અમરેલી લેટરકાંડમાં પાટીદાર યુવતી પાયલ ગોટીની ગેરકાયદે રીતે કરાયેલી ધરપકડના પડઘા રાજ્યભરમાં પડ્યા. 6 દિવસ સુધી કોઈ વાંકગુના વિના આ દીકરીને જેલમાં પુરવામાં આવી, રિમાન્ડ પર લેવામાં આવી, પોલીસ દ્વારા શારીરિક માનસિક ટોર્ચર કરવામાં આવી, બરબજારમાં અન્ય આરોપીઓ સાથે સરઘસ કાઢી આબરૂ નીલામ કરવામાં આવી ત્યાં સુધી અમરેલીના પૂર્વ સાંસદને આ કંઈ જ ન દેખાયુ. હવે દીકરી જેલમુક્ત થઈ છે. સુખરૂપ તેના ઘરે પહોંચી ગઈ છે અને એકવાર મીડિયા સમક્ષ આવીને તેની લડતમાં સાથ સહકાર આપનાર સહુ કોઈનો આભાર પણ વ્યક્ત કરી ચુકી છે આ બાદ પૂર્વ સાંસદને દીકરીની પીડા યાદ આવી છે.
પાયલ ગોટીની ધરપકડ અને એ બાદ બનેલી ઘટનાને નારણ કાછડિયાએ વખોડી છે.અમરેલી પોલીસે કોઈના ઈશારે યુવતી સાથે ગેરવર્તન કર્યુ હોવાનો આડકતરો ઈશારો કર્યો છે. તેમણે ઘટનાને અતિ નીંદનીય ગણાવી છે. તેમણે કહ્યુ અમરેલી પોલીલે દીકરીને પટ્ટા માર્યા અને સરાજાહેર ભરબજારમાં સરઘસ કાઢ્યુ આ કૃત્યથી માથુ શરમથી ઝુકી જાય છે. તેમણે સમગ્ર ઘટનામાં પોલીસને જવાબદાર ગણાવતા સવાલ કર્યો છે કે પોલીસે કોના ઈશારે અને શા માટે આ કૃત્ય કર્યુ. વધુમાં તેમણે ઉમેર્યુ કે લેટર કેવી રીતે લખાયો, કોની સહી છે તેની પણ યોગ્ય તપાસ થવી જોઈએ. કોઈપણ ગુનેગારને સજા થાય તો દીકરીને ન્યાય મળ્યો કહેવાય. છેલ્લા 30 વર્ષમાં ક્યારેય ન બની હોય તેવી ઘટના અમરેલીમાં ઘટી છે. નેતાઓનું માથુ શરમથી ઝુકી જાય તેવુ આ કૃત્ય છે. આ સમગ્ર બાબતે તેમણે યોગ્ય તપાસની માગ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી થવુ જોઈએ તેમ જણાવ્યુ છે.
જો કે સૌથી મોટો સવાલ તો એ છે કે કાછડિયા આટલુ મોડે મોડે કેમ યાદ આવ્યુ. દીકરી જ્યારે જેલમાં હતી ત્યારે તો સહાનુભૂતિનો એક હરફ પણ તેમણે ઉચ્ચાર્યો નથી ના તો તેમના માતાપિતાને મળી તેમને હિંમત આપવાની કોશિષ કરી. જ્યારે બોલવાનું હતુ ત્યારે કાછડિયાએ મગનું નામ મરી સુધ્ધા ન પાડ્યુ અને હવે રહી રહીને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવી, પોલીસ પર દોષારોપણ કરી પોતાની રાજનીતિ ચમકાવી રહ્યા છે.
Input Credit- Kinjal Mishra
Published On - 5:44 pm, Tue, 7 January 25