અમદાવાદમાં મોટાભાગના ચાર રસ્તા ઉપર જ્યારે આપ નીકળતા હશો ત્યારે ચાર રસ્તા ઉપર બાળકો દ્વારા તમારી પાસે પૈસા માંગવાની ઘટના બની જ હશે, પરંતુ તમે વિચારી પણ નહીં શકો કે આ બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવવા માટે ભિક્ષુકોએ જ દલાલોને પૈસા આપવા પડે છે.
અમદાવાદ પોલીસ દ્વારા અલગ અલગ પાંચ જેટલા વિભાગોની ટીમ બનાવી શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભિક્ષાવૃત્તિ નાબુદીની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં અલગ અલગ ચાર રસ્તાઓ પરથી 46 જેટલા બાળકોનું રેસ્ક્યું કરી તેમને ભિક્ષાવૃત્તિ માંથી મુક્ત કરાવ્યા છે સાથે જ બાળકોને ભિક્ષાવૃત્તિ કરાવતા તેમના વાલીઓ પર ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
પોલીસ દ્વારા આ બાળકોનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમને મેડિકલ સારવાર પણ આપવામાં આવી રહી છે. જોકે પોલીસની કાઉન્સિલિંગ તેમજ તપાસમાં અનેક રોકાવનારા ખુલાસાઓ પણ સામે આવ્યા છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે જે બાળકો ભિક્ષાવૃત્તિ કરી રહ્યા છે તેમની ઉંમર 9 થી 14 વર્ષની છે અને તેમના પરિવાર દ્વારા તેમને ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવી રહી છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના 25 થી વધુ ટ્રાફિક સિગ્નલો અને ચાર રસ્તા ઉપર સૌથી વધુ ભિક્ષાવૃત્તિ કરવામાં આવી રહી છે. જોકે પોલીસને ભિક્ષાવૃત્તિ પાછળ કોઈ કૌભાંડ હોવાની ગંધ આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ભિક્ષાવૃત્તિ પાછળ પ્રિ પ્લાન કરેલું સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.
પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી આધારે અમદાવાદ શહેરના મુખ્ય રસ્તા ઉપર ભિક્ષાવૃત્તિ કરવા માટેની બોલીઓ બોલવામાં આવે છે. જે બોલીની એકમ 1.5 લાખ સુધી પહોંચે છે અને જે પણ વધુ બોલી લગાવે છે તેમને જે તે પોઇન્ટ પર ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવે છે. આ સમગ્ર કૌભાંડમાં અમુક દલાલોની સંડોવણી પણ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ દલાલો દ્વારા અન્ય રાજ્યો માંથી પણ ભિક્ષુકોને અમદાવાદ લઈ આવવામાં આવે છે અને તેમની પાસે ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવે છે.
આ દલાલો ગુજરાત અને રાજસ્થાનના હોવાનું પણ પોલીસને અનુમાન છે. જોકે પોલીસ હજી સુધી આ દલાલો સુધી પહોંચી શકી નથી પરંતુ જે રીતે પોલીસ તપાસ કરી રહી છે તેમાં બાળકો પાસેથી અલગ અલગ પોઇન્ટ મુજબ રોજના 500 થી 1500 રૂપિયા કલેક્ટ કરવામાં આવે છે, તો બીજી તરફ આ બાળકોના પરિવારને દર મહિને 35,000 જેટલી રકમ અલગ અલગ પોઇન્ટ મુજબ ચુકવણી કરવામાં આવે છે.
સમગ્ર કૌભાંડની તપાસ ચાલી રહી છે ત્યારે પોલીસ અલગ અલગ મુદ્દાઓને લઈને બાળકો અને તેના વાલીઓની પૂછપરછ કરી રહી છે.
પોલીસ સમગ્ર કેસની ગંભીરતા લઈને અલગ અલગ મુદ્દાઓ પર પણ તપાસ કરી રહી છે. આ સમગ્ર કૌભાંડમાં કોણ કોણ વ્યક્તિઓ સંડોવાયેલું છે, બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવવા પાછળ તેમના વાલીઓ સંડોવાયેલા છે તો આ વાલીઓની ઉપર દલાલો પણ સક્રિય છે. બીજી તરફ દલાલો સાથે અન્ય કોણ કોણ લોકો આ રેકેટના ભાગીદાર છે તેને લઈને હવે પોલીસ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે હવે પોલીસ તપાસના અંતે શું સામે આવે છે તે જોવું રહ્યું પણ અત્યાર સુધી પોલીસ તપાસમાં જે કઈ સામે આવ્યું છે તે ખૂબ જ ચોકાવનારી અને એક ગંભીર બાબત માની શકાય.