ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશની કુલ સંખ્યા 32 થશે. સુપ્રીમ કોર્ટ કોલેજીયમે જયેન્દ્ર ઠાકર, ડી. એન. રે, મૌલિક શેલતના નામની ભલામણ કરી છે.

  • 13 Aug 2024 07:02 PM (IST)

    સુરતના હજીરા દરિયાકાંઠેથી ઝડપાયુ 1 કરોડનું ચરસ

    સુરતના હજીરા દરિયાકાંઠેથી SOGએ રૂપિયા એક કરોડની કિંમતનું અફઘાની ચરસ ઝડપી પાડ્યું છે. હજીરા દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો છે. જેની કિંમત આશરે 1 કરોડથી વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. SOG દ્વારા ચરસ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • 13 Aug 2024 05:00 PM (IST)

    સુરતમાં હેડ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા

    સુરત જિલ્લા હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પોલીસ જવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે. 38 વર્ષીય હેડ કોન્સ્ટેબલ સુધીર બાજીરાવ પાટીલએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. પોલીસ જવાનના આપઘાત કરવા પાછળનું કારણ અંકબંધ છે. મૃતક પોલીસ જવાનના મૃતદેહને કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો છે.

  • 13 Aug 2024 04:50 PM (IST)

    દુષ્કર્મ આચરીને ભાણીને ગર્ભવતી બનાવી આત્મહત્યાની દુષ્પ્રેરણા માટે માસાની પોલીસે કરી ધરપકડ

    અમદાવાદના વેજલપુર વિસ્તારમાં દુષ્કર્મ આચરીને ગર્ભવતી થતા આત્મહત્યા કરનાર યુવતીના કેસમાં વેજલપુર પોલીસે મૃતક યુવતીના માસાની ધરપકડ કરી છે. ગીરસોમનાથ જિલ્લાના વડવળીયા ગામની 22 વર્ષીય યુવતીને તેના સગા માસા લક્ષ્મણ ગોરધન દોમડીયાએ ગર્ભવતી બનાવી હતી. આથી યુવતીએ ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવી દીધુ હતું. આ કેસમાં પોલીસે યુવતીના ભાઈની ફરિયાદના આધારે, મૃતક યુવતીના માસા અને સ્ટર લાઈફ બાયોટેક કંપનીના મલિક લક્ષ્મણ ગોરધન દોમડીયાની ધરપકડ કરી છે.

  • 13 Aug 2024 04:09 PM (IST)

    કોંગ્રેસનો અનોખો વિરોધ, રાજકોટ મનપાના ફાયર ઓફિસરની કચેરીમાં ગંગાજળ છાંટ્યુ

    રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા બાદ, કોંગ્રેસે અનોખી રીતે વિરોધ પ્રદર્શીત કર્યો છે. આજે કોંગ્રેસના કાર્યકરોએ, રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ઓફિસરની કચેરીમાં ગંગાજળ છાંટીને, કચેરીને લાંચિયા અધિકારીઓથી પવિત્ર કરી હોવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ આવેદનપત્ર પણ પાઠવ્યું છે.

  • 13 Aug 2024 04:06 PM (IST)

    અમરેલીના ઘારી અને તુલસીશ્યામ રોડ પર બે કાર વચ્ચે અકસ્માત, 4 ઈજાગ્રસ્ત

    અમરેલીના ઘારી અને તુલસીશ્યામ રોડ પર બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં  4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તાલુકા પંચાયત આયોજન સ્ટાફ અને સરસીયા સરપંચની કારનો અકસ્માત થયો છે. ઈજાગ્રસ્તોને પ્રથમ ધારી સરકારી દવાખાને, અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે અમરેલી ખસેડાયા હતા.

  • 13 Aug 2024 03:58 PM (IST)

    કોંગ્રેસ 22 ઓગસ્ટે દેશભરમાં ED ઓફિસનો કરશે ઘેરાવ

    અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે, આગામી 22 ઓગસ્ટે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સ્તરનું મોટું આંદોલન થશે. અમે દરેક રાજ્યના પાટનગરમાં આવેલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસનો ઘેરાવ કરીશું અને સેબીના ચેરમેનને તે પદ પરથી હટાવવાની માગણી કરીશું.

