માછી સમાજની ચીમકી, જેતપુરના ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટને પડતો નહીં મુકે સરકાર તો 3 લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરશે
જુનાગઢમાં પણ જોવા મળી રહ્યો છે જેતપુરના પ્રોજેક્ટ સામે વિરોધ. જુનાગઢમાં પણ માછીમારી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને દહેશત છે કે જો આ પ્રોજેક્ટ અમલી બની જશે. પછી તેઓને પણ ફટકો પડશે. માત્ર જૂનાગઢ કે પોરબંદર જ નહીં પરંતુ ગુજરાતના 1600 કિલોમીટર દરિયાને નુકસાનની શકયતાઓ છે. આગામી દિવસોમાં 3 લાખ માછીમારો રસ્તાઓ પર ઉતરશે અને પ્રોજેક્ટનો વિરોધ કરશે.
જેતપુરના ડાઈંગ ઉદ્યોગનું પાણી જેતપુરથી પોરબંદરના દરિયામાં પાઈપલાઈન મારફતે છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે સરકારની આ યોજના સામે આસપાસના તમામ દરિયાકાંઠા વિસ્તારના માછી સમાજનો રોષ ભભુક્યો છે. જુનાગઢ જિલ્લાના માછીમાર સમાજમાં વિરોધનો અગ્નિ ભભુકી ઉઠ્યો છે. આ વિરોધની આગ હવે મોટુ સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં. માછીમારોની રજૂઆત છે કે પ્રોસેસ કરીને પણ જો ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં ઠલવાશે તો પણ દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન થશે અને આ પ્રદૂષિત પાણીમાં વિહાર કરતી માછલીઓ કોઈ ખરીદવા પણ તૈયાર નહીં થાય. સરકારના નિર્ણયથી માછીમારોની રોજી-રોટી જોખમાવાનો પ્રશ્ન સર્જાયો છે.
પ્રદૂષિત પાણી ઠલવાતા દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન થવાની ભીતિ
દરિયામાં પ્રદૂષિત પાણી છોડવાના પ્રોજેક્ટ સામે હવે દિવસે દિવસે વિરોધ ઉગ્ર થઇ રહ્યો છે. એક બાદ એક જિલ્લાઓમાં હવે માછીમાર સમાજ આ પ્રોજેક્ટ સામે લડી લેવાના મુડમાં આવી ગયો છે. માછીમારો માની રહ્યા છે કે જો આ પ્રોજેક્ટ અમલી બનશે. તો લાખો માછીમારોને મોટો ફટકો પડશે અને દરિયામાં જીવસૃષ્ટિ પણ નાશ પામશે. માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ ખાતરી આપી કે તેઓ સરકારમાં રજૂઆત કરશે અને માછીમારોને કોઇ નુકસાન ન થયા તે માટે ધ્યાન રાખશે.
આગામી દિવસોમાં ત્રણ લાખ માછીમારો રસ્તા પર ઉતરશે
માત્ર ધારાસભ્ય જ નહીં હાલ તો જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ પણ ખાતરી આપી છે કે તેઓ પણ સરકારમાં રજૂઆત કરશે અને માછીમારોની ચિંતાને વાચા આપશે. હાલ તો લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ રજૂઆતની ખાતરી આપી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી આ પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ નહીં મુકવા આવે ત્યાં સુધી માછીમાર સમાજની ચિંતા દૂર નહીં થાય. આ તરફ માછીમારો પણ લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ત્રણ લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરશે અને પ્રોજેક્ટનો વિરોધ કરશે.
Input Credit- Vijaya Parmar- Junagadh