HDFC બેંક અને તેની ગ્રુપ કંપનીઓને લગતા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. HDFC અને તેની ગ્રૂપ બેંકોને ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં 9.5% હિસ્સો ખરીદવાની મંજૂરી મળી છે. આ મંજૂરી RBI દ્વારા 3 જાન્યુઆરી 2025ના રોજ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, HDFC બેંક પાસે આ હિસ્સો ખરીદવા માટે એક વર્ષનો સમય છે. જો આ સોદો એક વર્ષમાં પૂર્ણ નહીં થાય, તો મંજૂરી આપોઆપ રદ થઈ જશે.
RBI એ HDFC બેંક અને તેની પેટાકંપનીઓ જેમ કે HDFC મ્યુચ્યુઅલ ફંડ, HDFC લાઇફ ઇન્સ્યોરન્સ, HDFC પેન્શન મેનેજમેન્ટ, HDFC ERGO જનરલ ઇન્સ્યોરન્સ અને HDFC સિક્યોરિટીઝને આ હિસ્સો ખરીદવા માટે મંજૂરી આપી છે. આ હિસ્સો એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના કુલ પેઇડ-અપ શેર મૂડી અથવા મતદાન અધિકારોના 9.5 ટકા સુધીનો હોઈ શકે છે.
આ સોદો સંપૂર્ણપણે નિયમનકારી શરતો અને જોગવાઈઓને આધીન રહેશે. આ સોદામાં બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) 1999 અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના નિયમોનું પાલન કરવું જરૂરી છે. આરબીઆઈની માર્ગદર્શિકા અને અન્ય કાનૂની જરૂરિયાતોનું પાલન કરવું પણ મહત્વપૂર્ણ છે.
આ પગલું HDFC બેંક માટે સ્મોલ ફાઇનાન્સ બેંકિંગ સેક્ટરમાં તેની પહોંચ વધારવા માટે એક મહત્વપૂર્ણ તક છે. જે એચડીએફસી બેંકને નવા ગ્રાહકો સુધી પહોંચવા અને તેના ઉત્પાદનોનો વિસ્તાર કરવાની એક મોટી તક પૂરી પાડશે.
આ સિવાય એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકને પણ આ ડીલનો ફાયદો થશે. એચડીએફસી બેંક અને તેની પેટાકંપનીઓ પહેલેથી જ નાણાકીય ક્ષેત્રમાં મજબૂત પકડ ધરાવે છે. આ ડીલ માત્ર AU SFBને નાણાકીય સ્થિરતા જ નહીં આપે પરંતુ તેમના બિઝનેસ મોડલને પણ મજબૂત કરશે. HDFC બેંક અને AU Small Finance Bank વચ્ચેની આ ડીલ ભારતીય બેંકિંગ સેક્ટરમાં મોટો બદલાવ લાવી શકે છે. જો આ સોદો નિયમનકારી શરતો અને સમયમર્યાદામાં પૂર્ણ થશે, તો બંને બેંકોને તેનો લાંબા ગાળાનો લાભ મળશે.
આ ડીલની અસર HDFC બેંકના શેર પર જોવા મળી શકે છે. ગયા શુક્રવારે HDFC બેન્કનો શેર 2.53 ટકાના ઘટાડા સાથે રૂ. 1,748.40 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સમાચારને કારણે સોમવારે HDFC બેન્કના શેરમાં હલચલ જોવા મળી શકે છે.