”બેય દીકરા ડૂબી ગયા એવુ સાંભળી હું તો બેભાન જ થઈ ગયો, પછી શું થયુ મને કંઈ ખબર જ નથી”- બંને દીકરા ગુમાવનાર પિતાએ ભારે હૈયે આપી મુખાગ્નિ- Video
ગાંધીનગરના દહેગામમાં શુક્રવારે સાંજે ગણેશ વિસર્જન સમયે 8 યુવકોના ડૂબવાથી મોત થયા છે. આ મૃતકોમાં એક હત્તભાગી પિતાએ તેના બંને દીકરાને ગુમાવ્યા છે. દીકરા ગુમાવનાર પિતાને કોઈ જ હોશ રહ્યો નથી. tv9 સમક્ષ પિતાએ જણાવ્યુ કે જ્યારે વાત મળી કે બેય દીકરા ડૂબી ગયા એ સાંભળીને જ હું બેભાન થઈ ગયો......
શુક્રવારનો એ ગોજારો દિવસ વાસણાસોગઠી ગામના લોકો કદાચ ક્યારેય નહીં ભૂલી શકે. એક તરફ મેશ્વો નદીના પટમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ ચાલતી હતી. ગામના મોટાભાગના યુવાનો ત્યાં વિસર્જન માટે ગયેલા હતા અને અચાનક એક યુવકને શું સૂજ્યુ ને નદીમાં ન્હાવા પડ્યો અને યુવક ડૂબવા લાગે છે. તેને ડૂબતો જોઈ તેનો સગો મોટો ભાઈ પણ નદીમાં છલાંગ લગાવે છે અને બચાવવાની કોશિષ કરે છે અને તે પણ ડૂબવા લાગે છે.. આમ એક બાદ એક 8 લોકો નદીના એ વહેણમાં તણાઈ ગયા. એમ કહો કે આઠેયને નદી ભરખી ગઈ… ગણેશ વિસર્જન તો એકબાજુ રહ્યુ. ઉત્સવનો એ પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો..તરવૈયાઓની મદદથી તમામ 8 યુવકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા અને દહેગામ અને રખિયાલ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. જ્યા પોસ્ટમોર્ટમ બાદ રાત્રે તમામ મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા હતા.
ગામથી દૂર એકસાથે આઠ ચિત્તાઓ તૈયાર કરાઈ
બીજા દિવસે શનિવારે ગામમાંથી હૈયાફાટ રૂદન અને આકાશને ફાડી નાખતા આક્રંદ સાથે આઠેયની અંતિમયાત્રા નીકળી. ગામથી દૂર એકસાથે 8 ચિત્તાઓ તૈયાર કરવામાં આવી હતી. આ કરુણાંતિકા બાદ સમગ્ર દહેગામ પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. આ તમામ 8 મૃતકોમાં એક જશપાલસિંહના પત્ની સગર્ભા છે. જ્યારે મૃતક પૃથ્વીસિંહ અને ધર્મેન્દ્રસિંહ બંને સગા ભાઈઓ છે. આ બંને ભાઈઓના મોત બાદ પિતાને તો જાણે કોઈ હોંશ જ રહ્યો નથી. બંને ભાઈઓને ગુમાવનાર બહેન તો બેભાન જ થઈ ગઈ છે. માતાનું આકાશને ફાડી નાખે એવુ રૂદન સહુ કોઈને વ્યથિત કરી રહ્યુ છે.
“કોઈના લગ્ન થવાના હતા તો કોઈની પત્ની હતી સગર્ભા”
શુક્રવાર સાંજથી સમગ્ર વાસણા સોગઠી ગામ શોકમગ્ન બન્યુ છે. શનિવારે આખા ગામમાંથી આક્રંદ સિવાય કોઈ અવાજ નથી સંભળાઈ નથી રહ્યા. દરેક પરિવારે પોતાનો સ્વજન ગુમાવ્યો છે ત્યારે કોણ કોના આંસુ લૂછે તેવી સ્થિતિ છે. આ આઠેય મૃતકો માત્ર 17 થી 30 વર્ષના હતા. જેમા એક યુવકની પત્નીની તાજેતરમાં જ શ્રીમંત વિધિ કરાઈ હતી. સંતાનનું મોં જોયા વિના જ પિતાનું મોત થયુ છે. એકની એક બહેને બંને ભાઈઓ ગુમાવ્યા છે. ચિરાગ નામના એક મૃતકના આ દિવાળીએ જ લગ્ન લખાયા હતા. ત્યારે પરિવારજનોની માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. આ તરફ ગામલોકો જણાવે છે કે ગણેશ વિસર્જન બાદ તમામ યુવકો અંબાજી દર્શને જવાના હતા. પરંતુ અંબાજી દર્શને જાય તે પૂર્વે જ યુવકોના મોત થયા છે.
હાલ પરિવારોની આંખમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા. સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. આકાશને ચીરી નાખતા આક્રંદ સહુ કોઈને હચમચાવી રહ્યુ છે. આ તરફ આ તમામ હત્તભાગી પરિવારોને સરકાર તરફથી કોઈ વળતર મળે તેવી ગામલોકો દ્વારા માગ કરવામાં આવી રહી છે. ગામલોકોનું કહેવુ છે કે દીકરા ગુમાવનારા તમામ પરિવારો સાધારણ સ્થિતિના છે ત્યારે સરકાર કોઈ મદદ કરે તો તેમને થોડી મદદ મળે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો