કો ઓપરેટિવ અર્બન બેંકના ડિરેક્ટર અને નિવૃત આર્મીમેને સાયબર ફ્રોડ કરી વૃદ્ધ પાસેથી પડાવ્યા 83 લાખ, બંને આરોપીઓની હૈદરાબાદથી કરાઈ ધરપકડ
બેંકના ડાયરેક્ટર અને નિવૃત્ત આર્મીમેન લોકો સાથે સાઇબર ફ્રોડ કરતા હોવાનું સામે આવ્યુ છે. ચાઈનીઝ લોકોને સાઇબર ફ્રોડના રૂપિયાના બદલામાં ક્રિપ્ટો કરન્સી આપતા હતા. આ બંને આરોપીઓએ અમદાવાદના એક વૃદ્ધ પાસેથી 83 લાખ રૂપિયા પડાવ્યા હતા. વૃદ્ધની ફરિયાદ બાદ બંને આરોપીઓની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે.
શેર બજારમાં રોકાણ કરવાનું કહ્યું વધુ નફો મેળવવાની લાલચે ફરી એક વખત સાઇબર ગઠિયાઓએ અમદાવાદના એક વૃદ્ધને પોતાનો શિકાર બનાવ્યા છે. અમદાવાદના એક વૃદ્ધ ફરિયાદીએ સાયબર ક્રાઇમમાં પોતાની સાથે રૂપિયા 83 લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે સાઇબર ક્રાઇમ દ્વારા હૈદરાબાદથી બે આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે પકડાયેલા બંને આરોપીમાંથી એક આરોપી કો ઓપરેટીવ અર્બન બેંકમાં ડિરેક્ટર તરીકે નોકરી કરે છે તો અન્ય એક આરોપી નિવૃત્ત આર્મીમેન છે. બંનેની પૂછપરછ કરતા અનેક ચોકાવનારા ખુલાસાઓ થયા છે તો બંને આરોપીઓએ અમદાવાદના અન્ય લોકોને પણ પોતાનો શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.
શેર બજાર અને આઇપીઓ માં ઓછું રોકાણ કરી વધુ નફો મેળવવાની લાલચમાં આવીને અમદાવાદના એક સિનિયર સિટીઝન વ્યક્તિએ લાખો રૂપિયા ગુમાવી દીધા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ હતી. જે ફરિયાદ અનુસંધાને સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા હૈદરાબાદના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક સિનિયર સિટિઝન ને તેના whatsapp નંબર ઉપર એક લિંક મોકલવામાં આવી હતી અને તેમાં શેર માર્કેટમાં રોકાણ કરવા માટેના ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. જેમાં અલગ અલગ આઈપીઓ તેમજ બ્લોકડિલની માહિતી મોકલી રૂપિયાનું રોકાણ કરવા માટે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું જણાવ્યું હતું. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી એક ફોર્મમાં ફરિયાદીના બેન્ક એકાઉન્ટ નંબર, આધારકાર્ડ, પાનકાર્ડ સહિતની માહિતી ભરવડાવી હતી. જે બાદ આ એપ્લિકેશનમાં ખોટી રીતે સાત કરોડ થી વધુ નફો બતાવી તેને વિદ્રોલ કરવા અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં 83 લાખથી વધુની રકમ જમા કરાવડાવી વૃદ્ધ સાથે છેતરપિંડી કરી હતી.
પોલીસ આરોપીઓ સુધી કઈ રીતે પહોંચી?