  • 13 Aug 2024 02:17 PM (IST)

    પશ્ચિમ રેલવે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે દોડાવશે વિશેષ ટ્રેન

    મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

    ટ્રેન નંબર 09054/09053 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ (કુલ બે ટ્રીપ)

    ટ્રેન નંબર 09054 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ગુરુવાર, 15 ઓગસ્ટ 2024 ના રોજ અમદાવાદથી સવારે 08:45 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 17:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

    ટ્રેન નંબર 09053 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ બુધવાર,14 ઓગસ્ટ 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસથી 21:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05:30 કલાકે અમદાવાદ પહોંચશે.

    આ ટ્રેન બંને દિશામાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ ના કોચ હશે.

    ટ્રેન નંબર 09054 નું બુકિંગ તા.14.08.2024 થી અને ટ્રેન નંબર 09053 નું બુકિંગ તા.13.08.2024 ના રોજ 16.00 વાગ્યા થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

  • 13 Aug 2024 02:05 PM (IST)

    નવસારી: વિદ્યાર્થીનીઓ પાસે ખેતરમાં કામ કરાવવા મામલે એક્શનમાં તંત્ર

    નવસારી: વિદ્યાર્થીનીઓ પાસે ખેતરમાં કામ કરાવવા મામલે વીડિયો વાયરલ થતા તંત્ર એક્શનમાં આવ્યુ છે. નવસારી જિલ્લા મદદનીશ કમિશનરે લીધી ઘોડમાળ આશ્રમ શાળાની મુલાકાત લીધી છે. અધિકારી એસ.પી. પ્રજાપતિએ લીધી રૂબરૂ મુલાકાત લીધી હતી અને ગૃહમાતા, વિદ્યાર્થીનીઓના સ્ટેટમેન્ટ લઈને સરકારમાં રિપોર્ટ સબમિટ કરશે. આપને જણાવી દઈએ કે સરસ્વતી કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓ પાસે ડાંગર રોપાવાઈ હતી. છાત્રાલયના ગુરુ માતાએ જ વિદ્યાર્થીનીઓ પાસે કામ કરાવતા સવાલ ઉઠ્યા છે. ભર વરસાદમાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ છોડી ડાંગરની વાવણીમાં જોતરાઈ હતી.

  • 13 Aug 2024 02:03 PM (IST)

    લાલબત્તી અને VIP પ્રોટોકલ આદત વાળા અધિકારીઓ માટે મોટા સમાચાર

    લાલબત્તી અને VIP પ્રોટોકલ આદત વાળા અધિકારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છએ. કલેકટર, SDM, સચિવો અને પદાધિકારીઓ સાયરનનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ સામે આવી છે. કેન્દ્રના કાયદા બાદ પણ થ્રેસર લાઇટ અને સાયરનનો ઉપયોગ થતાની ફરિયાદ નોંધાઈ છે. હાઇકોર્ટે પોલીસ તથા ઇમરજન્સી સેવા માટે લાલબત્તીના ઉપયોગનો આદેશ કર્યો હતો. ઈમરજન્સી સિવાયના વિભાગો પર લાલ બત્તી અને સાયરનનાં ઉપયોગ સામે રોક લગાવી હતી. રાજ્યમાં સતત કોર્ટના હુકમનું પાલન ન થતું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોને નોટિસ પાઠવી જવાબ મંગાયો છે. જેમા પ્રિન્સિપાલ સેક્રેટરી, ટ્રાન્સપોર્ટ વિભાગ, ગૃહ વિભાગને કાયદાની અમલવારી અંગે મોકલાઈ નોટિસ છે અને 7 દિવસમાં અધિકારીઓ દ્વારા  થ્રેસર લાઇટ અને સાયરન દૂર નહિ કરવામાં આવે તો  કાર્યવાહી કરવામાં આવશે. હાલ કોર્ટના હુકમના તિરસ્કાર અંગેની કાર્યવાહી માટે નોટિસ જારી કરાઈ છે.

