02 જુનના મહત્વના સમાચાર : અમદાવાદમાં કાંકરિયા અનુપમ રેલવે બ્રિજ 3, 5, 10, 13, 14 જૂનના રોજ રાત્રીના 12થી સવારના 6 સુધી બંધ રહેશે
આજે 02 જુનને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 02 જુનને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
કાંકરિયા અનુપમ રેલવે બ્રિજ 3, 5, 10, 13, 14 જૂનના રોજ રાત્રીના 12થી સવારના 6 સુધી બંધ રહેશે
અમદાવાદના કાંકરિયા અનુપમ સિનેમા રેલવે ઓવરબ્રિજ, બુલેટ ટ્રેનની કામગીરીને કારણે જૂન મહિનાના પાંચ દિવસ માટે રાત્રીના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. આ બ્રિજ બંધ હોવાને કારણે વૈક્લિપક માર્ગ તરીકે નાથાલાલ ઝઘડા-દક્ષિણી ઓવરબ્રિજનો ઉપયોગ કરવા તાકીદ કરવામાં આવી છે.
-
છોટાઉદેપુર જિલ્લામાં ટેકાના ભાવે મકાઈ ખરીદીની માત્રા ઘટાડાતા ખેડૂતો મુશ્કેલીમાં
છોટાઉદેપુર જિલ્લામાં ટેકાના ભાવે મકાઈની કરાતી ખરીદીમાં, કટ્ટાની સંખ્યામાં ઘટાડો કરી દેવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેતપુર પાવી ખાતે આવેલા ગોડાઉન પર મકાઈ લઈને આવેલા ખેડૂતોને માલ પરત લઈ જવાનો વારો આવ્યો. અગાઉ એક ખેડૂત પાસેથી 60 કટ્ટા મકાઈ ખરીદવાની મર્યાદા હતી, પરંતુ નવા પરિપત્ર મુજબ મકાઈની ખરીદી મર્યાદા ઘટાડીને 30 કટ્ટા કરવામાં આવી છે. ખરીદી મર્યાદા અચાનક ઘટતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે, જ્યારે બાકી રહેલી મકાઈ ખુલ્લા બજારમાં ઓછા ભાવે વેચવાની ફરજ પડી રહી છે. મહેનતથી પકવેલા પાકને યોગ્ય ભાવ ના મળતા ખેડૂતો આર્થિક નુકસાનની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે.
-
-
OSM માં ગેરરીતિ બદલ આખરે સરકારે કરી કાર્યવાહી, CBSE ના ચેરમેન અને સચિવની બદલી
CBSE પેપર મૂલ્યાંકન પ્રક્રિયામાં અનિયમિતતાઓને પગલે, સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે. લોકોના વ્યાપક વિરોધ અને સીબીએસઈ પ્રત્યે રોષની લાગણી બાદ આજે મંગળવારે, સરકારે CBSE ના ચેરમેન અને સચિવની બદલી કરી છે. વધુમાં, ગેરરીતિઓની તપાસ માટે એક સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે.
-
રાજકોટના નાનામૌવા રોડ પર મહિલાઓની પજવણી કરતા એક યુવકને પડ્યો મેથીપાક
રાજકોટના નાનામૌવા રોડ પર મહિલાઓની પજવણી કરતા એક યુવકને પડ્યો મેથીપાક. મહિલાઓએ યુવકને માર્યો ઢોરમાર. દર્પણ જેઠવા નામનો શખ્સ બગીચામાં મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરતો ઝડપાયો. મહિલાઓ એકઠી થઇને યુવકને માર્યો ઢોરમાર. સ્થાનિકોએ યુવકને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો.
