Breaking News : ધોરાજીમાં ડુંગળીના પાક પર પ્રતિકૂળ વાતાવરણની અસર, રોગને કારણે ખેડૂતો ચિંતિત! જુઓ Video
ધોરાજીમાં વધતી ગરમીને કારણે ડુંગળીના પાકમાં પીળિયો રોગ જોવા મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ઉત્પાદન ઘટવાની ભીતિ વચ્ચે માર્કેટયાર્ડમાં ડુંગળીના પ્રતિમણ 600થી 750 રૂપિયા સુધીના સારા ભાવ મળી રહ્યા છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તાપમાનમાં સતત વધારો અને પ્રતિકૂળ વાતાવરણને કારણે ડુંગળીના પાકમાં રોગચાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ડુંગળીના છોડમાં પીળિયો નામનો રોગ આવતા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, વધુ ગરમીને કારણે ડુંગળીના છોડમાં પૂરતી ગાંઠ બંધાતી નથી. જેના કારણે ઉત્પાદન ઘટવાની શક્યતા છે. ખેડૂતોએ ડુંગળીના પાક પાછળ અત્યાર સુધીમાં વીઘા દીઠ અંદાજે 25 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે. પરંતુ પાકમાં રોગચાળો ફેલાતાં ખર્ચ પણ ન નીકળે તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. કેટલાક ખેડૂતોને આ વર્ષે ડુંગળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે.
ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ડુંગળીના ભાવમાં વધારો
બીજી તરફ, ધોરાજી માર્કેટયાર્ડમાં તૈયાર ડુંગળી વેચવા આવતા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ માર્કેટયાર્ડમાં ડુંગળીના પ્રતિમણ 600થી 750 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. સારા ભાવ મળતા તૈયાર પાક ધરાવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વેપારીઓ પણ આગામી દિવસોમાં ભાવમાં વધુ વધારો થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો, YouTube Earning Guide: ઘરે બેઠા YouTube થી કમાણી કરવી છે? જાણો સબ્સ્ક્રાઇબર્સના નિયમો અને મોનેટાઇઝેશનની શરતો