  • 13 Aug 2024 01:58 PM (IST)

    સુરત: બનાસકાંઠાની ઘટના બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એક્શનમાં

    સુરત: બનાસકાંઠાની ઘટના બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એક્શનમાં  આવી છે. શિક્ષણ સમિતિ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સુરતના 3 શિક્ષકો 6 મહિનાથી ચાલુ પગારે વિદેશમાં મ્હાલી રહ્યા છે. વિદેશ ગયેલા 3 શિક્ષકોને શિક્ષણ સમિતિની નોટિસ મોકલવામાં આવી છે. વર્ગોમાં ભણાવવા નહીં જનારા 100 શિક્ષકોના ‘ક્લાસ’ લેવાશે સુરતમાં હાલ એક હજારથી વધુ શિક્ષકોની ઘટ છે. શિક્ષકોની ઘટ છતાં 100 જેટલા શિક્ષકો વિવિધ બહાના હેઠળ વર્ગ ન લેતા હોવાનું ધ્યાને આવ્યુ છે. શિક્ષકો નિયમ મુજબ રોજના 3-3 વર્ગો ન લેતાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. શાળા નં.-121ના નિમીષા પટેલ, શાળા નં.-190ના આરતી ચૌધરી 6 મહિનાથી રજા પર છે. જ્યારે શાળા નં.-275ના અન્સારી મુસા પણ છેલ્લાં 6 મહિનાથી ગેરહાજર છે. ત્રણેય શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે.

  • 13 Aug 2024 01:55 PM (IST)

    પોરબંદરઃ કુતિયાણામાં ખુશીનો પ્રસંગ મોતમાં ફેરવાયો

    પોરબંદરઃ કુતિયાણામાં ખુશીનો પ્રસંગ મોતમાં ફેરવાયો છે.  પુત્રવધુના શ્રીમંત પ્રસંગે ડાન્સ કરતા સસરાનું મોત થયુ છે. દિનેશ બારોટ નામના વ્યક્તિનું હાર્ટએટેકના કારણે મોત નીપજ્યુ. હાર્ટએટેક આવતા પરીવારમાં ગમગીની છવાઇ છે.

  • 13 Aug 2024 01:53 PM (IST)

    વડોદરા: હિન્દુ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનારા વિધર્મી આરોપી સામે વધુ એક ફરિયાદ

    વડોદરા: હિન્દુ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનારા વિધર્મી આરોપી વાહીદ ભટ્ટી અને તેના સાગરીતો વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ યુવતીના પિતા પાસે 50 લાખની ખંડણી માગ્યાનો ગુનો દાખલ થયો છે. પીડિતાના બીભત્સ ફોટો, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માગી હતી. યુવતીના પિતાને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી ખંડણી માગી હતી. યુવકે યુવતીને દૂબઈમાં 22 લાખમાં વેચી દેવાનું ષંડયત્ર ઘડ્યુ હતુ.  આરોપી વાહિદ ભટ્ટી અને તેના સાગરીતો વિરૂદ્ધ ખંડણીનો ગુનો દાખલ કરાયો છે.

  • 13 Aug 2024 01:50 PM (IST)

    અરવલ્લી: બાંગ્લાદેશનો યુવક વિઝા, પાસપોર્ટ વિના ભારતમાં ઘૂસ્યો હોવાનો ઘટસ્ફોટ

    અરવલ્લી: બાયડના રમાસ ગામેથી ઝડપાયેલ બાંગ્લાદેશી યુવક મામલે મોટો ઘટસ્ફોટ છે. બાંગ્લાદેશનો યુવક વિઝા, પાસપોર્ટ વિના ભારતમાં ઘૂસ્યો હતો, યુવક રામરોટી ગામની યુવતીને મળવા આવ્યો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. દુબઈમાં યુવક-યુવતી બંને સાથે નોકરી કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. શંકાસ્પદ હિલચાલના પગલે સ્થાનિકોએ યુવકને ઝડપી પોલીસને સોંપ્યો હતો.  તેના મોબાઇલની તપાસ કરતા મળી તેમા ભારત વિરૂદ્ધ લખાણ મળી આવ્યુ હતુ.

