અમદાવાદ શહેરમાં શિયાળામાં પણ ભુવા પડવાની સિઝન શરૂ, 48 કલાકમાં બે મોટા ભુવા પડ્યા
આ વર્ષે (વર્ષ 2021) શહેરમાં 73 ભૂવા પડ્યા છે. કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર્સની બેદરકારીને કારણે સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 21 જ્યારે સૌથી ઓછા 2 ભૂવા મધ્યઝોનમાં પડ્યાં છે.
અમદાવાદ (Ahmedabad) શહેરમાં ભર શિયાળામાં ભુવા (pothole) પડવાની સિઝન શરૂ થઈ છે. ચોમાસામાં તો શહેર ભુવા નગરી (Bhuva nagari) બની જાય છે તેનાથી સૌ-કોઇ વાકેફ છે. પરંતુ હવે ચોમાસામાં જ નહીં ગમે ત્યારે કોઈપણ રસ્તામાં ભૂવા પડી શકે છે. આજે સવારે માણેકચોક પાસે પોળમાં મોટો ભુવો પડ્યો છે. ઝૂમખીની ખડકીમાં આવેલ મંદિરની પાછળ મસમોટો ભુવો પડ્યો છે. ભુવો પડતા ભુવામાં રહીશોએ પાર્ક કરેલા કેટલાક વાહનો પણ પડ્યા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી. ભુવો પડતા એએમસીએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. પોળ વિસ્તારમાં ભુવા પડવાની અને ગટરો ઉભરાવાની સમસ્યા નહિવત છે. પરંતુ આજે પોળ વિસ્તારમાં ભુવો પડતા એએમસીની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
બે દિવસ પહેલા અમદાવાદના નરોડામાં આવેલા મુખ્ય માર્ગ ઉપર જ મોટો ભુવો પડયો હતો. સત્યમ સ્કૂલ પાસે આ ભૂવો પડતા નીચે પાણીની લાઈન પણ તૂટી ગઈ હતી. જેના લીધે લાખો લિટર પાણીનો વ્યય થયો હતો. કોર્પોરેશન દ્વારા બેરીકેટ લગાવી સમારકામ કરવાની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદીઓને હવે બારેમાસ ભૂવાઓનો સામનો કરવો પડે છે.
શહેરમાં ચાલુ વર્ષે 70થી વધારે ભૂવાઓ પડ્યા છે. અને આ સિલસિલો હજુ પણ યથાવત છે. ભૂવાઓના રીપેરીંગ માટે ચાલુ વર્ષે એએમસીએ 2 કારોડ જેટલો માતબર ખર્ચ કર્યો છે. સૌથી વધારે પશ્ચિમ ઝોનમાં 17 ભૂવાઓ પડ્યા હતા જેના રીપેરીંગ માટે 60 લાખનો ખર્ચ કરાયો છે. પૂર્વ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 10-10 ભૂવાઓ પડ્યા હતા. જેના રીપેરીંગ માટે 50 લાખનો ખર્ચ કરાયો છે. દક્ષિણ ઝોનમાં 12 ભુવાઓના રીપેરીંગ માટે 44 લાખ ખર્ચવામાં આવ્યા છે.
આ વર્ષે પણ આ જ પરિસ્થિતિ છે. મહાનગરપાલિકાના આંકડા પ્રમાણે જોઇએ તો, આ વર્ષે (વર્ષ 2021) શહેરમાં 73 ભૂવા પડ્યા છે. કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર્સની બેદરકારીને કારણે સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 21 જ્યારે સૌથી ઓછા 2 ભૂવા મધ્યઝોનમાં પડ્યાં છે.
આ પણ વાંચો : રાજ્યમાં નવી શિક્ષણ નીતિને લઇને સરકારની કવાયત, સૂચનો માટે બનાવેલી કમિટીમાં ભલામણોનો સ્વીકાર