NCRB ડેટા: છેલ્લા 20 વર્ષમાં, દેશભરમાં 1,888 લોકો કસ્ટડીમાં મૃત્યુ પામ્યા, માત્ર 26 પોલીસકર્મીને સજા મળી, 2020માં ગુજરાતમાં સૌથી વઘુ મોત
NCRB દ્વારા 2017 થી કસ્ટોડિયલ ડેથના (Custodial Death) કેસમાં પોલીસકર્મીઓની કરાયેલી ધરપકડના આંકડાઓં પણ જાહેર કરી રહ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં કસ્ટોડિયલ ડેથના કેસમાં 96 પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી છે.
છેલ્લા 20 વર્ષમાં દેશભરમાં 1,888 કસ્ટોડિયલ મૃત્યુ (Custodial Death) નોંધાયા છે. NCRB દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, કસ્ટોડિયલ ડેથ બદલ જવાબદાર પોલીસકર્મીઓ વિરુદ્ધ 893 કેસ નોંધાયા હતા અને આ કેસોમાં 358 પોલીસ કર્મચારી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જોકે, આટલા વર્ષોમાં માત્ર 26 પોલીસકર્મીઓને કસ્ટોડિયલ ડેથની સજા થઈ હતી. આ આંકડા કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા તૈયાર કરાયેલા તાજેતરના અહેવાલના છે.
એનસીઆરબીના (NCRB) આંકડા એવા સમયે આવ્યા છે જ્યારે તાજેતરમાં ઉત્તર પ્રદેશના કાસગંજમાં અલ્તાફ નામના 22 વર્ષીય યુવકનું પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. સગીર હિન્દુ છોકરીના ગુમ થવાના કેસ સંબંધમાં તેની અટકાયત કરવામાં આવી હતી. મૃતકના પરિજનોએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ દ્વારા મારપીટ કરવામાં આવતા અલ્તાફનું મૃત્યુ થયું છે. આ કેસમાં બેદરકારી દાખવવા બદલ પાંચ પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોલીસકર્મીઓએ દાવો કર્યો હતો કે અલ્તાફે શૌચાલય જવાનું કહ્યું, તેને જેલની અંદર બનેલા શૌચાલયમાં જવા દેવામાં આવ્યો.
પોલીસના જણાવ્યા અનુસાર, શૌચાલયમાં તેણે જેકેટના હૂક સાથે જોડાયેલ દોરીને નળમાં ફસાવીને પોતાનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આરોપી પાછો ન આવ્યો, ત્યારે પોલીસકર્મીઓ શૌચાલયમાં ગયા અને અલ્તાફને ગંભીર હાલતમાં જોયો, તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થયું, એમ તેણે જણાવ્યું. અધિકારીઓએ જણાવ્યું કે આ કસ્ટોડિયલ ડેથના મામલામાં વિભાગીય તપાસ અને મેજિસ્ટ્રિયલ તપાસ બંને ચાલી રહી છે.
2020 માં 76 કસ્ટોડિયલ મૃત્યુ નોંધાયા
એનસીઆરબીએ (NCRB) ડેટામાં જણાવ્યું હતું કે વર્ષ 2006માં આવા મામલામાં સૌથી વધુ 11 પોલીસકર્મીઓ દોષી સાબિત થયા હતા. ઉત્તર પ્રદેશમાં 7 અને મધ્ય પ્રદેશમાં 4 પોલીસકર્મીઓ દોષિત ઠર્યા છે. જો કે, આંકડાઓ જણાવતા નથી કે તેને તે જ વર્ષે સજા કરવામાં આવી હતી કે નહીં.
નવા ડેટા અનુસાર, વર્ષ 2020 માં 76 કસ્ટોડિયલ મૃત્યુ નોંધાયા હતા, જેમાં ગુજરાતમાંથી સૌથી વધુ 15 કેસ નોંધાયા હતા. આ યાદીમાં અન્ય રાજ્યો આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ છે. જો કે, ગયા વર્ષે આ કેસોમાં કોઈ દોષિત ઠેરવવામાં આવ્યો ન હતો.
2017 થી NCRB કસ્ટોડિયલ ડેથના કેસમાં પોલીસકર્મીઓની ધરપકડનો ડેટા પણ જાહેર કરી રહ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં કસ્ટોડિયલ ડેથના કેસમાં 96 પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે, તેમાં ગયા વર્ષના આંકડા સામેલ નથી.
રિમાન્ડ પર ન હોય ત્યારે વધુ મોત
NCRB એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા પૂરા પાડવામાં આવેલ ડેટાના આધારે “પોલીસ કસ્ટડી/લોકઅપમાં (Police custody, Lockup) મૃત્યુ” ને બે શ્રેણીઓમાં વિભાજિત કર્યા છે. જેમાં વ્યક્તિ રિમાન્ડ પર નથી અને પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યા હોય. તો બીજા એવા કેસ છે કે, જેઓ રિમાન્ડ પર હોય અને પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યા હોય. પ્રથમ કેટેગરીમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેમની ધરપકડ કરવામાં આવી છે પરંતુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા નથી અને બીજી શ્રેણીમાં પોલીસ અથવા ન્યાયિક રિમાન્ડ હેઠળ અટકાયતમાં રાખવામાં આવેલા લોકોનો સમાવેશ થાય છે.
NCRB મુજબ, 2001 થી, 1,185 મૃત્યુ “રિમાન્ડ પર ન હોવા” હેઠળ નોંધાયા છે અને 703 કસ્ટોડિયલ મૃત્યુ “રિમાન્ડ પર” હતા. તે જ સમયે, છેલ્લા બે દાયકામાં કસ્ટોડિયલ ડેથના કેસોમાં પોલીસકર્મીઓ સામે નોંધાયેલા 893 કેસમાંથી, 518 એવા કેસ છે જેમાં વ્યક્તિને રિમાન્ડ પર લેવામાં આવ્યો ન હતો.
આ પણ વાંચોઃ