જામનગરમાં મંથર ગતિએ ચાલતા વિકાસ કામોથી સ્થાનિકો ત્રાહિમામ, નવા રોડનું કામ શરૂ જ ન કરવા વેપારીઓની માગ
જામનગરમાં વિકાસી ધીમી રફ્તારને કારણે હાલારવાસીઓ પરેશાન છે. ભૂતકાળના અનેક એવા અનુભવો રહ્યા છે જેમા ધીમી કામગીરીને કારણે શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડી હોય. આજ અનુભવોના કારણે હવે જામનગરમાં 4 કરોડના ખર્ચે વોર્ડ નંબર 9માં નવો રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે પરંતુ સ્થાનિક વેપારીઓ રોડ ન બનાવવાની માગ કરી રહ્યા છે.
સરકારી કામ સમયમાં શરૂ નથી થતા અને જો શરૂ થાય તો સમયસર પૂર્ણ તો થતા જ નથી. આ માન્યતાને કારણે જામનગર શહેરમાં વિકાસકાર્યનો પેચ ફસાયો છે. સામાન્ય રીતે લોકો પોતાના વિસ્તારમાં સારા રોડ બને, રસ્તાઓનું નવીનીકરણ થાય તેવી માંગ કરતા હોય છે. પરંતુ જામનગરમાં એક એવો અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વેપારીઓ તંત્ર પાસે નવો રોડ બનાવવાની માંગ કરવાને બદલે મંજૂર થયેલો રોડ ન બનાવવાની અપીલ કરી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 9માં દીપક ટોકીઝથી ચાંદી બજાર થઈ પોસ્ટ ઓફિસ સુધી અંદાજે ચાર કરોડ રૂપિયાના ખર્ચે સીસી રોડ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, કામગીરી શરૂ થાય તે પહેલાં જ સ્થાનિક વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે.
વેપારીઓના મતે હાલનો રોડ એટલો ખરાબ નથી કે તેને સંપૂર્ણ નવો બનાવવાની જરૂર પડે. માત્ર જરૂરી જગ્યાએ પેચવર્ક કરવામાં આવે તો પણ વાહનવ્યવહાર સરળતાથી ચાલી શકે તેમ છે. બીજી તરફ, આ વિસ્તારના રોડની પહોળાઈ ઓછી હોવાથી કામગીરી દરમિયાન રસ્તો બંધ કરવામાં આવે તો વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધી શકે છે. વેપારીઓને સૌથી વધુ ચિંતા એ છે કે જો રોડ બનાવવાની કામગીરી મહિનાઓ સુધી ચાલશે તો દુકાનો સુધી ગ્રાહકોની અવરજવર ઘટશે અને વેપાર-ધંધાને મોટું નુકસાન થઈ શકે છે. અગાઉ મહાનગરપાલિકાનાં કેટલાક કામો નિયત સમય કરતાં વધુ લાંબાં ચાલ્યાં હોવાના અનુભવને કારણે પણ વેપારીઓમાં આશંકા છે. આથી વેપારીઓએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી હાલ પૂરતી રોડની કામગીરી મોકૂફ રાખવાની માંગ કરી છે.
જોકે, 15 તારીખથી જાહેરનામું અમલી હોવા છતાં હજુ સુધી કામગીરી શરૂ થઈ શકી નથી. હવે અંદાજે ચાર કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થયેલો આ રોડ બનશે કે નહીં તે અંગે પણ અનિશ્ચિતતા ઊભી થઈ છે. આમ, જામનગરમાં રોડ બનાવવાની માંગને બદલે મંજૂર થયેલો રોડ ન બને તેવી વેપારીઓની રજૂઆતથી તંત્ર સામે એક અલગ જ સ્થિતિ સર્જાઈ છે. પરંતુ પગલે મહાનગરપાલિકાના શાસકોએ વેપારી સાથે બેઠક યોજવાની અને તેમની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે.