મોદીના વડપણમાં સરકાર રચવા રાષ્ટ્રપતિ સમક્ષ NDAનો દાવો, 9મીએ યોજાશે શપથવિધિ
નરેન્દ્ર મોદી NDA સંસદીય દળના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટાયા છે. સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી, એનડીએના પ્રતિનિધિમંડળ સાથે રાષ્ટ્રપતિ ભવન ગયા હતા, જ્યા સરકાર રચવાનો દાવો રજૂ કરાયો હતો. અહેવાલો અનુસાર, નરેન્દ્ર મોદી 9 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે.

દેશમાં ત્રીજીવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકાર બનવા જઈ રહી છે. આજે સંસદના સેન્ટ્રલ હોલમાં NDAના તમામ ઘટક પક્ષોએ, નરેન્દ્ર મોદીને તેમના સંસદીય દળના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા હતા. રાજનાથ સિંહે, એનડીએ સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર તમામ પક્ષોના નેતાઓ સહમત થઈને ટેકો આપ્યો હતો. આ પછી પીએમ મોદીએ સેન્ટ્રલ હોલમાં હાજર ભાજપ અને એનડીએ નેતાઓ અને નવા ચૂંટાયેલા સાંસદોને સંબોધિત કર્યા હતા.
9 જૂને શપથવિધિ
સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ સરકાર રચવા માટે NDAનુ પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ ભવન ગયુ હતુ અને રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. NDAના 15થી વધુ નેતાઓ મોદી સાથે રાષ્ટ્રપતિ ભવન ગયા હતા. અહેવાલો અનુસાર, નરેન્દ્ર મોદી 9 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે.
દેશને માત્ર એનડીએ પર વિશ્વાસ છે
મોદીએ સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએના સંસદીયદળને સંબોધતા કહ્યું કે, અમે સુશાસનનો નવો અધ્યાય લખીશું. વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરાશે. દેશને માત્ર એનડીએમાં વિશ્વાસ છે. આજે જ્યારે દેશને એનડીએમાં આટલો અતૂટ વિશ્વાસ છે ત્યારે દેશની અપેક્ષાઓ પણ વધી જાય તે સ્વાભાવિક છે અને હું તેને સારું માનું છું. મેં અગાઉ પણ કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષનું કામ માત્ર એક ટ્રેલર છે અને આ મારી પ્રતિબદ્ધતા છે.
વિપક્ષ માત્ર ભ્રમ અને જુઠ્ઠાણા ફેલાવે છે
નરેન્દ્ર મોદીએ વધુમાં એમ પણ કહ્યું કે, અમે વધુ ઝડપ અને આત્મવિશ્વાસ સાથે દેશનો વિકાસ કરીશું. ગૃહમાં તમામ પક્ષોના પ્રતિનિધિઓ મારા માટે સમાન છે. બધાએ સાથે મળીને કામ કર્યું છે. ગઠબંધન મજબૂત થયું છે. મારા માટે કંઈ પરાયું નથી, હું દરેકને એક સમાન માનુ છું. સાથે જ તેમણે કહ્યું કે વિપક્ષો ભ્રમ અને જુઠ્ઠાણા ફેલાવે છે. લોકોને ગેરમાર્ગે દોર્યા. વિપક્ષે ભારતને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું. હુ વિદેશમાં ભારતના વખાણ કરુ છુ ત્યારે વિપક્ષના મિત્રો વિદેશમાં જઈને ભારતને વગોવે છે.