ગીરના જંગલમાં વન્ય જીવો માટે 500 જેટલા કૃત્રિમ વોટર પોઈન્ટ શરૂ કરાયા, પક્ષીઓ અને મધમાખીઓ જેવા જંતુઓ માટે વિશેષ વ્યવસ્થા
ગીર જંગલમાંથી (Gir forest) પાણીની શોધમાં જીવોને બહાર ન જવું પડે તે માટે વન વિભાગે (Forest Department) દર 2 ચોરસ કિલોમીટરમાં 1 આર્ટિફિશિયલ વોટર પોઇન્ટ બનાવ્યો છે. સિંહોથી લઈને મધમાખીઓ અને નાના પક્ષીઓ પાણી પી શકે તેવી વ્યવસ્થા ઉભી કરી છે.
એશિયાટીક સિંહોનું ઘર ગણાતુ ગીર અભ્યારણ્ય (Gir Sanctuary) ત્રણ જિલ્લાઓમાં પથરાયેલુ છે. જેમાં ગીરસોમનાથ, અમરેલી અને જૂનાગઢ જિલ્લાઓનો સમાવેશ થાય છે. ઉનાળાનો (Summer 2022) આકરો તાપ શરૂ થયો છે. ત્યારે સુકા જંગલમાં ગીરમાં તમામ કુદરતી જળસ્ત્રોતો (Natural water resources) સુકાવાની સ્થિતિમાં છે. આવી પરિસ્થિતિમાં વન વિભાગે પ્રાણીઓ માટે 500 જેટલા કૃત્રિમ વોટર પોઈન્ટ શરૂ કરી દીધા છે. ગીરના સિંહો માટે જ નહીં, પરંતુ ગીરના વન્યજીવો, પક્ષીઓ અને મધમાખીઓ જેવા જંતુઓ માટે પણ વનવિભાગે પાણીની વ્યવસ્થા કરી છે.
ઉનાળાની આકરી ગરમીમાં સામાન્ય રીતે તમામ જગ્યાઓએ પાણીની તંગી વર્તાતી હોય છે. મહાનગરોમાં પણ લોકો પાણીની પારાયણ કરતા જોવા મળે છે. પરંતુ ગીર વન વિભાગે ગીર જંગલમાં રહેતા પશુઓ માટે પીવાના પાણીની પૂરતી માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. ગીર જંગલમાંથી પાણીની શોધમાં જીવોને બહાર ન જવું પડે તે માટે વન વિભાગે દર 2 ચોરસ કિલોમીટરમાં 1 આર્ટિફિશિયલ વોટરપોઇન્ટ બનાવ્યો છે. સિંહોથી લઈને મધમાખીઓ અને નાના પક્ષીઓ સુધી તમામ જીવો વોટરપોઇન્ટ પરથી પાણી પી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ઉનાળામાં, જ્યારે ગીરનું જંગલ ખૂબ જ ગરમ હોય છે, ત્યારે પાણીના કુદરતી સ્ત્રોત સુકાતા જતા હોય છે. એવામાં પ્રાણીઓને પાણીની જરા પણ તંગી ન પડે તેના માટે જંગલમાં પવનચક્કી, સોલર પેનલ અને પાણીના ટેન્કરોનો ઉપયોગ કરીને એક એક પોઈન્ટ પર પહોંચાડવામાં આવે છે. વળી, કેટલાક દુર્ગમ સ્થળોએ ફોરેસ્ટરો રૂબરૂ જઈને પણ પાણીના પોઇન્ટ ભરે છે.
હાલમાં ગીર અભ્યારણ્યમાં 500 થી વધુ કૃત્રિમ વોટર પોઇન્ટ છે. તેમાં ઘણા રકાબી આકારના રાઉન્ડ પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. જેથી નાના વન્યજીવન સરળતાથી પાણી પી શકે. સાથે જ મધમાખી અને નાના જંતુઓ માટે વોટર પોઇન્ટ પર શણના થેલા પલાળવામાં આવે છે જેથી જંતુઓ પાણી લઈ શકે અને તેઓ પાણીની લહેરમાં ડૂબી ન જાય. આ તમામ વોટર પોઇન્ટને આગામી ચોમાસા સુધી કાર્યરત રાખવામાં આવશે.
આ પણ વાંચોઃ Amreli: વડીયામાં માં-બાપ વિનાની 11 દિકરીઓના યોજાયા શાહી સમુહ લગ્ન
આ પણ વાંચોઃ અમદાવાદ : ઐતિહાસિક ડ્રામા ફિલ્મ નાયિકા દેવીઃ ધ વોરિયર ક્વીનનું ટ્રેલર દર્શકો સમક્ષ રજુ થયું
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો