તમને જાણીને નવાઇ લાગશે પરંતુ ગુજરાતની વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી યોજાયા બાદ પણ અત્યાર સુધીમાં એક પણ વર્ષ એવુ નથી કે જ્યારે વિધાનસભાની પેટા- ચૂંટણી યોજાઇ નથી. આજે વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઇ ચુકી છે. ગુજરાતની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. વર્ષ 2017ના પરિણામની વાત કરીએ તો 2017ની ચૂંટણીમાં ભાજપે 150થી વધારે બેઠકો જીતી લેવાનો ટાર્ગેટ રાખ્યો હતો, પણ 99 બેઠક મળી હતી. તો 2017માં કૉંગ્રેસે 77 બેઠકો મેળવીને ભાજપને હંફાવી દીધો હતો. અપક્ષને 1, બીટીપી ને 2, એનસીપીને 1 બેઠક મળી હતી. તો આ પહેલા પણ વિધાનસભા ખંડિત થતા દર વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાતી રહી છે. પક્ષ-પલટા અને રાજકારણની ઉથલ પાથલ વચ્ચે દર વર્ષે ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજવી જ પડી છે. અમે તમને જણાવીશું કે દર વર્ષે કયાં જિલ્લામાં કઇ બેઠક પર ચૂંટણી યોજાઇ છે.
વર્ષ 2018માં જસદણ બેઠક પર ચૂંટણી યોજાઇ હતી. કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળીયાએ રાજીનામુ આપી દીધું હતુ અને બાદમાં તેઓ ભાજપમાં સામેલ થઇ ગયા હતા. જસદણ બેઠક પરથી પેટાચૂંટણીમાં કુંવરજી બાવળીયાને ભાજપે મેદાને ઉતાર્યા અને કુંવરજી બાવળીયાએ વિજય પ્રાપ્ત કરતા વિજય રૂપાણીની સરકારમાં મંત્રીપદ મેળવ્યું હતુ.
વર્ષ 2019 કોંગ્રસના છ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા. પહેલા કોંગ્રેસના ઊંઝા બેઠકના ધારાસભ્ય આશા બેન પટેલ, ધ્રાંગધ્રા બેઠકના ધારાસભ્ય પુરુસોત્તમ સાબરીયા, જામનગર બેઠકના ધારાસભ્ય વલ્લભ ઘાવરીયા, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામુ આપી દીધું અને ભાજપમાં જોડાયા હતા. ભાજપે આ ઉમેદવારોને જ મેદાને ઉતારતા તેઓ ભાજપમાંથી વિજયી બન્યા હતા. જયારે રાધનપૂર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજીનામુ આપી દીધું હતું. પરંતુ ભાજપ તરફથી તેઓએ ઉમેદવારી નોંધાવ્યા બાદ પેટા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. બાયડ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું અને ભાજપમાં જોડાયા હતા. ધવલસિંહને ભાજપે મેદાને ઉતાર્યા પરંતુ તેમને જનતાએ સ્વીકાર ન કર્યો અને હારનો સામનો કરવો પડ્યો હતો.
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં થરાદ બેઠકના ધારાસભ્ય પરબત પટેલ લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા અને આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો વિજય થતા ભાજપની આ બેઠક કોંગ્રેસે છીનવી. લુણાવાડા બેઠકના અપક્ષ ચૂંટાઈ આવેલા ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ભાજપે લોકસભાની ટિકિટ આપી હતી અને પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીગ્નેશ પટેલનો વિજય થયો હતો. ખેરાલુ બેઠકના ભાજપના ધારાસભ્ય ભરતસિંહ ડાભી લોકસભાની ચૂંટણી જીત્યા અને પેટા ચૂંટણીમાં ભાજપના જ ઉમેદવાર અજમલજી ઠાકોર વિજયી થયા જ્યારે અમરાઈવાડી બેઠકના ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલ લોકસભાની ચૂંટણી જીત્યા અને પેટા ચૂંટણીમાં ભાજપના જ ઉમેદવાર જગદીશ પટેલ જીત્યા.
વર્ષ 2020માં કોંગ્રેસના એક સાથે 8 ધારાસભ્યોએ રાજીનામુ ધરી દીધું હતુ. જેમાં કપરાડા બેઠકના જીતુભાઇ ચૌધરી, ધારી બેઠકના જે.વી. કાકડિયા, કરજણ બેઠકના અક્ષય પટેલ, ગઢડા બેઠકના પ્રવીણ મારુ, ડાંગ બેઠકના મંગળ ગામીત, મોરબી બેઠકના બ્રિજેશ મેરજ, અબડાસા બેઠકના પ્રદ્યુમ્નસિંહ જાડેજા તથા લીંબડી બેઠક પરથી સોમા ગાંડા પટેલે રાજીનામુ આપી દીધું હતુ અને આ તમામ બેઠક પર ભાજપના ઉમેદવાર જીત્યા હતા. જે પછી સોમા પટેલને સ્થાને કિરીટસિંહ રાણા અને ગઢડા બેઠક પર પ્રવીણ મારુની જગ્યાએ ભાજપે આત્મારામ પરમારને ટિકિટ આપી અને તેઓ વિજેતા બન્યા. જયારે અબડાસા, મોરબી, ધારી, કરજણ, ડાંગ અને કપરાડા બેઠા પરથી કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારને રિપીટ કર્યા અને તે ચૂંટાઈ આવ્યા.
પંચમહાલના મોરવા-હડફના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું સભ્યપદ કેન્સલ કરવામાં આવ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જાતિના પ્રમાણપત્રના આધારે કોર્ટના ચુકાદા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મોરવા-હડફ બેઠક જનજાતિ માટે અનામત છે. તેમણે જે પ્રમાણપત્ર રજૂ કર્યું હતું તે ખોટું હતું. તેથી તેને લઈને અધ્યક્ષે આ કાર્યવાહી કરી હતી. ભૂપેન્દ્રસિંહ ખાંટ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી અપક્ષ ચૂંટાયા હતા. ખોટા પ્રમાણપત્રનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો હતો. જોકે બાદમાં ભૂપેન્દ્ર ખાંટનું નિધન થયુ હતું. ભૂપેન્દ્ર ખાંટનું નિધન થતા આ બેઠક ખાલી પડી હતી.
આ ખાલી પડેલી બેઠકમાં 17 એપ્રિલ 2021ના રોજ મતદાન થયું હતું. જેમાં ભાજપે મનીષાબેન સુથારને મેદાને ઉતાર્યા હતા. જયારે કોંગ્રેસે સુરેશ કટારાને મેદાને ઉતાર્યા. ભાજપના ઉમેદવાર મનીષાબેન સુથારે બાજી મારી હતી.
ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને આદિવાસી સમાજના આગેવાન અશ્વિન કોટવાલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. ત્યારે ડિસેમ્બરમાં તમામ બેઠકો પર ચૂંટણી યોજાશે.