01 જુનના મહત્વના સમાચાર : અમદાવાદમા સ્ટેડિયમ પાસેની આવેલ સ્પોર્ટ્સ ક્લબને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
આજે 01 જુનને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 01 જુનને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
દ્વારકાના શિવરાજપુર બીચ પર નાહવા અને સ્વિમિંગ કરવા પ્રતિબંધ
દ્વારકાના શિવરાજપુર બીચ પર નાહવા અને સ્વિમિંગ કરવા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. લાઈટ હાઉસ સર્વે નં. 58થી શિવરાજપુર ખાડી-2ના છેડા સુધીનો વિસ્તાર પ્રતિબંધિત જાહેર. જાહેરનામું 30 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે. પ્રતિબંધનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
-
અમદાવાદમા સ્ટેડિયમ પાસેની આવેલ સ્પોર્ટ્સ ક્લબને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદમાં બોમ્બની ધમકી આપનારાઓએ પેટર્ન બદલાઈ હોય તેવુ લાગી રહ્યું છે. કોર્ટ, શાળા અને વિધાનસભા બાદ હવે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અમદાવાદના નવરંગપુરા ખાતે સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આવેલ સ્પોર્ટ્સ ક્લબને મળી ધમકી. પોલીસ અને ફાયરની ટીમ સ્પોર્ટ્સ ક્લબ પહોચ્યા. BDDS સહિતની ટીમ દ્વારા ચેકીંગ.
-
-
સુરત એરપોર્ટ પર CISFના કર્મચારીની ઈમાનદારી, 53.34 લાખના દાગીના અને 30,000 રોકડ ભરેલ થેલો મૂળ માલિકને પરત કર્યો
સુરત એરપોર્ટ પર CISFના કર્મચારીની ઈમાનદારીનો કિસ્સો સામે આવ્યો છે. CISFના કર્મચારીઓને મળેલી લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમની બેગ મૂળ માલિકને પરત કરી. 1 જૂન 2026ના રોજ સુરત એરપોર્ટના અરાઇવલ ગેટ બહારથી CISFને એક બિનવારસી હેન્ડબેગ મળી આવી હતી. આ બેગમાંથી અંદાજે 53.34 લાખના કિંમતી દાગીના અને 30,000 રોકડ રકમ મળી આવી હતી. બેગ બેંગલુરુથી ફ્લાઇટમાં આવેલા મુસાફર શૈલેષ પ્રેમપ્રકાશ ગુપ્તાની હતી. જેઓ ઉતાવળમાં તેને ભૂલી ગયા હતા. એરપોર્ટ પર તૈનાત CISFના જવાનોએ પ્રમાણિકતા દાખવીને જરૂરી ચકાસણી બાદ આ કિંમતી બેગ મુસાફરને સુરક્ષિત પરત કરી. કિંમતી સામાન સહીસલામત પાછો મળતા મુસાફરે CISFનો આભાર માન્યો.
-
ભરૂચમાં નેત્રંગના ધાણીખૂંટ ગામે રમપમ ધોધ ખાતે યુવકનું ડૂબી જવાથી મોત
ભરૂચમાં નેત્રંગના ધાણીખૂંટ ગામે રમપમ ધોધ ખાતે યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. અંકલેશ્વરના ભડકોદ્રા ગામનો 20 વર્ષીય અબ્દુલ વાહિમ શાહ મોતને ભેટ્યો છે. મિત્રો સાથે ફરવા આવેલા યુવકનો પથ્થર પરથી પગ લપસતાં અકસ્માત થયો હતો. ઊંડા પાણીના ખાડામાં પડી જતા ગંભીર ઇજા પહોંચી. રમપમ ધોધ ખાતે વારંવાર બનતી દુર્ઘટનાઓથી સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે.
-
ગુજરાતની GST આવકમાં 16 % નો નોંધપાત્ર વધારો થયો
મે-2026માં ગુજરાતની GST આવકમાં 16 % નો નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યને મે-2026 દરમિયાન રૂપિયા 7,262 કરોડની GST આવક પ્રાપ્ત થઈ છે. મે-2026માં રાષ્ટ્રીય કક્ષાએ GST આવક વૃદ્ધિ દર 3.2 % રહ્યો. ગુજરાતનો વૃદ્ધિ દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો વધુ રહ્યો. મે-2026માં VATથી રૂપિયા 2,717 કરોડ, વીજ શુલ્કથી રૂપિયા 998 કરોડ અને વ્યવસાય વેરાથી રૂપિયા 22 કરોડની આવક થઈ છે. રાજ્ય કર વિભાગને GST, વેટ, વ્યવસાય વેરા થકી કુલ રૂપિયા 10,998 કરોડની આવક પ્રાપ્ત થઈ.