  • 13 Aug 2024 01:48 PM (IST)

    વડોદરાઃ મોબાઈલની જીદે લીધો કિશોરનો ભોગ

    વાલીઓ માટે ચિંતાજનક અને લાલ બત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં મોબાઈલની જીદે એક કિશોરનો જીવ ગયો છે.  14 વર્ષીય કિશોરે આપઘાત કર્યો. માતાપિતાએ મોબાઈલ આપવાની ના પાડતા કિશોરે આપઘાત કર્યો હતો. કપુરાઈ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. અકસ્માતે ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • 13 Aug 2024 01:47 PM (IST)

    વડોદરાની સુખધામ સોસાયટીના રહીશોએ મેયરને ઘેર્યા

    વડોદરામાં 20 વર્ષથી એક સોસાયટીનાં રહીશો પાલિકામાં પાણી વેરો તો ભરે છે, પણ તે વેરાનું વળતર નથી મળી રહ્યું પૂર્વ વિસ્તારમાં આવેલી સુખધામ સોસાયટીના કંટાળેલા રહીશો આખરે નળ લઇ મેયર પાસે પહોંચ્યાં હતાં અને પોતાની વેદના રજુ કરી હતી.જે તે સમયે બિલ્ડરે પાણી આપવાની વાત તો કરી હતી પણ પાણી હજુ સુધિ મળ્યું નથી.તેને લઇને સોસાયટીના રહિશો આકરા પાણીએ છે.અને મેયરને પાણી આપવા અંગે રજૂઆત કરી હતી

  • 13 Aug 2024 01:45 PM (IST)

    રાજકોટઃ બેકરીમાંથી ખરીદાયેલી નાનખટાઈમાંથી નીકળી માખી

    રાજકોટઃ ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે.  બેકરીમાંથી ખરીદાયેલી નાનખટાઈમાંથી માખી નીકળી છે. નાનખટાઈની સાથે પેકિંગમાં જ માખી જોવા મળી ! પાટીદાર ચોક પાસે આવેલી બેકરીમાંથી નાનખટાઈ ખરીદવામા આવી હતી. ફરિયાદ બાદ માર્વેલ્સ બેકરીમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યુ છે. જેમા બેકરી પાસે ફુડ લાયસન્સ ન હોવાનુ બહાર આવ્યુ છે. બેકરી પ્રોડ્કટ પર બનાવટમાં પદાર્થ લખાયા ન હોવાનું પણ આવ્યું બહાર છે.

  • 13 Aug 2024 01:42 PM (IST)

    વડોદરા: કૃષ્ણકુંજ સોસાયટી અને શિવ બંગ્લોઝ વચ્ચે કાંસનો સ્લેબ ધરાશાયી

    વડોદરા: કૃષ્ણકુંજ સોસાયટી અને શિવ બંગ્લોઝ વચ્ચે કાંસનો સ્લેબ ધરાશાયી થયો છે. કાંસની બાજુમાં આવેલ મકાન માલિકને નોટિસ આપી મકાન ખાલી કરાવાયું છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પાલિકા પર મોટો આક્ષેપ છે કે ઓડનગર વરસાદી કાંસ પર બિલ્ડરે કબ્જો જમાવ્યા હતો. બિલ્ડરને પાલિકા નોટિસ નહીં આપતી હોવાનો પણ દાવો કરાયો છે. બિલ્ડરે વરસાદી કાંસ પર RCC સ્લેબ પૂરી રોડ બનાવ્યો હતો. કાંસની બાજુમાં 9 મીટરનું માર્જિન ન છોડ્યાનો આરોપ છે.  પૂર્વ કોર્પોરેટર ગેરકાયદેસર બાંધકામ વખતે જ ટાઉન પ્લાનિંગ વિભાગને પત્ર લખ્યો હતો પરંતુ બિલ્ડર સામે કોઈ કાર્યવાહી કરાઈ ન હતી.

  • 13 Aug 2024 01:40 PM (IST)

    ગેરહાજર રહેતા શિક્ષકો મુદ્દે રહી રહીને જાગ્યુ અમદાવાદ મનપાનું શિક્ષણ બોર્ડ

    ગુલ્લીબાજ શિક્ષકો મુદ્દે અમદાવાદ મનપાનું શિક્ષણ બોર્ડ રહી રહીને જાગ્યુ છે. અઢી વર્ષથી ગેરહાજર શિક્ષકને બરતરફ કર્યા છે. તેજસિંહ ભદોરિયા 1990થી ફરજ પર હતા અને 27 જાન્યુઆરી 2022થી ગેરહાજર રહેતા તેમનું રાજીનામુ લઈ લેવાયુ છે. 3 3 વારની નોટિસ બાદ પણ શિક્ષક ગેરહાજર રહેતા રાજીનામું લેવાયુ છે.

  • 13 Aug 2024 01:38 PM (IST)

    સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

    સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને  પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયુ છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ યલો એલર્ટ અપાયુ છે. જેમા પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.

