અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હત્યા કરનાર પ્રેમી યુવકની ધરપકડ કરી છે. જોકે હત્યા કરનાર પ્રેમીની પૂછપરછ દરમ્યાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે અને હત્યા કરવા પાછળ પણ અલગ જ કહાની હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.
અમદાવાદના પૂર્વ વિસ્તાર નરોડામાં ગત 30 સપ્ટેમ્બર 2022 નાં દિવસે જીઆઇડીસી ફેજ 3 ની દિવાલ પાસે મધુબેન ડામોર નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મધુબેનનું દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. જેના આધારે પોલીસે હત્યારા આરોપીની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ હત્યા કરનારા સુધી પહોંચી શકી હતી નહીં. ત્યારે હવે ક્રાઈમ બ્રાન્ચે મધુબેન ડામોરની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓરિસ્સા થી આરોપી પંકજ સાવ નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પંકજની પૂછપરછ કરતા અને ચોકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે.
પોલીસ તપાસ અને આરોપી પંકજની પૂછપરછમાં સામે આવ્યું કે નરોડા જીઆઇડીસીમાં આવેલી અર્ચિત ઓર્ગેનિક નામની કંપનીમાં મૃતક મધુબેન તેમજ તેમના પતિ અમૃતભાઈ અને પંકજ સાથે નોકરી કરતા હતા. જોકે પંકજ મૂળ બિહારનો રહેવાસી હતો અને તે અમદાવાદ નોકરી માટે આવ્યો હતો તેથી તેને રહેવા તેમજ જમવા માટે જગ્યા જોઈતી હતી.
અમરતભાઈ આરોપી પંકજનાં મિત્ર હતા તેથી તેણે અમરતભાઈને જમવા માટે વાતચીત કરી હતી એના અમરતભાઈએ દર મહિને 2500 રૂપિયા થી પોતાના ઘરે જમવા આવવાનું નક્કી કર્યું હતું. આ દરમ્યાન આરોપી પંકજ અને મૃતક મધુબેન વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે એક દિવસ મધુબેન અને પંકજને પતિ અમૃતભાઈ તેના ઘરે એક સાથે જોઈ ગયા હતા જેથી પંકજને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
પંકજને અમરતભાઈએ કાઢી મુકતા તે અમદાવાદ થી પોતાના વતન બિહાર ચાલ્યો ગયો હતો. જ્યાં તેણે એક યુવતી સાથે સગાઈ નક્કી કરી લીધી હતી. આ દરમિયાન પણ પંકજ અને મૃતક મધુબેન વચ્ચે ફોનથી વાતચીત ચાલુ હતી. જેથી પંકજની સગાઈ નક્કી થતાં મધુબેને પોતાની સાથે લગ્ન કરવાની જીદ કરી હતી. જેથી પંકજ પોતાની સગાઈ તોડી ફરીથી અમદાવાદ આવ્યો હતો અને મધુબેન સાથે લગ્નની વાતચીત કરી હતી.
એક તરફ પંકજ લગ્ન કરવા માટે અમદાવાદ આવ્યો હતો પરંતુ મધુબેન તેમને અલગ અલગ બહાના બતાવી લગ્ન કરવાની ના પાડવા લાગ્યા હતા, જેથી બંને વચ્ચે ઝઘડો થતાં પંકજે મધુબેનને દુપટ્ટાથી ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી.
પોલીસે પંકજની પૂછપરછ કરતાં સામે આવ્યું કે હત્યા બાદ તે તેના મામાના ઘરે કોટા રાજસ્થાન નાસી ગયો હતો. જોકે તેના મામા કોટાથી ઓરિસ્સા રહેવા જતા રહ્યા હતા તેથી પંકજ ઓરિસ્સા ચાલ્યો ગયો અને ત્યાં કંદોઈની દુકાનમાં કામ કરવા લાગ્યો હતો. પોલીસને માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઓરિસ્સા પહોંચી પંકજની ધરપકડ કરી છે. હવે પોલીસ તપાસ કરવી છે કે હત્યા બાદ આરોપી પંકજ કઈ કઈ જગ્યા પર રોકાયો હતો અને ખરેખર લગ્નની ના પાડવાના ઝઘડામાં જ પંકજે મધુબેનની હત્યા કરી છે કે અન્ય કોઈ કારણ હત્યા પાછળ જવાબદાર છે.
Published On - 8:58 pm, Wed, 18 September 24