આજે રાજ્યનું મહત્વાકાંક્ષી બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે નાણામંત્રી કનુદેસાઈ લાલ રંગની બજેટ પોથી લઇને વિધાનસભામાં પહોંચ્યા હતા. જોકે આ બજેટ પોથી સામાનય્ નહોતી તેમાં ગુજરાતના વિવિધ પ્રતીક તેમજ ગુજરાતની ઓળખની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. વળી લાલ પોથી પર ગોલ્ડન રંગના ખાટલી ભરતથી આ સમગ્ર ચિહ્નો ઉપસાવવામાં આવ્યા હતા.
વર્ષ 2022થી નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર બજેટને લાલ પોથીમાં લાવવાની પરંપરા શરૂ કરાઈ હતી, જે આ વર્ષે પણ તેમણે જાળવી રાખી હતી. ગત વર્ષે દેશમાં સૌપ્રથમવાર બજેટની પોથીમાં હસ્તકલાને સ્થાન આપવાની ગુજરાતની પરંપરા મુજબ આ વર્ષે પણ ગુજરાત બજેટ ૨૦૨૩-૨૪ની પોથીમાં હસ્તકલા તરીકે ખાટલી ભરતકામ કરી, સંસ્કૃતિ, કલા અને વિકાસને જોડતો ઉત્તમ અભિગમ રજુ કરાયો.
આ વર્ષે બજેટ બેગ પર ગુજરાત અંદાજપત્ર સહિતના લખાણ, મોઢેરા મંદિર તેમજ ગુજરાતના નકશામાં બજેટમાં સમાવિષ્ટ મુખ્ય ક્ષેત્રોના પ્રતીક ખાટલી ભરત થકી ગૂંથવામાં આવ્યા છે. ગયા વર્ષે વારલી પેઇન્ટિંગ સાથે શરૂ થયેલ હસ્તકલા સાથેના બજેટ પોથીની પરંપરાને પ્રતિકાત્મક સ્વરૂપે ફરી સ્થાન આપતા વારલી પેઇન્ટિંગને આ વર્ષની બજેટ પોથી થીમ ‘ખાટલી ભરત‘થી ગૂંથવામાં આવ્યું.
બજેટમાં સમાવિષ્ટ મુખ્ય ક્ષેત્રોના પ્રતીકને બજેટ પોથીમાં સ્થાન#Budget2023 #GujaratBudget #TV9News #Gujarat pic.twitter.com/D0DfBDMJ67
— Tv9 Gujarati (@tv9gujarati) February 24, 2023
ગુજરાત બજેટ પોથીમાં સ્થિત ગુજરાતના નકશામાં દર્શાવેલ મુખ્ય ક્ષેત્રોના પ્રતીક જેમ કે, કૃષિ અને પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, ઉર્જા, ઉદ્યોગ અને પ્રવાસન વગેરે ક્ષેત્રોની ડિઝાઈન બજેટમાં સમાવિષ્ટ વિકાસના ક્ષેત્રોની પ્રાથમિકતા દર્શાવે છે.
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સમાવિષ્ટ મોઢારાનું સુર્યમંદિરનો બજેટ પોથીમાં સમાવેશ એ આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરે છે. તેમજ મોઢેરા દેશનું પ્રથમ ચોવીસ કલાક અને સાતેય દિવસ સૌર ઉર્જાથી ચાલતું ગામ બન્યું છે, ત્યારે આ બાબતને ધ્યાનમાં લઈ, તેના સન્માન સ્વરૂપે પોથીમાં મોઢારાના સૂર્યમંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે
Published On - 11:27 am, Fri, 24 February 23