Video : ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલ બાળકીને વડોદરામાં અપાઈ રહી છે સારવાર, ઝારખંડના મંત્રી દોડી આવ્યા
ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકીની હાલ વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેના ખબર અંતર પૂછવા માટે ઝારખંડ સરકારના મંત્રી દીપિકા પાંડે સિંહ અન્ય મહિલા અધિકારીઓ સાથે આવી પહોંચ્યા હતા.
ગુજરાતમાં ફરી એકવાર ચકચારી ઘટના બની છે. જેમાં હેવાનોએ 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે. ઝારખંડના પંચાયતી રાજમંત્રી દીપિકા પાંડેએ દુષ્કર્મ પીડિતાની, તેના પરિવારજનો અને તબીબો સાથે મુલાકાત કરી હતી. બાળકીની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. તેને વધુ સારવાર માટે હાયર સેન્ટરમાં લઈ જવાની જરુર હશે તો ઝારખંડ સરકાર તૈયાર છે તેવું પણ જણાવ્યું હતું.
ઝારખંડ સરકાર તરફથી 4 લાખની સહાય જાહેર કરાઈ
ભરૂચની દુષ્કર્મની ઘટના અંગે ઝારખંડના પંચાયતી રાજમંત્રી દીપિકા પાંડે સિંહે વધુમાં જણાવ્યું હતું કે, ઝારખંડ સરકારે ત્રણ સભ્યોની ટીમ મોકલી છે. બાળકીને સારી સારવાર મળે તે માટે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને અમને અહીં મોકલ્યા છે. ઝારખંડ સરકાર તરફથી બાળકીના પરિવારને ચાર લાખની સહાય કરવામાં આવી છે. બાળકીને અહીથી એર લિફ્ટ કરીને અન્ય રાજ્યમાં સારવાર જોઇતી હોય તો પણ અમારી તૈયારી છે. આરોપીઓને સખતમાં સખત સજા મળે તેવી અમારી માંગ છે. આરોપી પણ ઝારખંડનો છે પણ આરોપી કોઇપણ હોય તેને સજા મળવી જોઇએ.
રાજકારણથી દૂર રહી બાળકીને સારવાર પર ધ્યાન આપવું જોઈએ
મહિલા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જો પ્રવાસી મજૂરો સાથે આ પ્રકારની ઘટના બનતી હોય તો ગુજરાત સરકારે જોવું જોઈએ. ઝારખંડના મજૂરો જો અહીંથી જતા રહેશે તો ગુજરાતના ઉદ્યોગો ઠપ્પ થઈ જશે. આવી ઘટનામાં રાજકારણથી દૂર રહી બાળકીને સારી સારવાર કઈ રીતે મળે તેના પર ધ્યાન આપવું પડશે.
દુષ્કર્મ પીડિતાને વડોદરામાં બેસ્ટ સારવાર મળશે- સુપ્રિટેન્ડેન્ટ
વડોદરાની સયાજી હોસ્પિટલના RMO ડો. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતુ કે, બાળકીની સ્થિતિ ગંભીર ગણી શકાય, તેની તબિયતમાં સુધારો છે. નિષ્ણાંત તબીબો યોગ્ય ધ્યાન આપી રહ્યા છે તેને બેસ્ટ સારવાર મળશે.