  • 13 Aug 2024 12:55 PM (IST)

    વંદે ભારત બાદ હવે ગુજરાતમાં વંદે મેટ્રો ટ્રેન દોડતી થશે

    રાજ્યમાં વંદે ભારત બાદ હવે વંદે મેટ્રો ટ્રેન દોડતી થશે. બે સિટીને જોડતી વંદે મેટ્રો ટ્રેન ગુજરાતમાં દોડતી થશે. રાજ્યની સૌપ્રથમ વંદે મેટ્રો સાબરમતી સ્ટેશન આવી પહોંચી છે. જેનો અમદાવાદથી ભુજ સુધી ટ્રાયલ રન કરવામાં આવશે. 200 થી 300 કિમીનું અંતર ધરાવતા શહેરો વચ્ચે આ ટ્રેન દોડશે. 100 થી 130ની ઝડપથી દોડતી વંદે મેટ્રોમાં AC કોચ સહિત મુસાફરોને બેસવા માટે સોફાની વ્યવસ્થા છે. જેમા દિવ્યાંગ અને મહિલા કોચની પણ અલાયદી સુવિધા છે. આ ટ્રેન CCTV સહિતની તમામ સુવિધાઓથી સજ્જ છે.

  • 13 Aug 2024 12:21 PM (IST)

    રાજકોટઃ મેયરના લોક દરબારમાં ફરી થયો હોબાળો

    રાજકોટમાં વોર્ડ નંબર 18માં મેયર આપને દ્વાર અંતર્ગત લોક દરબાર યોજાયો હતો. જેમા પ્રાથમિક સુવિધાઓને લઈને હોબાળો થયો હતો. કોંગ્રેસ અને સ્થાનિક લોકોએ સવાલોનો મારો ચલાવ્યો હતો. રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ પાણીની વ્યવસ્થા સફાઇના મુદ્દે હોબાળો થયો હતો. મેયર,સ્ટેન્ડિંગ ચેરમેન અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓનો ઉઘડો લીધો હતો. લોકોના રોષને જોતા વિજીસલન્સની ટીમે બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.

  • 13 Aug 2024 08:45 AM (IST)

    ભરૂચના નેત્રંગ ગામે સબસ્ટેશનનું નિર્માણ લટકી પડ્યુ

    ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ફૂલવાડી ગામમાં ગ્રામપંચાયતે સબસ્ટેશનના નિર્માણ માટે જમીન ફાળવી હતી.  પરંતુ કેટલાક લોકોએ તેના વિરુદ્ધમાં અરજી કરતા. સબસ્ટેશનનું નિર્માણ અટકી પડ્યું હતું. ગ્રામજનોએ મામલતદાર આવેદનપત્ર આપીને. સબસ્ટેશન બનાવવા માટે રજૂઆત કરી. ગ્રામજનોનો આરોપ છે કે ચૈતર વસાવાના વિરોધના કારણે સબસ્ટેશનનું નિર્માણ અટકી પડ્યું છે.

  • 13 Aug 2024 08:44 AM (IST)

    શિક્ષકોને NOC આપતા પહેલા વિઝાનો પ્રકાર તપાસવાની સલાહ આપતા ભાસ્કર પટેલ

    શિક્ષકોને NOC આપતા પહેલા વિઝાનો પ્રકાર તપાસવો જોઇએ. શિક્ષણ વિભાગને આ સલાહ આપી છે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે. ભાસ્કર પટેલે શિક્ષકોની ગેરહાજરી મુદ્દે મોટું નિવેદન આપ્યું. તેઓએ દાવો કર્યો કે વિદેશ ગયા બાદ શિક્ષકો નોકરીનો વિકલ્પ ખુલ્લો રાખે છે. જો વિદેશમાં સેટ ન થવાયું તો દેશમાં નોકરી હેમખેમ રહે તે માટે શિક્ષકો રાજીનામું આપ્યા વગર છટકબારીનો સહારો લે છે. તેઓએ માગ કરી કે એકવાર રજા લીધા બાદ બીજીવાર વિદેશ પ્રવાસની રજા આપતી વખતે તપાસ કરવી જોઇએ.

