ક્રિકેટની પીચ પરથી MP ગેનીબેન ઠાકોરે, ગુજરાત સરકાર સામે ફટકાર્યા ચોગ્ગા છગ્ગા, જુઓ વીડિયો
સામાન્ય રીતે થોડીક ભીડ ભાડ સાથેનું કોઈ મેદાન રાજકારણીને મળી જાય પછી તે તેના વિરોધીઓ સામે ચોગ્ગા છગ્ગા ફટકારતા જોવા મળે છે. બનાસકાંઠાના મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરે પણ હાથમાં બેટ લઈને બોલને મેદાનની બહાર ફટકારવાની સાથે સાથે ગુજરાત સરકાર સામે ચોગ્ગા છગ્ગા ફટકાર્યા હતા.
બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, આજે શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના ભક્તિભાવપૂર્વક દર્શન પૂજા અર્ચન કર્યું હતું. માં અંબાના દર્શન કર્યા બાદ, ગેનીબેન ઠાકોરે પાંચ દિવસીય અંબા પ્રીમિયર લીગની ફાઈનલ મેચનો પ્રારંભ કરાવ્યો હતો. GMDC ક્રિકેટ મેદાન ખાતે ચાલી રહેલ અંબા પ્રીમિયર લીગ મેચના છેલ્લા દિવસે ગેનીબેન ઠાકોરે હાથમાં બેટ પકડીને બોલ ફટકારવાની સાથેસાથે ગુજરાત સરકારની નીતિને નિશાને લીધી હતી.
ગેનીબેન ઠાકોરે કહ્યું કે, દેશભરમાં રમતગમત ક્ષેત્રે ગુજરાત અન્ય રાજ્યોની હરોળમાં પાછળ છે. જ્યાં બાળકોને પહેલા ધોરણથી જ રમતગમતનું જ્ઞાન મળવું જોઈએ ત્યાં ગુજરાતની મોટા ભાગની શાળાઓમાં વ્યાયામના શિક્ષકો નથી. આટલું જ નહીં શાળાઓમાં રમતગમતના મેદાનનો પણ અભાવ હોવાનું ગેનીબેને જણાવ્યું હતું.
ગેનીબેન ઠાકોરે હાલની સરકાર સામે વાકપ્રહાર કરતા જણાવ્યું હતું કે, આજે જમીનો ઉદ્યોગકારોને ભલે આપી દેવાતી હોય પણ આવનારી પેઢીને ધ્યાનમાં રાખી, રમતગમત માટે મેદાન બનાવવા માટે પણ જમીનની ફાળવણી કરવી જોઈએ.