AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોના-ચાંદીમાં રોકાણ કેટલું ‘સુરક્ષિત’? 45 વર્ષના આંકડાઓએ ખોલી પોલ

લગ્નપ્રસંગ હોય કે મુશ્કેલ સમય, ભારતીય ઘરોમાં સોના અને ચાંદીને સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. હવે શું ખરેખર સોનું કે ચાંદી દરેક સંકટમાં આપણા પૈસા સુરક્ષિત રાખી શકે છે? ઐતિહાસિક આંકડાઓ અને નિષ્ણાતોનો મત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે.

સોના-ચાંદીમાં રોકાણ કેટલું 'સુરક્ષિત'? 45 વર્ષના આંકડાઓએ ખોલી પોલ
| Updated on: Nov 22, 2026 | 4:46 PM
Share

ભારતીય ઘરોમાં ખાસ કરીને લગ્નપ્રસંગે અથવા મુશ્કેલ સમયમાં કામ આવે એ નામે લોકો સોનું અને ચાંદી સંગ્રહ કરતા રહે છે. લોકોને લાગે છે કે, શેરબજારમાં ભલે ગમે તેટલો ઘટાડો આવે, સોનું-ચાંદી હંમેશા તેમના પૈસા સાચવી રાખશે. હવે આમાં કેટલી સચ્ચાઈ છે? શું સોના કે ચાંદીમાં રોકાણને સંપૂર્ણપણે સુરક્ષિત માની શકાય?

જાણીતા મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાત મુથુકૃષ્ણન ધંડપાનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ બાબત સમજાવવાનો પ્રયાસ કર્યો છે. જો તમે પણ સોના અને ચાંદીને સંપૂર્ણપણે સુરક્ષિત રોકાણ માનતા હોવ, તો તેના જૂના ભાવ પર એક નજર નાખવી જરૂરી છે. ધંડપાનીએ વર્ષ 1980 માં ચાંદીના જૂના ભાવ શેર કરીને આ સમજાવ્યું છે.

વર્ષ 1980 માં ચાંદીએ રોકાણકારોને આપ્યો હતો ‘મોટો આંચકો’

  • વર્ષ 1980 થી વર્ષ 1982: $48 થી ઘટીને $5 પહોંચ્યું (90% ઘટાડો)
  • વર્ષ 2011 થી વર્ષ 2015: $49 થી ઘટીને $14 પહોંચ્યું (71% સુધી ઘટાડો)
  • વર્ષ 2026 થી અત્યાર સુધી: $122 થી ઘટીને $43 સુધી પહોંચ્યું (65% સુધી ઘટાડો)

આ ચાર્ટમાં જોઈએ તો, ચાંદીના ભાવનો ઇતિહાસ ઘણો ચઢાવ-ઉતાર ભરેલો રહ્યો છે. જાન્યુઆરી 1980 માં આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ લગભગ 49.45 ડૉલર પ્રતિ ઔંસ હતો. જો કે, વર્ષ 1982 ની આસપાસ ચાંદી લગભગ 5 ડૉલરના સ્તરે પહોંચી ગઈ હતી. ટૂંકમાં, ઊંચા ભાવે ખરીદનારાઓને લગભગ 90 ટકા સુધી નુકસાન સહન કરવું પડ્યું.

ત્યારબાદ વર્ષ 2011 માં પણ ચાંદી લગભગ 49 ડૉલર પ્રતિ ઔંસ સુધી પહોંચી. જો કે, વર્ષ 2015 સુધીમાં તેનો ભાવ ઘટીને લગભગ 14 ડૉલર રહી ગયો. બસ આ સમયગાળા દરમિયાન પણ રોકાણકારોની મૂડીમાં લગભગ 71 ટકાનો ઘટાડો થયો.

આંકડાઓનું માનીએ તો, વર્ષ 2026 માં ચાંદીએ ફરી એકવાર મોટી તેજી બતાવી. જાન્યુઆરીમાં તેનો ભાવ લગભગ 121.60 ડૉલર પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો. જો કે, ત્યારબાદ ઝડપી ઘટાડો આવ્યો.

રેકોર્ડ સ્તરથી લગભગ 65 ટકા નીચે

20 નવેમ્બર 2026 ના રોજ આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી લગભગ 43 ડૉલર પ્રતિ ઔંસ (પોતાના રેકોર્ડ સ્તરથી લગભગ 65 ટકા નીચે) પર આવી ગઈ. તેનો અર્થ એ છે કે, માત્ર એટલા માટે કોઈ વસ્તુને સુરક્ષિત ન માની લેવી જોઈએ કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેનો ભાવ વધ્યો છે.

નિષ્ણાતનું માનવું છે કે, “ચાંદીના ભાવને વર્ષ 1980 માં જે સ્તરે ખરીદવામાં આવી હતી, ત્યાં ફરી પહોંચવામાં જ ત્રણ દાયકા કરતાં વધુ સમય લાગી ગયો. 45 વર્ષ વીતી ગયા પછી પણ ચાંદીનો ભાવ લગભગ 40 ડૉલરની આસપાસ જ જળવાઈ રહ્યો છે. તેથી, તેને સુરક્ષિત રોકાણ માનવું યોગ્ય નથી.”

શું છે નિષ્ણાતનું કહેવું?

ધંડપાનીએ કહ્યું છે કે, ભારતમાં રોકાણકારોએ એક વાત સમજવી જોઈએ કે છેલ્લા ઘણા દાયકાઓમાં ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો છે. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોના કે ચાંદીનો ભાવ સ્થિર રહેવા છતાં ભારતમાં તેના ભાવ વધી શકે છે.

હકીકતમાં આ રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત હોતું નથી. શેર, બોન્ડ, પ્રોપર્ટી, સોનું અને ચાંદી તમામમાં તેજી અને ઘટાડો આવે છે. બેંકમાં રાખેલા પૈસા પણ મોંઘવારીને કારણે ધીમે-ધીમે પોતાની ખરીદશક્તિ ગુમાવી શકે છે.

તેનો અર્થ એ નથી કે, સોનું-ચાંદી ખરીદવાનું બંધ કરી દેવું જોઈએ. આમાં યોગ્ય ભાવે રોકાણ, સસ્તું વેલ્યુએશન, અલગ-અલગ જગ્યાએ રોકાણ અને યોગ્ય એસેટ એલોકેશન જ તમારા પૈસાને સુરક્ષિત રાખી શકે છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સોનાનો ભાવ કોણ નક્કી કરે છે? દુકાન સુધી પહોંચતા પહેલાં સોનાની કિંમતમાં શું-શું ઉમેરાય છે?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">