-
બનાસકાંઠાના ઓગડના ઇન્દ્રમાણામાં વાવાઝોડામાં 200થી વધુ પોપટના મોત
ઓગડના ઇન્દ્રમાણામાં વાવાઝોડામાં 200થી વધુ પોપટના મોત થયા છે. ગત રાત્રે ઇન્દ્રમાણા ગામમાં આવેલા ભારે વાવાઝોડા અને વરસાદને કારણે પોપટોના મોત થયા છે. આ કુદરતી આફતમાં 200થી વધુ પોપટ મૃત્યુ પામ્યા. 70થી 80 જેટલા પોપટ ઘાયલ થયા છે. જીવદયા ટીમે મૃત્યુ પામેલ પોપટોની સમાધિ આપી, તેમજ ઘાયલ પોપટોને સારવાર માટે થરા પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે.
-
-
સુરત જિલ્લાના બારડોલી નજીક ધુલિયા હાઈ વે પર બે બસ વચ્ચે અકસ્માત, 6ના મોત
સુરત જિલ્લાના બારડોલી નજીક ધુલિયા હાઈ વે પર બે બસ વચ્ચે અકસ્માત થતા 6ના મોત થયા છે. બારડોલી તાલુકાના ઉવા – માણેકપોર ગામ વચ્ચે બની ઘટના. બે બસ વચ્ચે અકસ્માત થતા ગુજરાત એસટીની બસ પલટી મારી. મહારાષ્ટ્ર ડેપોની ધુલિયાથી નવાપુર થઈ સુરત જતી હતી બસ. બસ પલટી મારી જતાં ધડાકા સાથે બસમાં આગ લાગી. આગમાં છ મુસાફરો ના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા” છ મૃતદેહો બારડોલી પીએમ રૂમ પર લવાયાં છે. બારડોલી ફાયર ટિમ , પોલીસ ઘટના સ્થળે પહોચી
-
ચાંગોદરની મહિલા PSIએ, ગુજરાત યુનિ. પોલીસ મથકમાં પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધને ઢોર માર માર્યો
અમદાવાદના ચાંગોદરની મહિલા PSI એ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પર બર્બરતા વર્તાવીનો આક્ષેપ. ચાંગોદરની મહિલા PSI એ ગુજરાત યુનિ પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુને માર માર્યો. પંચવટી પાસે PCU ચલાવતા ગોપાલભાઈ દરજીને થયો કડવો અનુભવ. PCU માં પડેલા નાસ્તાના પડેકા છોકરાઓ લઈને ભાગી રહ્યા હોવાથી હાથ ફેરવ્યો હતો. હાથ એક છોકરાને લાગી જતા એમના પિતાએ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી હતી. ગોપાલભાઈ દરજીને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં રખાયા હતા. જે છોકરાને ઝાપટ વાગી તે મહિલા PSI નો દીકરો હતો. ચાંગોદરના મહિલા PSI એ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આવી પ્રજ્ઞાચક્ષુને માર માર્યો. વૃદ્ધ વ્યક્તિને આંખ પર લાફો મારતા આંખ લાલ થઈ ગઈ. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધને માર પડી રહ્યો હતો અને સ્ટાફ ચૂપ હતો. મહિલા PSI એ માર મારતા વૃદ્ધે હોસ્પિટલમાં સારવાર પણ લેવી પડી. ઢોર માર મરનાર મહિલા PSI સામે કાર્યવાહીની પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધની માંગ.
-
રાજકોટમાંથી 250 કિલોથી વધારે અખાદ્ય ચોકલેટનો જથ્થો ઝડપાયો
રાજકોટમાંથી 250 કિલોથી વધારે અખાદ્ય ચોકલેટનો જથ્થો ઝડપાયો છે. RMCના આરોગ્ય વિભાગે ચોકલેટના ગોડાઉનમાં તપાસ હાથ ધરી. 250 કિલોથી વધારે અખાદ્ય ચોકલેટનો જથ્થો મળી આવ્યો. ઇન્જેકશનમાં ઝેલી જેવું લિકવીડ ભરીને વેચવામાં આવતું હતું. બ્રાન્ડેડ કંપનીની નકલ દર્શાવતી ચોકલેટ વેચવામાં આવતી હતી. પછાત વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વેચાણ થતું હતું. બાળકોને આકર્ષવા માટે આ પ્રકારની આકર્ષક ચોકલેટ તૈયાર કરાતી હતી. 2 મહિનાથી લઇને 4 મહિનાની એક્સપાઇરી વાળી ચોકલેટો હતી. આરોગ્ય શાખાએ નમૂના લીધાં.