-
-
સુરતના કતારગામમાં કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી એક દિવસનું મૃત નવજાત શિશું મળ્યું
સુરતના કતારગામ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી એક દિવસનું મૃત નવજાત શિશું મળી આવ્યું છે. ચોકબજાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સિસથી તપાસ શરૂ કરી છે. ગણતરીના દિવસોમાં જ નવજાત શિશુને ત્યજી દેનાર કળિયુગી માતાને દબોચી લીધી. સંતાનો મોટા થઈ ગયા હોવાથી ગર્ભ રાખવો શરમજનક લાગ્યો હતો તેવુ જનેતાએ કહ્યું હતું. તેને સમાજમાં ભયંકર બદનામીનો ડર સતાવી રહ્યો હતો.
-
મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવાનો રોડ થશે હવે વધુ મોટો, હાઈકોર્ટે આપી મંજૂરી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ તરફ જતા 100 ફૂટ રોડના વિસ્તરણને રોકવા હાઇકોર્ટે ઈન્કાર કર્યો છે. IPL ફાઈનલના બીજા જ દિવસે હાઇકોર્ટે આપ્યો મહત્વપૂર્ણ નિર્ણય. જસ્ટિસ એલ.એસ. પીરઝાદાની વેકેશન બેન્ચે ચાર અરજદારોની વચગાળાની રાહત માંગતી અરજી ફગાવી. વર્ષ 2030માં યોજાનારી સંભવિત કોમનવેલ્થ ગેમ્સ સહિતના આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોની તૈયારીમાં આ માર્ગનું વિશેષ મહત્વ તેવુ એએમસીએ જણાવ્યુ હતું. કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હોવાનું પણ એએમસીએ કહ્યું હતું. કોર્ટના આ નિર્ણયથી હવે રોડ વિસ્તરણની કામગીરી આગળ વધારવાનો માર્ગ મોકળો થયો છે. મોટેરા સ્પોર્ટ્સ હબ સાથેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.
-
વાસંદા તાલુકા પંચાયત કચેરીમાં એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર 16,000ની લાંચ લેતા ઝડપાયા
વાસંદા તાલુકા પંચાયત કચેરીમાં ACBની ટ્રેપમાં એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર લાંચ લેતા ઝડપાયા. કૃણાલ પટેલ રૂપિયા 16000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. ક્રિકેટ ગ્રાઉન્ડ નિર્માણનું ₹4.61 લાખનું બિલ મંજૂર કરવા માટે એન્જિનિયરે કુલ બિલના 5 % લેખે લાંચની માંગણી કરી હતી. જાગૃત નાગરિકે લાંચ આપવાની ના પાડી વલસાડ એ.સી.બી. (ACB) નો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી. એ.સી.બી.ની ટીમે તાલુકા પંચાયત કચેરીના પાર્કિંગમાં જ સફળ ટ્રેપ ગોઠવીને લાંચના નાણાં સાથે આરોપીને દબોચ્યો. પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ગામીત અને તેમની ટીમે કાર્યવાહી કરી 16000ની રોકડા લાંચની રકમ રિકવર કરી. સુરત એ.સી.બી.ના મદદનીશ નિયામક આર.આર. ચૌધરીના સુપરવિઝન હેઠળ ભ્રષ્ટ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ.
-
અમેરિકન રાષ્ટ્રપતિની પુત્રી ટિફની, જામનગરના વનતારાની મુલાકાતે
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ તેના પતિ માઈકલ બોલોસ સાથે જામનગર આવી છે. તેઓ અનંત અંબાણીના જામનગર ખાતે રિલાયન્સ રિફાઈનરી પાસે આવેલ વનતારા પ્રોજેક્ટમાં રાત્રિ રોકાણ કરશે અને વન્યજીવન સંરક્ષણ પ્રયાસોનો અભ્યાસ કરશે. તેમણે ભારતની સંસ્કૃતિ અને આતિથ્ય પ્રત્યે પણ પ્રશંસા વ્યક્ત કરી.
