મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં, પહેલા જ પ્રયાસે પોઇન્ટ મેળવ્યો, ગૃહ રાજ્ય પ્રધાન પણ રમતા જોવા મળ્યા, જુઓ Video
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં બાસ્કેટબોલ રમતા પહેલા જ પ્રયાસમાં ગોલ કર્યો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ રમતમાં ભાગ લીધો અને ત્રીજા પ્રયાસમાં ગોલ કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મુખ્યમંત્રીનો આકસ્મિક બાસ્કેટબોલ ગેમ તેમની સરળતા અને ખેલદીલી દર્શાવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હંમેશા તેમના મૃદુ અને નિખાલસ સ્વભાવ માટે જાણીતા છે. ક્યારેક તેઓ ક્રિકેટ રમતા જોવા મળે છે. તો ક્યારેક રસ્તા પરથી પોતાના પૌત્ર માટે પતંગ અને દોરીની ખરીદી કરતા પણ જોવા મળ્યા છે. હવે મુખ્યપ્રધાનનું વધુ એક રુપ સામે આવ્યુ છે. મુખ્યમંત્રી ભાવનગરમાં બાસ્કેટ બોલ રમતા અને પોઇન્ટ મેળવતા જોવા મળ્યા છે.
પહેલા જ પ્રયાસમાં CMનો પોઇન્ટ
શાંત સ્વભાવ અને મોટા નિર્ણયો પાર પાડનારા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જ્યારે ભાવનગરમાં બાસ્કેટ બોલના મેદાનમાં ઉતાર્યા ત્યારે તેમણે પ્રથમ પ્રયાસમાં જ પોઇન્ટ મેળવીને બધાને ચોંકાવી દીધા હતા. પહેલા પ્રયાસમાં જ પોઇન્ટ મેળવી જાણે કે ચેમ્પિયન ખેલાડીની જેવી ભૂમિકા ભજવી. દાદાના આ પોઇન્ટ થી રમતનું મેદાન પણ તાળિયોના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું હતું.
ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ રમ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગોલ બાદ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ બાસ્કેટ બોલ પર હાથ અજમાવ્યો હતો. ગૃહરાજ્ય પ્રધાને બાસ્કેટ બોલના મેદાનમાં ઉતરીને પોઇન્ટ માટે પ્રાયસ કર્યો, પરંતુ પહેલા પ્રયાસમાં તેમને સફળતા ન મળી. પરંતુ હિંમત હાર્યા વગર એક પછી એક એમ ત્રણ પ્રયત્ન કર્યા અને આખરે તેમને ત્રીજા પ્રયત્ને પોઇન્ટ કરી અનોખી ખેલદીલી દેખાડી હતી. ટૂંકમાં તે પોઇન્ટ ન થાય ત્યાં સુધી અડગ રહ્યાં અને જ્યારે તેમાથી પોઇન્ટ થયો ત્યારે લોકોએ તેમને વધાવી લીધા.
ભાવનગરમાં બાસ્કેટ બોલ સ્પર્ધા
મુખ્યપ્રધાન અને ગૃહરાજ્ય પ્રધાને તો બાસ્કેટ બોલ રમીને ગોલ કરી લીધો પરંતુ ત્યાં હાજર રહેલા જીતુ વાઘાણીએ તો પોઇન્ટ માટે પ્રયત્ન જ ન કર્યો. તેમણે તો રમતમાં ભાગ લેવાનું માંડી વાળ્યું. કદાચ વાઘણી એવું તો નહીં વિચારતા હોય ને કદાચ પોઇન્ટ જ નહીં થાય. તો આ બધાની વચ્ચે નેશનલ લેવલની બાસ્કેટ બોલ સ્પર્ધાને ભાવનગરવાસીઓએ મનભરીને માણી હતી.