Gujarat Budget Session 2023: બજેટ સત્રનો બીજો દિવસ, નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે ગુજરાતની આશા અપક્ષાઓનું બજેટ, જાણો કોણ છે કનુ દેસાઈ
આ વર્ષે બજેટમાં 18 થી 20 ટકાના વધારાની શક્યતા છે. નવા બજેટમાં આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રોમાં મહત્તમ ફાળવવામાં આવે તેવી શક્યતા છે. તેમજ આગામી 15 એપ્રિલથી જંત્રીના નવા દર લાગુ થશે.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે બીજા દિવસે મુખ્યમંત્રીના વિભાગો અંગે પ્રશ્નોત્તરી કરવામાં આવશે. તેમજ આગળની કામગીરીમાં આજે ગુજરાતનું વર્ષ 2023-24નું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલની સરકારનું આ બીજું બજેટ છે. નાણામંત્રી કનુ દેસાઈ આજે 11 કલાકે બીજું બજેટ રજૂ કરશે. અંદાજે 2.50 લાખ કરોડથી વધુનું ગુજરાતનું બજેટ રજૂ થાય તેવી સંભાવાના છે.
ગુજરાત વિધાનસભામાં વર્ષ 2023-24નું 24 ફેબ્રુઆરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રજૂ થનારું બજેટ ઐતિહાસિક હશે. તેમજ આ બજેટનું કદ અત્યાર સુધીના બજેટ કરતા વધુ હોવાનું અનુમાન છે. આ ઉપરાંત ગુજરાત સરકારે આ વર્ષના બજેટમાં અનેક ક્ષેત્રોના વિકાસ માટે મોટું બજેટ ફાળવવાની પણ તૈયારી કરી છે. જેમાં સરકાર આ વર્ષે રાજ્યમાં પ્રવાસનના વિકાસ પર ભાર મૂકીને તેની માટે બજેટની વધુ ફાળવણી કરવામાં આવી શકે છે.
સત્રના આરંભે એક કલાક ચાલશે પશ્નોત્તરી
સત્રનો આરંભ થતા શરૂઆતના એક કલાક પ્રશ્નોતરી ચાલશે. એક અંદાજ પ્રમાણે નવા અંદાજ પત્રમાં આઉટ સોર્સિંગમાં કાપ મુકાઈ શકે છે. અંદાજપત્રમાં નવી સરકારી ભરતી સહિત અનેક નવી યોજના અમલી બની શકશે . આ વખતનું બજેટ 20 ટકાના વૃદ્ધિ દર સાથેનું સૌથી મોટું બજેટ હશે આશરે 2.87થી 2.94 લાખ કરોડની આસપાસ બજેટ હોવાની શક્યતાઓ છે.
ગત વર્ષે 2.43 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે બજેટમાં વધારા સાથે 2.90 લાખ કરોડનું રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. એટલે આ વર્ષે બજેટમાં 18 થી 20 ટકાના વધારાની શક્યતા છે. નવા બજેટમાં આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રોમાં મહત્તમ ફાળવવામાં આવે તેવી શક્યતા છે. તેમજ આગામી 15 એપ્રિલથી જંત્રીના નવા દર લાગુ થશે, જેથી આગામી નાણાકીય વર્ષમાં સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં પણ વધારો થવાનો અંદાજ છે.
જાણો કોણ છે કનુભાઈ દેસાઈ
કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લાની પારડી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે, જેમને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બીજી વખત કેબિનેટ મંત્રી બનાવવામા આવ્યા છે. આગાઉ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કનુભાઈ દેસાઈને નાણા વિભાગ જેવું મહત્વનું ખાતુ ફાળવવામા આવ્યું હતું. તેમને નાણા ઉપરાંત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ પણ સોંપવામા આવ્યા હતા.
કનુ દેસાઈ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ પદે 7 વર્ષ સુધી રહ્યા
કનુભાઈ દેસાઈએ ભાજપના મહામંત્રી પદથી પોતાની રાજકીય કારર્કિર્દીની શરૂઆત કરી હતી. તેઓ વર્ષ 2012માં પારડી બેઠક પરથી 34 હજાર કરતા વધુ મતથી જીત મેળવી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2017માં પણ પારડી બેઠક પરથી 54 હજારથી વધુ મતે જીત મેળવી હતી. કનુ દેસાઈ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ પદે 7 વર્ષ સુધી રહ્યા હતા. પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસના ગઢ સમાન ધરમપુર વિધાનસભા બેઠક પર ભાજપે જીત મેળવી હતી.
વલસાડ જિલ્લામાં ભાજપને મજબૂત બનાવી કનુ દેસાઈએ પ્રમુખ પદે રહી વલસાડ જિલ્લામાં ભાજપને મજબૂત કરવામા મહત્વનું યોગદાન આપ્યું છે. કનુભાઈ દેસાઈના યોગદાનને ધ્યાન પર લઈ તેને સીધા જ કેબિનેટ મંત્રી બનાવવામા આવ્યા હતા અને આ વખતે ફરી તેમણે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતા.
વિથ ઇનપુટ કિંજલ મિશ્રા, ગાંધીનગર ટીવી9