-
નિવૃતિના એક દિવસ પહેલા જ રાજકોટ કંટ્રોલરૂમના ACPને ગૃહ વિભાગે ડિસમીસ કર્યાં
ગૃહ વિભાગે, રાજકોટ કંટ્રોલરૂમના ACPને ડિસમીસ કર્યા છે. નિવૃતિના એક દિવસ પહેલા કર્યા ડિસમીસ. ACP વી.જી.પટેલને કરાયા ડિસમીસ. 31 તારીખના રોજ નિવૃત થવાના હતા તે પહેલા 30 તારીખે ડિસમીસ કર્યાનો ઓર્ડર કર્યો. વડોદરામાં ફરજ દરમિયાન જુગારના આરોપીને મદદ કરવાનો આક્ષેપ લાગ્યો હતો. આ માટે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી ચાલતી હતી. ઇન્કવાયરીમાં દોષિત જાહેર થતાં ગૃહ વિભાગે કરી કાર્યવાહી.
-
RMCના પ્રોજેક્ટ અને કામગીરીની સમિક્ષા કરવા રાજકોટના મેયર રોજેરોજ સાંજે ડેપ્યુટી મ્યુ. કમિશ્નર સાથે યોજશે બેઠક
રાજકોટના નવનિયુક્ત મેયર નેહલ શુક્લનો આદેશ. શહેરના ત્રણેય ઝોનના ડેપ્યુટી કમિશનરને અપાયો આદેશ. ડેપ્યુટી કમિશનર સાથે દરરોજ કરશે રિવ્યૂ બેઠક. RMCના પ્રોજેક્ટ અને કામગીરીની સમિક્ષા દરરોજ કરાશે. સાંજે રિપોર્ટ સાથે મેયર સામે ડેપ્યુટી કમિશનરે હાજર રહેવું પડશે.
-
વર્ક ફ્રોમ હોમના નામે, સુરતમાં અનેક લોકોની સાથે કરાઈ છેતરપિંડી
અમદાવાદની કંપની ફ્લાય ઓવર ઇન્ટરનેશનલ દ્વારા, કેર હોમ વર્ક વિઝાના નામે સુરતમાં લોકો સાથે કરી કરોડોની છેતરપિંડી. લંડનમાં કેર હોમમાં નોકરી મળશે તેવું કહી લોકો પાસેથી 18થી 20 લાખ રૂપિયા લેવામાં આવતા. કંપનીના પ્રોપરાઇટર ભાવેશ રવાણી અને તેના પરિવારના સભ્યો સાથે મળીને લોકો સાથે છેતરપિંડી આચરતા. સુરતના અશ્વિન માયાણી નામના વ્યક્તિ દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી. અશ્વિન માયાણી દ્વારા 7 લોકોને આ કંપની મારફતે વિઝા અપાવવામાં આવ્યા હતા. જોકે સૌ પ્રથમ બે વ્યક્તિ વિદેશ જતા ખબર પડી કે કંપની દ્વારા જે વિઝાનું કામ કરવામાં આવે છે તે ફ્રોડ કંપની ઊભી કરીને કરાઈ રહ્યું છે. લંડનમાં જે કંપનીમાં વર્કના નામે વિઝા મેળવવામાં આવતા હતા તે કંપનીને જ ખબર ન હતી કે તેમના નામે ભરતી બહાર પડી છે. અમદાવાદમાં ભાવેશ રવાણી તેની પત્ની બોપલના TRB મોલમાં ઓફિસ ચલાવે છે. બીજી તરફ ભાવેશ રવાણીનો દીકરો હર્ષ અને હર્ષની પત્ની નિરાલી લંડનમાં આ સ્કેમમાં ભાગીદાર છે. લંડમમાં બેસેલા હર્ષે ઓનલાઇન બોગસ કેર હોમ ઊભા કર્યા ત્યારબાદ નોકરીના નામે લોકો સાથે છેતરપિંડી કરી. અશ્વિન માયાણી દ્વારા એમ્બેસી મારફતે આ બાબતે લંડન ગવર્મેન્ટની માહિતી આપવામાં આવી અને લંડન ગવર્મેન્ટ દ્વારા તપાસ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો. ગેરકાયદેસર રીતે વર્ક વિઝા આપવાના નામે 22 હજાર પાઉન્ડ લોકો પાસેથી પડાવતા હર્ષની ધરપકડ જે તે સમયે લંડન ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી હતી. નોકરીના નામે છેતરાયેલા 7 લોકોના 1 કરોડ 30 લાખ જેટલા રૂપિયા ફસાયા. 2023થી હજુ સુધી આ પેમેન્ટ ન ચૂકવતા સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ભાવેશ રવાણી તેની પત્ની દીકરો અને પુત્રવધુ સામે નોંધાઈ ફરિયાદ.