-
જબલપુર સોમનાથ ટ્રેનમાં સગર્ભાએ બાળકીને આપ્યો જન્મ, વિરમગામ સરકારી હોસ્પિટલના ગાયનેક ડોકટરે કરાવી ડિલીવરી
જબલપુર સોમનાથ ટ્રેનમાં સગર્ભાએ બાળકીને જન્મ આપ્યો. સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડતા ટ્રેનમાં સવાર સરકારી હોસ્પિટલના ગાયનેક ડોક્ટરે ડિલીવરી કરાવી હતી. વિરમગામ સરકારી હોસ્પિટલના ગાયનેક ડો. અદિતિ પાઠકએ ડિલીવરી કરાવી. માતા અને બાળકને સારવાર માટે વિરમગામ ખસેડાયા.
-
CNGના ભાવમાં વધારાને લઈને સુરતના સચિનમાં રિક્ષાચાલકો હડતાળ પર ઉતર્યાં
સુરતના સચિનમાં CNGના ભાવમાં વધારાને કારણે રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા. રિક્ષાઓ રોકીને હટાવવામાં આવતા મુસાફરો અટવાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોનો વિરોધ નોંધાવ્યો. રીક્ષા ભાડામાં રૂપિયા 5 નો વધારો કરવાની માંગ. સચિન ચાર રસ્તા ખાતે હડતાળ શરૂ કરી હતી. CNG ના ભાવ વધતાં, રિક્ષા ચાલકોનો ગુસ્સો ફાટી નીકળ્યો. સચિનથી ભેસ્તાન અને ઉધના જેવા વ્યસ્ત વિસ્તારો સુધીની પરિવહન સેવાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ.
-
ભાજપના વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલનુ નિધન
વડોદરાના ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન. માંજલપુર મતવિસ્તારમાંથી ભાજપની ટિકિટ પર ચૂંટાયેલા હતા ધારાસભ્ય યોગેશ પટેલ.
-
પશ્ચિમ બંગાળઃ કોલકાતામાં પૂર્વ CM મમતા બેનર્જીના ધરણા
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ અભિષેક બેનર્જી અને કલ્યાણ બેનર્જી પર થયેલા કથિત હુમલાના વિરોધમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ધરણા યોજ્યા હતા. જોકે કોલકાતા પોલીસે ધરણા માટે સત્તાવાર મંજૂરી આપી ન હોવાનું સામે આવ્યું છે. ધરણા સ્થળે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ મુદ્દે રાજ્યની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા હુમલાની ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન તેજ કરવામાં આવ્યા છે.
-
અમદાવાદ: નરોડામાંથી કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો
અમદાવાદના નરોડા વિસ્તારમાં થયેલી કોપર અને એલ્યુમિનિયમ વાયરની ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. આ મામલે પોલીસે એક સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ વિશ્વકર્મા એસ્ટેટ સ્થિત મહાવીર એન્ટરપ્રાઇઝ ફેક્ટરીમાં ઘૂસી કોપર અને એલ્યુમિનિયમના વાયરની ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે ઝડપી કાર્યવાહી કરી ફેક્ટરીમાંથી ચોરાયેલો મુદ્દામાલ રિકવર કર્યો છે. આરોપીઓ પાસેથી કોપર અને એલ્યુમિનિયમના તાર ઉપરાંત ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ ગેસ કટર અને ઓક્સિજનનો બાટલો પણ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
-
દાહોદ: ગરબાડા ચોકડી ખાતે સાઈન બોર્ડે 3 લોકોનો લીધો જીવ
દાહોદ જિલ્લાના ગરબાડા ચોકડી ખાતે વાવાઝોડા દરમિયાન એક વિશાળ સાઈન બોર્ડ ફંગોળાતા સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ત્રણ પર પહોંચ્યો છે. ઘટનામાં ગઈકાલે રાત્રે ગંભીર ઈજાઓના કારણે બે લોકોના મોત થયા હતા, જ્યારે આજે સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિએ પણ દમ તોડ્યો હતો. અન્ય એક વ્યક્તિ હજુ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. દુર્ઘટના બાદ મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સાઈન બોર્ડની ગુણવત્તા તેમજ તેની સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉઠી રહ્યા છે. સાથે જ મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.