  • 13 Aug 2024 08:43 AM (IST)

    ખેડામાં વધુ એક ગુલ્લીબાજ શિક્ષિકા બકીના પટેલનો પર્દાફાશ

    આ તરફ ખેડાના ઠાસરામાં વધુ એક શિક્ષિકાની ગેરહાજરીનો કિસ્સો સામે આવ્યો છે. ઠાસરાની રણછોડપુરા શાળાની શિક્ષિકા બકીના પટેલ પાછલા 10 માસથી વિદેશમાં હોવાનો ખુલાસો થયો છે. બકીના પટેલે મેડિકલ રજાનું બહાનું આગળ ધરીને પોતાની ફરજ ચૂકી છે. જોકે દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે રાજકીય વગ ધરાવતી હોવાથી શિક્ષિકા વિરૂદ્ધ કાર્યવાહી ન કરાતી હોવાનો આરોપ લાગ્યો છે. સૌથી મોટો સવાલ એ પણ સર્જાય છે કે કેમ શિક્ષણ વિભાગે પણ 10 મહિનાથી ગેરહાજર શિક્ષિકા વિરૂદ્ધ કાર્યવાહી નથી કરી.

  • 13 Aug 2024 08:42 AM (IST)

    વડોદરાઃ વાઘોડિયામાં તિરંગા યાત્રા સમયે દુર્ઘટના

    વડોદરાના વાઘોડિયામાં રખડતા ઢોરનો ત્રાસ બેફામ બન્યો છે. તિરંગા યાત્રા સમયે ગાયે વિદ્યાર્થિનીને અડફેટે લીધી હતી. આ દરમિયાન વિદ્યાર્થિનીને માથામાં ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.

  • 13 Aug 2024 08:40 AM (IST)

    ભરૂચના જંબુસરના ડાભા ગામમાં ટાંકી ઉતરતા સમયે દુર્ઘટના

    ભરૂચના જંબુસરના ડાભા ગામમાં ટાંકી ઉતરતા સમયે દુર્ઘટના સર્જાઈ હતી. મૂળ સ્થાન કરતા અન્ય બાજુએ ટાંકી પડતા અફરાતફરી મચી ગઈ હતી. ટાંકીનો કાટમાળ નજીકની દુકાનો પર પડતા દુકાનો જમીનદોસ્ત થઈ ગઈ છે. ટાંકી પડવાના લાઈવ દ્રશ્યો થયા કેમેરામાં કેદ થયા છે. સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી.

  • 13 Aug 2024 08:38 AM (IST)

    ભરૂચ: અંકલેશ્વરને જૂના નેશનલ હાઈવે સાથે જોડતો રસ્તો અત્યંત બિસ્માર

    ભરૂચ: અંકલેશ્વરને જૂના નેશનલ હાઈવે સાથે જોડતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. માર્ગ પર જ્યાં નજર કરો ત્યાં ખાડા જ ખાડા છે. બિસ્માર રસ્તાના કારણે વાહનચાલકો હેરાન-પરેશાન થઈ ગયા છે. ખાડાવાળા રસ્તાના કારણે વાહનોને પણ નુકસાન પહોંચી રહ્યુ છે. વાહનચાલકોને ઉબડખાબડ રસ્તા અને ગંદકીથી ભરપૂર રસ્તાથી અકસ્માતની ઘટનાઓનો પણ સતત ભય રહે છે.

  • 13 Aug 2024 08:30 AM (IST)

    અમદાવાદ: શહેરમાં ડ્રગ્સના વેચાણના નેટવર્કનો પર્દાફાશ

    અમદાવાદ શહેરમાં ફરી  ડ્રગ્સના વેચાણના નેટવર્કનો પર્દાફાશ થયો છે.  વાસણા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા 22.350 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. વાસણાના નારાયણનગર રોડ પર ધર્મેન્દ્ર ઠાકોર ડ્રગ્સનું વેચાણ કરતો હતો. ત્રણ માસથી આરોપી ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ડ્રગ્સની નાની પડકી બનાવી ₹2,000 થી ₹2,500માં વેચતો હતો. ધર્મેન્દ્રને ડ્રગ્સ વેચવા આપનાર વોન્ટેડ આરોપી ઉસામા શાહિદ ફરાર છે. કયા-કયા વિસ્તારમાં ડ્રગ્સ સપ્લાય થતું હતું તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.

Published On - Aug 13,2024 8:23 AM

g clip-path="url(#clip0_868_265)">