ભિક્ષાવૃત્તિ અને બાળમજૂરી પર પોલીસનો સપાટો, અમદાવાદ પોલીસે 6 મહિનામાં 96 બાળકોના રેસ્કયુ કર્યા, જાણો કઈ રીતે
પોલીસે છેલ્લા 6 મહિનામાં 96 બાળકોના રેસ્કયુ કર્યા, લાંબા સમયથી ગુમ બાળકો અને ભિક્ષાવૃત્તિ કે બાળમજૂરી કરતા બાળકોને રેસ્ક્યુ કરાયા. બાળકોના અભ્યાસની જવાબદારી પણ પોલીસ અને amc એ ઉપાડી.
સમાન્ય રીતે આપણે ચાર રસ્તા પર બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા જોતા હશું, આ બાળકો અને તેના પરિવારજનો ધંધો રોજગાર કરવાની પરિસ્થિતિમાં નહિ હોવાથી ભિક્ષાવૃત્તિ કરતા હોય છે. બીજી તરફ બાળકો પણ ભણતરને બદલે ભિક્ષા માંગતા નજરે પડતાં હોય છે.
આવા બાળકોને ભિક્ષાવૃત્તિ માંથી મુક્ત કરાવી સાથેજ ગુમ થયેલા બાળકોને પણ શોધી પોલીસ અને મનપા તેમની ભણતરની જવાબદારી ઉપાડી છે અને બાળકોને એક નવું ભવિષ્ય આપવાની કોશિશ કરી રહી છે.
અમદાવાદમાં ગુમ થતાં બાળકો અને ભીક્ષાવૃતી કરતા બાળકોને રેસ્ક્યુ કરવા માટે અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિક ટીમ કાર્યરત છે. જેના દ્વારા છેલ્લા 6 મહિનામાં 96 બાળકોને રેસ્ક્યું કરવામાં આવ્યા છે. આ રેસ્કયુ કરાયેલા બાળકોમાં 3 બાળકીઓના અપહરણને લઈ હેબિયસ કોપર્સ પણ દાખલ થયેલી હતી.
12 વર્ષીય બાળકી 1વર્ષ ગુમ રહી
જોકે 96 માંથી 65 બાળકોને ભિક્ષાવૃત્તિ માંથી બહાર કાઢવામાં આવ્યા છે. શહેરમાં મુખ્યત્વે એવા બાળકો કે જે બાળકો લાંબા સમયથી ગુમ હોય, મળી આવતા ના હોય તેને લઈ ટીમ દ્વારા એક ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે મળેલી બાળકીઓ માંથી એક બાળકી કૃષ્ણનગર માંથી ગુમ થઈ હતી. જે 12 વર્ષીય બાળકી 1વર્ષ ગુમ રહી હતી જેને શોધી કાઢવામાં આવી છે, તો અઢાર વર્ષથી નીચેની 8 બાળકીઓને પણ શોધી કાઢવામાં આવી છે.
અમદાવાદ સહિત રાજ્યમાં ભીક્ષાવૃત્તિ માટે બાળકોનો ઉપયોગ વધ્યો છે, વાલી કે અન્ય લોકો ભીખ મંગાવવા બાળકોનો ઉપયોગ કરતા હોય છે. આવા પ્રકારના અલગ અલગ જગ્યાઓ પર 43 જેટલા ગુનાઓ નોંધ્યા છે. ટિમ દ્વારા બાળકોનું શિક્ષણ અને રિહેબલીટેશન થાય તે માટે પણ પોલીસ દ્વારા સંકલન કરવામાં આવે છે.
બાળકોનો ઉપયોગ કેરિયર તરીકે થતો હોય કે કેમ ?
રેસ્કયું કરાયેલા ભીક્ષાવૃત્તિ કરતા 65 બાળકો માંથી 37 બાળકીઓ છે. મહત્વનું છે કે બાળકોનો લેબર તરીકે ઉપયોગ કરતા હોય ત્યાં રેડ કરી 28 બાળકોને મુક્ત કરવામાં આવ્યા છે. બાળકોનો ઉપયોગ કેરિયર તરીકે થતો હોય કે કેમ તે અંગે પણ ચેકીંગ કરવામાં આવ્યા છે જે મામલે પણ 3 કેસો નોંધવામાં આવ્યા છે. જે પૈકી એક ઇ સિગારેટનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે માનવ તસ્કરી અને બાળકોનો ઉપયોગ તેમના માતા પિતા ભીખ માગવાના વેપારમાં કરે તે ચલણ વધ્યું છે. પોલીસે પ્રજાને પણ અપીલ કરી છે કે જો તમને રસ્તા પર કોઈ બાળક ભીખ માગતું દેખાય તો તુરત પોલીસનો સંપર્ક કરવો જેથી આવી પ્રવુતિ કરતા બાળકોનું જીવન સુધરી શકે અને એક તેને એક નવું જીવન મળી શકે.