દેશમાં મોંઘવારી (Inflation) ઓછી થવાનું નામ નથી લઈ રહી. કઠોળ, ચોખા, ઘઉં, ટામેટા અને લીલા શાકભાજી બાદ હવે ખાંડ (Sugar Price) ફરી એકવાર મોંઘી થઈ ગઈ છે. છેલ્લા 15 દિવસમાં તેની કિંમતમાં 3 ટકાનો વધારો થયો છે. જેના કારણે છૂટક બજારમાં પણ ખાંડના ભાવ મોંઘા થયા છે. મંગળવારે ખાંડના ભાવ વધીને રૂ. 37,760 ($454.80) પ્રતિ મેટ્રિક ટન થયા, જે ઓક્ટોબર 2017 પછી સૌથી વધુ છે. ખાસ વાત એ છે કે ખાંડની કિંમતમાં 3 ટકાના વધારાને કારણે તેની કિંમત છેલ્લા 6 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે પહોંચી છે.
ખાંડના ભાવમાં થયેલા વધારા બાદ વેપારીઓ અને ઉત્પાદકોએ ચિંતા વ્યક્ત કરી છે. વેપારીઓ અને ઉત્પાદકોનું કહેવું છે કે દેશના મુખ્ય ખાંડ ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશથી ઓછો વરસાદ થયો છે, જે શેરડીના ઉત્પાદનને અસર કરી શકે છે. જો પાકની સીઝન 2023-24માં શેરડીનું ઉત્પાદન ઘટશે તો ખાંડ વધુ મોંઘી થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે ખાંડના ભાવમાં વધારાને કારણે છૂટક મોંઘવારી દર વધી શકે છે.
બોમ્બે સુગર મર્ચન્ટ્સ એસોસિયેશનના પ્રમુખ અશોક જૈને જણાવ્યું હતું કે, જો સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ નહીં પડે તો દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે. તેના કારણે શેરડીનું ઉત્પાદન ઘટી શકે છે, જેના કારણે ખાંડના ભાવમાં વધુ વધારો થશે. ડીલરોએ જણાવ્યું હતું કે, ખાંડના ભાવમાં વધારો દ્વારિકેશ સુગર, શ્રી રેણુકા સુગર્સ, બલરામપુર ચીની અને દાલમિયા ભારત સુગર જેવા ઉત્પાદકોના માર્જિનમાં સુધારો કરશે. જેના કારણે તેઓ ખેડૂતોને સમયસર ચૂકવણી કરી શકશે.
ખાંડ ઉત્પાદનની નવી સિઝન 1 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ઓછા વરસાદને કારણે ખાંડના ઉત્પાદનમાં 3.3 ટકાનો ઘટાડો થવાની ધારણા છે. જેના કારણે ખાંડનું ઉત્પાદન 31.7 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચી શકે છે. તેથી જનતાને ફરી એકવાર મોંઘવારીનો માર સહન કરવો પડશે.
આ પણ વાંચો : Investment Tips: ગવર્મેન્ટ સિક્યોરિટીઝ અને ટ્રેઝરી બિલમાં રોકાણ કરવું બન્યું સરળ, સરકાર આપશે ગેરેન્ટેડ રીટર્ન
અશોક જૈનના મતે જો ખાંડની કિંમત આ રીતે વધતી રહેશે તો કેન્દ્ર સરકાર તેની નિકાસ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય પણ લઈ શકે છે. જેથી સ્થાનિક બજારમાં તેની કિંમતો ઘટાડી શકાય. મુંબઈ સ્થિત એક વેપારીએ જણાવ્યું હતું કે, આગામી મહિનામાં ખાંડના ભાવમાં વધુ વધારો થઈ શકે છે કારણ કે સ્ટોક ઘટી રહ્યો છે. તહેવારોની સિઝનમાં ખાંડનો વપરાશ વધશે. તેથી સપ્લાય પ્રભાવિત થવાને કારણે ભાવ વધશે.