Rathyatra 2024 : ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓનો શુભારંભ થશે, ત્રણેય રથની ચંદન પૂજા થશે
અખાત્રીજના શુભ દિવસથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓનો શુભારંભ થયો છે. અખાત્રીજના પાવન પર્વ પર જગન્નાથજી મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા કરવામાં આવે છે. અખાત્રીજના દિવસે ચંદન યાત્રાને આગામી રથયાત્રાનું પ્રથમ ચરણ ગણવામાં આવે છે.
અખાત્રીજના શુભ દિવસથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓનો શુભારંભ થયો છે. અખાત્રીજના પાવન પર્વ પર જગન્નાથજી મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા કરવામાં આવે છે. અખાત્રીજના દિવસે ચંદન યાત્રાને આગામી રથયાત્રાનું પ્રથમ ચરણ ગણવામાં આવે છે.
રથની ચંદન પૂજા સાથે જ અમદાવાદની ઓળખ ગણાતી એવી રથયાત્રાની તૈયારીઓનો પ્રારંભ થશે. મહંત દિલીપદાસજી દ્વારા પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીના રથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથની પૂજા કરવામાં આવશે. ત્રણેય રથની પૂજા બાદ આરતી પણ કરવામાં આવશે.
ભગવાનના રથોનું થશે સમારકામ
રથયાત્રા પહેલા અખાત્રીજ પર યોજાતી ચંદનયાત્રાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ચંદનયાત્રામાં મંદિરના રથ ખસેડવાનું શરૂ થશે. ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે તે પહેલાં રથનું સમારકામ કરવામાં આવતું હોય છે અને તે સમારકામની શરૂઆત અખાત્રીજના દિવસેથી જ કરવામાં આવે છે.
ભગવાનના રથોનું હોય છે વિશેષ આકર્ષણ
ભગવાનની જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે રથ વિશેષ આકર્ષણનું કેન્દ્ર હોય છે. એવી માન્યતા છે કે અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથ પાસે વિશ્વકર્મા આવીને તેમની નગરચર્યા માટે રથ બનાવવાની મંજૂરી માગે છે. આથી જ આ પવિત્ર દિવસે વિધિવત પૂજન, અર્ચન બાદ રથનું સમારકામ કરવામાં આવે છે. ભગવાનનાં ત્રણેય રથને ભવ્ય શણગારવામાં આવે છે. અખા ત્રીજના દિવસે ભગવાનને ચંદનના શણગાર હોવાથી તેને પ્રતિકાત્મક સ્વરૂપ ચંદન યાત્રા કહેવામાં આવે છે.
અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળે છે પ્રભુ
મહત્વનું છે અમદાવાદ શહેરમાં દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. અમદાવાદમાં અષાઢી બીજના દિવસે યોજવામાં આવતી જગન્નાથની રથયાત્રા આકર્ષણનું કેન્દ્ર બને છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર તથા સુભદ્રા નવા રથમાં સવાર થઈને નગરચર્યા પર નીકળશે. 2 જુલાઈ 1878ના રોજ સૌ પ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રા શરૂ કરાવી હતી.આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નિકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નિકળી નગરજનોને દર્શન આપે છે.