-
જૂનાગઢ: અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા માળિયા હાટીનાના ગામના 5 લોકોની લથડી તબિયત
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના પાણીધ્રા ગામમાં અગરબત્તી બનાવવાના કેમિકલનું સેવન કર્યાની ઘટનાથી ચકચાર મચી છે. આ ઘટનામાં 5 લોકોની તબિયત લથડી હતી, જેમાં એક મહિલા સહિત બે લોકો હજુ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે, જ્યારે અન્ય બે લોકોની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે અગરબત્તી બનાવવાના કેમિકલમાંથી દારૂ બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે 4 લોકોને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. એક વ્યક્તિની કબૂલાત બાદ તપાસ રાજકોટ સુધી લંબાઈ છે, જ્યાંથી 7 દિવસ પહેલા આ કેમિકલ લાવવામાં આવ્યું હોવાનું પોલીસનું કહેવું છે. શંકાસ્પદ પ્રવાહીને વધુ તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યું છે.
-
અમદાવાદ: સરાજાહેર હત્યાની ઘટનાથી ચકચાર
અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં સરાજાહેર હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. મેઘાણીનગરની ગુલમર્ગ સોસાયટી નજીક બે શખ્સોએ એક વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ હરેશ પટણી તરીકે થઈ છે. હુમલો એટલો ગંભીર હતો કે હરેશ પટણીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં મેઘાણીનગર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા હત્યા પાછળના કારણો તેમજ હુમલાખોરોની ઓળખ અંગે તપાસ તેજ કરવામાં આવી છે. દિવસદાટે બનેલી આ ઘટનાના કારણે વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો છે.
-
પંચમહાલ: હાલોલ તાલુકાના ચાપરા ગામે કરંટ લાગતા યુવકનું મોત
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ચાપરા ગામમાં કરંટ લાગવાની દુર્ઘટનામાં એક યુવકનું કરુણ મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વીજ થાંભલાનો કરંટ નજીકમાં બનાવવામાં આવેલા પતરાના શેડમાં ઉતરી જતાં યુવક તેના સંપર્કમાં આવ્યો હતો. કરંટ લાગતાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે હાલોલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ યુવકને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં હાલોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
-
પાટણ: રાધનપુરમાં વાતાવરણમાં પલટા બાદ ભારે નુક્સાન
પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. ખાસ કરીને બાદરપુરા ગામમાં ભારે પવનના કારણે અનેક મકાનોના પતરા ઉડી ગયા હતા અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. મોડી રાતથી વીજળી ગુલ રહેતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ખેડૂતોને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ચણા સહિતના તૈયાર પાકને વરસાદ અને પવનના કારણે નુકસાન પહોંચતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ નુકસાનનો તાત્કાલિક સર્વે કરી અસરગ્રસ્ત ખેડૂતો અને લોકોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ ઉઠાવી છે.
-
અમદાવાદઃ સ્ટેટ GST મોબાઈલ સ્ક્વોડની મેગા કાર્યવાહી
અમદાવાદમાં સ્ટેટ GST વિભાગના મોબાઈલ સ્ક્વોડ દ્વારા ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિભાગે ખાનગી બસોમાં અન્ય રાજ્યમાંથી અમદાવાદ લવાઈ રહેલા કિંમતી માલસામાન પર દરોડા પાડી અંદાજે 4.25 કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો છે. કાર્યવાહીમાં 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું તેમજ આશરે 3 કિલો કિંમતી પથ્થરો ઝડપાયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ જથ્થો ખાનગી બસ મારફતે અમદાવાદ લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને નાના વાહનોમાં વિવિધ સ્થળોએ પહોંચાડવાનો પ્લાન હતો. સ્ટેટ GST વિભાગની આ મેગા કાર્યવાહી બાદ વેપારી વર્તુળોમાં પણ ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જથ્થા સંબંધિત જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.
