અમદાવાદમાં ઓનર કિલિંગની ઘટના, પિતા, કાકા અને ભાઈઓએ કરી યુવતીની હત્યા, જાણો કારણ
અમદાવાદમાં ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. ઉપસરપંચની ભત્રીજીને સરપંચના પુત્ર સાથે પ્રેમસંબંધ હોવાનો ખુલાસો થયો છે. યુવતીના પરિવારને મંજૂર નહિ હોવાથી યુવતીની હત્યા નીપજાવી, પોલીસે 10 દિવસની મહેનત બાદ સત્ય ઉજાગર કર્યું.
અમદાવાદના કણભામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પ્રેમલગ્ન કરવાની જીદ કરતી યુવતીને તેનાં જ પરિવારે મોતને ઘાટ ઉતારી દીધી છે. પરિવાર યુવતીને માનતા કરવામાં બહાને બહારગામ લઈ જઇ હત્યા કરી નાખી.
એટલું જ નહિ બદનામીના ડરથી યુવતીના પિતા સહિત કાકા અને પિતરાઈ ભાઈઓએ યુવતીને ગળેટુંપો આપી હત્યા કરી બાદમાં ડીઝલ નાખી સ્મશાનમાં લઈ જઈ અગ્નિ સંસ્કાર પણ કરી નાખ્યા. હાલમાં પોલીસે ઓનર કિલિંગ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ જિલ્લા પોલીસની કસ્ટડીમાં ઉભેલા આ ચારેય આરોપીઓ ઓનર કિલિંગનો આરોપ લાગ્યો છે. પકડાયેલા ચારે આરોપીઓ પૈકી આરોપી અરવિંદ સોલંકી મૃતક યુવતીના પિતા અને પોપટસિંહ સોલંકી યુવતીના કાકા છે. જ્યારે ગજેન્દ્ર સોલંકી અને નટવર સોલંકી મૃતક યુવતીના ભાઈઓ હોવા છતાં પણ યુવતીનું ઓનર કિલિંગ કર્યાનો આરોપ લાગ્યો છે.
યુવતી છેલ્લા બે દિવસથી બાકરોલ ગામમાંથી ગુમ હતી
ઘટનાની તપાસ કરતાં હકીકત એવી સામે આવી છે કે ગત 6 સપ્ટેમ્બરના રોજ બાકરોલ નજીક બીટ વિસ્તારમાં રાત્રી દરમ્યાન બાકરોલ સ્મશાન માંથી અજાણી વ્યક્તિનો પોલીસને સળગાવેલી હાલતમાં એક મૃતદેહ મળ્યો હતો. જે અંગે પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે એક યુવતી છેલ્લા બે દિવસથી બાકરોલ ગામમાંથી ગુમ છે. જે સંદર્ભે પોલીસે 11 સપ્ટેમ્બરે જાણવાજોગ દાખલ કરી ગુમ થનારની શોધખોળ હાથ ધરી હતી. તપાસ કરતાં સામે આવ્યુ કે 19 વર્ષીય બાકરોલની રહેવાસી યુવતી માનસી ઉર્ફે હીના સોલંકી બે દિવસથી ગુમ હતી જે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી.
કઈ રીતે કરી યુવતીની હત્યા
પોલીસે ગુમ થનાર યુવતી માનસી ઉર્ફે હિના સોલંકીનાં પરિવારજનો અને ગ્રામજનોની પોલીસે પૂછપરછ શરૂ કરી હતી. આ દરમ્યાન પોલીસને ચોક્કસ હકીકત જાણવા મળી હતી કે યુવતી માનસિક ઉર્ફે હિના સોલંકીને ગામના જ એક યુવક સાથે લગ્ન કરવાની જીદ હોવાથી યુવતીની હત્યા કરી લાશને બાકરોલ સ્માશનમાં સળગાવી દેવામાં આવી હતી.
પ્રેમ સબંધ હતો જે પરિવારને મંજૂર નહિ હોવાથી પરિવારે જ હત્યાનો પ્લાન
ઉલ્લેખની છે કે મૃતક 19 વર્ષીય યુવતી માનસી ઉર્ફે હીના સોલંકીને ગામના જ યુવક સાથે પ્રેમ સબંધ હતો જે પરિવારને મંજૂર નહિ હોવાથી પરિવારે જ હત્યાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ યુવતીને પરિવારજનો વડોદરા નજીક અનગઢ મંદિરે દર્શન કરવાના બહાને હાલોલ નજીક લઈ જઈ ગળે ટુંપો આપી હત્યા આપી કરી હતી. હત્યા બાદ યુવતીના મૃતદેહને બાકરોલ સ્મશાન લઈ જઈ ડીઝલ નાખી યુવતીનાં મૃતદેહને સળગાવી નાખ્યો હતો.
મરણજનાર માનસી ઉર્ફે હિના ડો/ઓ અરવિંદસિંહ અગરસિંહ સોલંકી ઉ.વ.19 નાઓને પોતાના જ ગામના અને પોતાના સમાજના છોકરા સાથે પ્રેમ સબંધ હતો તેની સાથે બે વખત ભાગી પણ ગઈ હતી. હીનાના પિતા તથા કુટુંબના માણસોએ ગામ અને સમાજમાં બદનામી થવાથી ગામ છોડી દીધું હોવાનું પણ સામે આવ્યું છે, અને તે પછી પણ હીના તેના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ કરતી હતી. જેથી ગામમાં અને સમાજમાં આબરૂ જવાનો ડર રહેતા અને બદનામી થાય તેમ તેવા માનસિક વિચાર સાથે હીનાના પરીવાર જનોની સામાજીક માન્યતા મુજબ તેઓના માતાજી એક જ હોય જેથી સામાજીક રીતે હીનાના લગ્ન તે છોકરા સાથે ના થઇ શકે તેવુ હીનાને તેના પરીવાર દ્વારા સમજાવવા છતાં તે સમજતી ન હતી. જે બાદ હીનાના પિતા તથા કુટુંબના સભ્યો તેના કાકા બાપા તથા પિતરાઈ ભાઈઓએ મળીને હીનાનુ કાસળ કાઢી નાખવા કાવતરૂ રચ્યું હતું.
10 દિવસની મહેનત બાદ પોલીસે સત્ય સામે લાવ્યું, સમગ્ર કેસમાં પોલીસ જ ફરિયાદી બની
સમગ્ર કેસમાં હાલ પોલીસે મૃતકના પિતા, કાકા, પિતરાઈ ભાઈઓ સહિત ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે પિતા અરવિંદસિંહ કન્સ્ટ્રકશનમાં કોન્ટ્રાક્ટર અને કાકા ગજેન્દ્રસિંહ ડેપ્યુટી સરપંચ છે. જોકે પ્રેમી યુવકના પિતા સરપંચ હોવાનું પણ સામે આવ્યું છે. એટલું જ નહીં મૃતક માનસી ઉર્ફે હીના બે વખત ઘરે થી ભાગી ગઈ હતી. જેને લઇ ગામમાં બદનામ થવાના ડરથી પિતા અને પિતરાઈ ભાઈએ પોતાની જ દીકરીને મોતની ઘાટ ઉતારી દીધી હતી. હાલ ઘટનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ વિરુદ્ધ પણ સંયોગીક પુરાવા એકત્ર કરી ધરપકડ કરવામાં આવશે.