-
વડોદરાઃ કેનાલની પાળી પર બેઠેલો મજૂર પાણીમાં પડ્યો
વડોદરાઃ કેનાલની પાળી પર બેઠેલો મજૂર પાણીમાં પડી ગયો. છાણી કેનાલ પાસે યુવક કેનાલમાં પડતાં દોડધામ મચી ગઇ હતી. લોકોએ દોડી દોરડું નાખી યુવકને બચાવ્યો. નર્મદા કોલોની પાછળની છાણી કેનાલની ઘટના ખેંચ આવવાને કારણે યુવક કેનાલમાં પડ્યાની ચર્ચા છે.
-
ભરૂચ: ડભોયાવાડ વિસ્તારમાં અસામાજિક તત્વની ધરપકડ
ભરૂચના ડભોયાવાડ વિસ્તારમાં ટોળાને તલવાર બતાવી ભય ફેલાવનાર અસામાજિક તત્વની પોલીસે ધરપકડ કરી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતને લઈને થયેલા ઝઘડા બાદ આરોપીએ જાહેરમાં તલવાર બતાવી હોવાની માહિતી સામે આવી છે. પોલીસે આરોપી મહોમ્મદમિયાં એહમદ પટવાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીએ લોકોમાં ભય અને દહેશત ફેલાવવાના ઇરાદે તલવાર દેખાડી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
-
સુરતઃ પહેલા જ દિવસે વસતી ગણતરીનું કાર્ય બંધ
સુરતમાં વસતી ગણતરીની કામગીરી પહેલા જ દિવસે ખોરવાઈ ગઈ હોવાનો મામલો સામે આવ્યો છે. વસતી ગણતરી માટે ફાળવાયેલા કર્મચારીઓને જરૂરી કીટ ઉપલબ્ધ ન થતાં કામગીરી શરૂ થઈ શકી નથી. ગણતરીદારો સુધી ગણતરી માટેની કીટ ન પહોંચતા અનેક સ્થળોએ કામગીરી અટકી પડી હતી. બીજી તરફ વિવિધ પડતર માંગણીઓને લઈને શિક્ષકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. જેના કારણે વસતી ગણતરીની કામગીરીના અમલીકરણ સામે પ્રશ્નો ઊભા થયા છે.
-
રાજકોટ: ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી હોવાનો ગ્રાહકનો દાવો
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાં નાસ્તાના પેકેટમાંથી ગરોળી નીકળ્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગ્રાહકના દાવા મુજબ ચવાણાના પેકેટને ખોલતા તેની અંદરથી મરેલી ગરોળી મળી આવી હતી. આ દૃશ્ય જોઈ પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ઘટનાને લઈને ગ્રાહકે નાસ્તા બનાવતી ગોકુલ કંપનીમાં ફરિયાદ નોંધાવી છે. સાથે જ કંપનીના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે. સમગ્ર ઘટનાએ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી અંગે ફરી સવાલો ઉભા કર્યા છે.
-
અમદાવાદ: નવા નરોડામાં ક્રિકેટ રમવા મામલે થઈ મારામારી
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ક્રિકેટ રમવાના મુદ્દે વિવાદ ઉગ્ર બનતા મારામારીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સિક્યુરિટી ગાર્ડે ક્રિકેટ રમી રહેલા બાળકોને ધમકાવ્યા હતા અને તેમને મારવાનો પ્રયાસ કર્યો હતો. ગાર્ડની આ હરકતથી સ્થાનિક મહિલાઓ નારાજ બની હતી અને તેમણે બેટ લઈને સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનામાં ભારે હોબાળો મચી ગયો હતો. આ મારામારીની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
-
દેશમાં ચોમાસાએ દીધી વિધિવત દસ્તક
ગરમીમાં શેકાતા દેશવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશમાં ચોમાસાએ વિધિવત દસ્તક દીધી છે. કેરલમના દરિયાકાંઠે ચોમાસાનું આગમન થયુ છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદને પગલે સાવચેતી રાખવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. માછીમારોને બે દિવસ દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે.
-
દિલ્હી: સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર બિલ્ડિંગમાં આગ લાગી
દિલ્હીના ITO ખાતે સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર બિલ્ડિંગના બીજા માળે આગ લાગી છે. ફાયર બ્રિગેડના આઠ વાહનો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.