-
જુનાગઢ: જિલ્લા પંચાયત પ્રમુખના પતિના ફોટો વાયરલ
-
સુરત: ભારે પવન સાથે વરસાદ આવતા વૃક્ષ ધરાશાયી
સુરતમાં ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ નોંધાઈ છે. ફાયર વિભાગને વૃક્ષ પડવાના કુલ 8 કોલ મળ્યા હતા. પાંડેસરા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતા કેટલાક વાહનોને નુકસાન થયું હતું, તેમજ રસ્તા પર વૃક્ષ પડતાં વાહન વ્યવહાર પણ થોડા સમય માટે ખોરવાયો હતો. જોકે સદભાગ્યે આ તમામ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી.
-
અમરેલી: રાજુલાના રામપરા ગામમાં સિંહના ધામા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામમાં બે સિંહોના ધામા જોવા મળતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગામમાં પ્રવેશેલા બે ડાલામથ્થા સિંહોએ એક દિવાલ પરથી છલાંગ મારી ગામની શેરીઓમાં આંટાફેરા કર્યા હતા. શિકારની શોધમાં ગામની અંદર સુધી પહોંચી ગયેલા સિંહોની લટારનો વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગામની શેરીઓમાં નિર્ભયપણે ફરી રહેલા સિંહોને જોઈ લોકોમાં દહેશત ફેલાઈ હતી અને ઘણા લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. સ્થાનિકોએ વન વિભાગ સમક્ષ સિંહોને ગામથી દૂર સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ કરી છે. ઘટનાને પગલે વન વિભાગ પણ સતર્ક બન્યું છે અને સિંહોની હિલચાલ પર નજર રાખી રહ્યું છે.
-
150 તાલુકાઓમાં થયો નોંધપાત્ર વરસાદ
-
આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી
-
વાવ-થરાદઃ ભારે પવન સાથે ધોધમાર વરસાદ
વાવ-થરાદ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું. લાખણી, દિયોદર, થરાદ સહિતના અનેક તાલુકાઓમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ભારે પવનના કારણે ડીસા-થરાદ હાઈવે તેમજ દિયોદર-જેતડા હાઈવે પર અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. બીજી તરફ લાખણીના ભીમાજી ગોળિયા નજીક હાઈવે જળમગ્ન બની જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ અને પવનના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી, પરંતુ સાથે જ માર્ગ વ્યવસ્થા અને સલામતી અંગે ચિંતાઓ પણ ઊભી થઈ છે.
-
અમદાવાદમાં અનેક જગ્યાએ તોતિંગ વૃક્ષો થયા ધરાશાયી
અમદાવાદમાં વરસેલા સામાન્ય વરસાદે શહેરની તંત્રવ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. ભારે પવન અને વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા હતા, જેના કારણે વાહનોને ભારે નુકસાન પહોંચ્યું અને અનેક વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો. અનેક સ્થળોએ હોર્ડિંગ્સ પણ જમીનદોસ્ત થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વેજલપુર સહિત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું હતું. ખાસ કરીને વેજલપુરમાં વર્ષોથી ચાલતી જળભરાવની સમસ્યા યથાવત રહેતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સામાન્ય વરસાદમાં જ અમદાવાદની હાલત દયનીય બની જતાં વરસાદી સીઝન દરમિયાન શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રી-મોન્સૂન કામગીરી અંગે અનેક સવાલો ઊભા થયા છે.
Published On - Jun 02,2026 7:46 AM
