અમદાવાદ જિલ્લાના છેવાડે આવેલ બાવળાના છેવાડાના ગામ બલદાણા જે ગામના ખેડૂતોને હાલ સૂકા આંસુએ રડવાનો વારો આવ્યો છે. કારણ કે તેઓના પાક નાશ પામી રહ્યા છે અને તેનું કારણ પાણીની અછત છે. બલદાણા ગામ 4 હજાર વસ્તી ધરાવે છે. જે ગામ અને ગામના ખેડૂતો ખેતી પર નિર્ભર છે. જ્યાં 500 ખેડૂતોને સીધી અસર પડી રહી છે.
આ ગામમાં સૌથી વધારે હાલ ડાંગરનો પાક લેવાઈ રહ્યો છે. તેમજ કપાસ, એરંડાનો પાક પણ લેવાઈ રહ્યો છે. મહત્વનુ છે કે ડાંગર જે વરસાદી પાણી પર નિર્ભર છે તેમજ તેને સૌથી વધારે પાણીની જરૂર પડે છે જોકે ખેડૂતોનું કહેવું છે કે તેમના ગામ અને આસપાસના વિસ્તારમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં નહિવત વરસાદ પડ્યો છે જેના કારણે ડાંગરને જરૂર પૂરતું પાણી નહીં મળતા ડાંગર સુકાઈ રહી છે. એટલું જ નહીં સરકાર દ્વારા જે પાણીની અછત દૂર કરવા માટે ફતેવાડી કેનાલને ગામ સુધી પહોંચાડવામાં આવી છે. તે કેનાલ પણ સૂકી પડી છે.
ખેડૂતોનું કહેવું છે કે ફતેવાડી કેનાલના છેડાનો ભાગ તેમના ગામ પાસે આવેલો છે. જેથી તેમના ગામ છેવાડે આવતા હોવાથી કેનાલમાં છેક સુધી પાણી નથી પહોંચી રહ્યું અને જો પાણી આવવાની શક્યતા હોય તો વચ્ચેના ગામના ખેડૂતો મશીનો મૂકીને પાણી ખેંચી લેતા હોય છે. તેમજ પાણી આગળ ન વધે તેના માટે આડાશ મૂકી દેતા હોય છે. જેના કારણે પણ તેમના ગામ સુધી કેનાલમાં પાણી નહીં આવતા પાણીની અછત સર્જાઇ છે અને કેનાલ સૂકી પડી છે.
કેટલાક ખેડૂતો એવા છે કે જેમને દેવું કરીને પાક ઉગાડ્યા છે. અથવા તો અવારનવાર પાક ઉગાડવા છતાં પણ તેમનો પાક નિષફળ જઈ રહ્યો છે. તેમજ કેટલાક લીલા ખેતરો દેખાઈ આવ્યા ત્યાં બોરના ખારા પાણી કે જે ડાંગર કે ઘઉં કે અન્ય પાકમાં ઉપયોગ ન થાય અને જો ઉપયોગ કરે તો યોગ્ય પાક ન થાય તેના કારણે ઘાસ વાવતા હોવાનું પણ ખેડૂતોએ નિવેદન આપ્યું. સાથે જ પાક સહાય નહિ મળતી હોવાના પણ ખેડૂતોએ આક્ષેપ લગાવી સરકાર પાસે નુકશાની સામે મદદની માગ કરી.
વાસણા બેરેજથી ફતેવાડી કેનાલ શરૂ થઈને 40 થી 45 કિલોમીટર સુધી દૂર જાય છે. જ્યાં કેનાલના છેવાડે બલદાણા ગામ સાથે કેસરડી અને લગદાણા તેમજ દેહવાડા ગામ આવેલા છે. જે ગામમાં પણ આ જ પ્રકારની સમસ્યા છે. જે ગામમાં હાલ ડાંગરનો પાક લેવાઈ રહ્યો છે. પરંતુ ડાંગર વરસાદી પાણીનો પાક હોવાથી વરસાદ વધુ ન પડતા પાકને અસર થઈ છે.
આ પણ વાંચો : Ahmedabad : વેપારી પાસેથી 60 હજારનો તોડ કરનાર પોલીસ કર્મચારીઓની કરાઇ ધરપકડ, જુઓ Video
કેસરડી ગામની વાત કરવામાં આવે તો કેસરડી ગામમાં 6000 વસ્તી છે જે ગામ ખેતી પર નિર્ભર છે અને આ સમસ્યાથી 2000 ખેડૂતોને સીધી અસર છે. જે પીડિત ખેડૂત ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી તો ગ્રામ પંચાયત દ્વારા સિંચાઈ વિભાગમાં પણ રજૂઆત કરવામાં આવી. જોકે સિંચાઈ વિભાગ દ્વારા સ્ટાફ ઓછો હોવાનું જણાવી સમસ્યા નું નિરાકરણ લાવવાની વાત દૂર રહી પણ હાથ અધર કરી દીધા જેના કારણે ખેડૂતોને સમસ્યા દૂર થવાની એક આશા હતી તે પણ ભાંગી પડી અને હવે શિયાળુ પાક જ્યારે લેવાની વાત આવશે ત્યારે પાણી વગર ખેડૂત શું કરશે તે પણ પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે.
Published On - 9:45 pm, Mon, 28 August 23