-
સુરત: ઓલપાડના કીમ નજીક પતિએ કરી પત્નીની હત્યા
સુરત જિલ્લામાં પાંચ મહિનાના પ્રેમ લગ્નનો કરુણ અંત આવ્યો છે. ઓલપાડના કીમ નજીક નજીવી બાબતે થયેલા ઝઘડામાં પતિએ ઉશ્કેરાઈને પત્ની પર લાકડાથી હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન પત્નીના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે તબીબોએ તેને મૃત જાહેર કરતાં સમગ્ર મામલો હત્યામાં ફેરવાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ બંનેએ પાંચ મહિના પહેલાં પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. ઘટનાને લઈને પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
-
ગાંધીનગરમાં વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ વન ઓફિસર લાંચ કેસમાં પકડાયા
ગાંધીનગરમાં વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ-વન અધિકારી એ.બી. ચૌધરીને લાંચ કેસમાં ACBએ ધરપકડ કરી છે. સોલાર પેનલની NOC માટે લાંચ માગ્યાની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ACBની ટીમે આરોપીના અમદાવાદ અને સુરત સ્થિત રહેણાંક પર પણ સર્ચ હાથ ધર્યું હતું, જેમાં ઘરમાંથી મોટી માત્રામાં રોકડ રકમ અને દાગીના મળ્યા છે. ઉપરાંત, અધિકારીની કારમાંથી પણ પાંચ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.
-
ગાંધીનગરઃ નવા સચિવાલયમાં ફરી સાપ નીકળ્યો
ગાંધીનગર સ્થિત નવા સચિવાલયમાં ફરી એકવાર સાપ જોવા મળ્યો હતો. સચિવાલયના ગેટ નંબર-1 પાસે સાપ દેખાતા તાત્કાલિક રેસ્ક્યૂ ટીમને જાણ કરવામાં આવી હતી. ટીમે સ્થળ પર પહોંચી સાપને પકડીને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો. મળતી માહિતી મુજબ આ સાપ ઝેરી ખડચીતરો પ્રજાતિનો હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે અગાઉ પણ સચિવાલય પરિસરમાં 2થી 3 વખત સાપ નીકળવાના બનાવો બની ચૂક્યા છે, જેના કારણે કર્મચારીઓમાં થોડી ચિંતા જોવા મળી રહી છે.
-
અમદાવાદઃ વિરમગામમાં વહેલી સવારે મેગા ડિમોલિશન
અમદાવાદ જિલ્લાના વિરમગામમાં વહેલી સવારે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. સુરેન્દ્રનગર-વઢવાણ સ્ટેટ હાઈવે પર 400 મીટર સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સ્ટેટ હાઈવે-17 પરથી ત્રણ દરગાહ અને કબ્રસ્તાનનો ભાગ સહિત અનેક અડચણરૂપ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. ગંગાસર તળાવ પાસે આવેલી ઢુંઢિયા પીર બાવાની દરગાહ સહિતના દબાણો પણ દૂર કરાયા હતા. આ કામગીરી બાદ રસ્તો પહોળો થવાથી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાંત અધિકારી, મામલતદાર, ડીવાયએસપી સહિતના અધિકારીઓ અને 550 જેટલા પોલીસ જવાનોની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
-
આણંદ: ગાજવીજ અને પવન સાથે વરસાદનું આગમન
આણંદ જિલ્લામાં આજે વહેલી સવારથી ગાજવીજ અને પવન સાથે વરસાદનું આગમન થયું છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. વરસાદી વાતાવરણના કારણે તાપમાનમાં ઘટાડો થતાં ઠંડક પ્રસરી ગઈ છે અને નાગરિકોને ગરમીથી રાહત મળી છે. જોકે, પવનની તેજ ગતિને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોવાના પણ અહેવાલ છે. બીજી તરફ વરસાદી માહોલથી ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
-
આણંદ: ગાજવીજ અને પવન સાથે વરસાદનું આગમન
-
જામનગર ભાજપ કોર્પોરેટરના પુત્રની ધરપકડ
જામનગરના ભાજપ કોર્પોરેટરના પુત્ર હિતેશ બાંભણિયાની રાજકોટમાંથી ધરપકડ કરવામાં આવી છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અંદાજે બે કરોડ રૂપિયાના દારૂના ગુનામાં તે માર્ચ મહિનાથી ફરાર હતો. આરોપી સામે હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી સહિત કુલ 19 ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હિતેશ બાંભણિયાની માતા જામનગરના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર છે. ચોંકાવનારી બાબત એ છે કે ફરાર હોવા છતાં આરોપી ખુલ્લેઆમ ફરતો હતો અને તેની માતાના ચૂંટણી પ્રચાર તેમજ વિજય સરઘસમાં પણ જોવા મળ્યો હતો. અંતે રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની ટીમે તેને ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસની કામગીરી અને આરોપીને લાંબા સમય સુધી પકડવામાં નિષ્ફળતા અંગે અનેક સવાલો ઊભા થયા છે.