સાયબર ક્રાઇમની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદી પાસેથી ઓનલાઈન રૂપિયા મેળવી તે રૂપિયાને અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને તે રૂપિયાને ક્રીપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી વિદેશ મોકલવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. બેન્ક એકાઉન્ટના આધારે પોલીસે હૈદરાબાદ થી સ્વામી અયપ્પા તેમજ વેંકટેશવરલું ઉર્ફે વેન્કીની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ સાયબર કરોડના ઓનલાઈન મેળવેલા રૂપિયા વિદેશમાં રહેતા ચાઈનીઝ આરોપીઓ સાથે ચેટિંગ કરી ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી વિદેશ મોકલી આપતા હતા. બંને આરોપીઓ છેલ્લા એક વર્ષથી ભારતીય રૂપિયાને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી વિદેશ મોકલવાનું કામ કરતા હતા, જેના માટે તે અલગ અલગ લોકોના બેન્ક એકાઉન્ટ ખોલાવી તેમની સાથે પણ છેતરપિંડી કરતા આવવાનું સામે આવ્યું છે. આરોપી અયપ્પા છેલ્લા ત્રણ વર્ષથી ક્રિપ્ટો કરન્સીનું કામકાજ કરતો હતો તેથી તે ટેલિગ્રામ મારફતે ચાઈનીઝ લોકોના સંપર્કમાં હતો અને આ ચાઈનીઝ લોકો દ્વારા તેને સાઈબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હતા, જેના તે ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી ફરીથી ચાઈનીઝ લોકોને મોકલી આપતો હતો.
કોણ છે બંને આરોપીઓ?
બંને આરોપીઓની પૂછપરછ માં સામે આવ્યું કે આરોપી અયપ્પા ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે અને તે નિવૃત્ત આર્મીમેન છે. તે છેલ્લા ત્રણેક વર્ષથી સ્ટોક માર્કેટ અને ક્રિપ્ટો કરન્સીનું કામકાજ કરે છે. તો બીજો આરોપી એમ.કોમ સુધીનો અભ્યાસ કરેલો છે અને તે શેર બ્રોકિંગ, સ્ટોક માર્કેટ, કોમોડિટી માર્કેટ તેમજ ક્રિપ્ટો ટ્રેડિંગનું છેલ્લા 18 વર્ષથી કામકાજ કરે છે. ટ્રેડિંગની સાથે રિયલ એસ્ટેટ, ઇન્સ્યોરન્સ તેમજ શ્રીનિવાસા પદ્માવતી કો-ઓપરેટીવ અર્બન બેંકનો 20 વર્ષથી ડિરેક્ટર છે. આરોપી વેંકીએ પોતાની જ બેંકના 109 જેટલા બેન્ક એકાઉન્ટને ગુનાહીત પ્રવૃત્તિમાં ઉપયોગ કર્યો હતો. આરોપી વેન્કી ક્રિપ્ટો ટ્રેડિંગના ક્લાસીસ ચલાવતો હોવાથી તેમના સ્ટુડન્ટ્સને ક્રિપ્ટો વેચવાના બહાને તે ચાઈનીઝ લોકોને ક્રિપ્ટો વેચતો હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં બેન્ક એકાઉન્ટો વિરૂદ્ધ 1182 ઓનલાઇન ફરિયાદો નોંધાઈ ચૂકી છે.
અમદાવાદના જ સાઈબર ફ્રોડના ચાર ગુનાનો ભેદ ઉકેલાયો
મહત્વનું છે કે આરોપી અયપ્પા ને અગાઉ પણ અમદાવાદ સાયબર ક્રાઇમે સાઇબરફ ફ્રોડના ગુનામાં ધરપકડ કરી હતી, જે મામલે તે હાલ જેલમાં છે. સાયબર ક્રાઇમ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ અને તપાસમાં અમદાવાદના જ વધુ ચાર ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે. બંને આરોપીઓએ ભેગા મળી અમદાવાદના અલગ અલગ ચાર જેટલા લોકોને સાઈબર ફ્રોડનો શિકાર બનાવી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે હાલ પોલીસ બંને આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે અને આ ગેંગમાં અન્ય કોણ સામેલ છે અને વધુ કોઈ વ્યક્તિને સાઈબર પ્લોટ નો શિકાર બનાવ્યો છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે.