Aravalli: મોડાસા શહેરમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મનો પ્રયાસ કરનારા યુવકને 10 વર્ષની સખત કેદની સજા ફટકારાઈ
આરોપી યુવકની પત્નિ પણ પતિના બદઈરાદામાં મદદ કરી રહી હોવાનો આક્ષેપ કરાયો હતો, સગીરાને પત્નિ જ સમજાવતી કે પતિ જેમ કહે એમ કરવાનુ, તે તારો બેસ્ટ ફ્રેન્ડ છે.
બે વર્ષ અગાઉ મોડાસા ના શહેર પોલીસ સ્ટેશન (Modasa Police Station) માં એક દંપતિ સામે ગુનો નોંધાયો હતો. ગુનો દાખલ થતા જ દંપતિ સામે ફિટકાર વરસવા લાગ્યો હતો. વાસના ભૂખ્યો પતિ સગીર વયની પાડોશી પર ગંદી નજર રાખી રહ્યો હતો અને પત્નિ તેમાં સાથ પૂરાવતી હોવાનો ફરીયાદમાં આક્ષેપ થયો હતો. પોલીસે પતિ સામે સગિરા પર દુષ્કર્મનો પ્રયાસ અને પત્નિ પર મદદગારીનો ગુનો નોંધ્યો હતો. આ અંગે મોડાસાની સ્પેશિયલ પોસ્કો કોર્ટ (POSCO Court) માં કેસ ચાલતા પત્નિને શંકાનો લાભ આપ્યો હતો. જ્યારે પતિને 10 વર્ષની સખત કેદનો હુકમ કોર્ટે કર્યો હતો.
ધોરણ 8માં અભ્યાસ કરતી સગિરાને પાડાશી યુવક રાત્રીના અંધકારનો લાભ ઉઠાવીને ઉંચકીને પોતાના ઘર લઈ જઈને દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરાયો હોવાની ફરીયાદ નોંધાઈ હતી. ઘટનાને લઈ મોડાસા શહેર પોલીસ સ્ટેશને આરોપી યુવક સુરેશ પ્રેમસિંહ ગરોડ અને તેની પત્નિ પ્રભાબેન વિરુદ્ધ ફરીયાદ નોંધી હતી. જેમાં પોલીસે સગિરા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવાને લઈ આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ મુજબ કાર્યવાહી શરુ કરી હતી. ઘટનાને લઈ જેેતે સમયે ચર્ચાસ્પદ કિસ્સો રહ્યો હતો.
સખત કેદની સજા કરાઈ
મોડાસા સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ અંગેનો કેસ ચાલતા કોર્ટે યુવકને સખત કેદની સજા ફટકારી છે. એડિશનલ સેશન જજ એચએન વકિલે સરકારી વકિલની દલિલો અને દસ્તાવેજી પૂરાવાઓને ધ્યાને રાખીને તેમજ ફોરેન્સીક તપાસ દરમિયાન સામે આવેલ રિપોર્ટ આધારે આરોપી યુવક સુરેશ ગરોડને દોષીત ઠેરવ્યો હતો. જજે આરોપી સુરેશને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. તેમજ 20 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો હતો. જો આરોપી દંડ ના ભરે તો વધુ 6 માસની સજા ભોગવવા હુકમ કર્યો હતો. જ્યારે પત્નિ પ્રભાબેનને કોર્ટે શંકાનો લાભ આપીને છોડી મૂક્યા હતા.
ફરીયાદમાં પત્નિ પર થયા હતા આક્ષેપ
ફરીયાદ નોંધાઈ તે વખતે પત્નિ પર આક્ષેપ થયા હતા કે, તે સગિરાને ઘરે બોલાવીને અરવાર નવાર પતિ સુરેશ તેનો બેસ્ટ ફ્રેન્ડ છે અને તે કહે એમ કરવા કહેતી હતી. જોકે કોર્ટે તેમને આ આક્ષેપોમાં શંકાનો લાભ આપ્યો હતો. વર્ષ 2020 ના કોરોના કાળ દરમિયાન સગિરા ધોરણ 8મા અભ્યાસ કરતી હતી. એ વખતે રાત્રીના સમયે સગિરા પાડોશીના ઘરે ધાબા પરના રુમમાં તી મળી આવી હતી. જે વખતે આરોપી સુરેશે તેની આબરુ લેવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ તેણે સગિરા ને કોઈને આ અંગે નહીં કહેવા માટે ધાક ધમકીઓ આપી હતી.
આરોપી યુવક સુરેશ ગરોડ પાડોશી મહિસાગર જીલ્લાનો મૂળ વતની હતો અને તે મોડાસામાં રહેતો હતો. તે મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના બેણદા ગામનો રહેવાસી હતો.