-
ભારે વરસાદ અને આંધી તોફાનના એલર્ટ વચ્ચે કેદારનાથ યાત્રા રોકાઈ
ભારે વરસાદ અને આંધી-તોફાનના એલર્ટ વચ્ચે ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા અસ્થાયી રીતે રોકવામાં આવી છે. ચારધામ યાત્રાના મુખ્ય સ્થળોએ સતત ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર સતર્ક બન્યું છે. આ દરમિયાન પૂરના પાણીથી છલકાયેલી નદીમાં ફસાયેલા લગભગ 50 લોકોને બચાવ દળોએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. બીજી તરફ ભારે ભીડ અને વરસાદને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે પર લાંબા ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે. અત્યાર સુધીમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચી ચૂક્યા હોવાથી માર્ગો પર વાહનોની ભારે અવરજવર જોવા મળી રહી છે. ઉત્તરાખંડના જોશીમઠ વિસ્તારમાં તો લગભગ 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
-
મોંઘવારીના માર વચ્ચે નાગરિકો માટે રાહતના સમાચાર
મોંઘવારીના માર વચ્ચે સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સરકારે વિટામિન D3, કેલ્શિયમ સહિત 30 જેટલી આવશ્યક દવાઓના ભાવ નક્કી કર્યા છે, જેના કારણે દર્દીઓને સસ્તા દરે સારવાર મળી શકશે. નવા નક્કી કરાયેલા ભાવ મુજબ કેલ્શિયમ અને વિટામિન આધારિત દવાની કિંમત પ્રતિ ટેબલેટ રૂ. 19.78 રાખવામાં આવી છે. આ ઉપરાંત દુખાવો અને સોજો ઘટાડવા માટે વપરાતી કેટલીક મહત્વપૂર્ણ દવાઓની કિંમતોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. દવાઓના ભાવ પર નિયંત્રણ લાવવાના આ નિર્ણયથી દર્દીઓ અને તેમના પરિવારજનોને આર્થિક રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
-
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર મુદ્દે વિવાદ ગરમાયો, સમર્થકોએ પીપળીયાને ફેંક્યો પડકાર
રાજકોટમાં યોજાનારા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને વિવાદ વધુ ગરમાયો છે. કાર્યક્રમના વિરોધ વચ્ચે એક મહિલા ભક્તે ખુલ્લેઆમ વિરોધીઓને દરબારમાં આવીને હકીકત જોવા પડકાર ફેંક્યો છે. બીજી તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થકે પણ પુરૂષોત્તમ પીપળીયાને સીધો પડકાર આપતાં જણાવ્યું કે માત્ર નિવેદનો આપવાને બદલે જાતે દરબારમાં આવીને ખરાઈ કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે પુરૂષોત્તમ પીપળીયાએ આ કાર્યક્રમને અંધશ્રદ્ધાનો કુંભમેળો ગણાવી તેની ટીકા કરી હતી. તેના જવાબમાં સમર્થકોએ આક્ષેપ કર્યો કે પીપળીયા માત્ર લાઇમલાઇટમાં રહેવા માટે વિરોધ કરી રહ્યા છે. સમર્થકોનું કહેવું છે કે જો હિંદુઓને જાગૃત કરવા હોય તો દરબારનો અનુભવ કરીને પછી અભિપ્રાય આપવો જોઈએ.
-
આજે સાંજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
આજે સાંજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એક સાથે ત્રણ અલગ-અલગ હવામાન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે. ગઈકાલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો, જ્યારે હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના સંયુક્ત પ્રભાવને કારણે આગામી દિવસોમાં પણ વરસાદી વાતાવરણ યથાવત રહેવાની આગાહી છે. આગામી 6 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં પવન સાથે વરસાદ વરસી શકે છે અને પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
Published On - Jun 01,2026 7:27 AM
