પ્રચલિત માન્યતા અનુસાર તમામ માસમાં પુરુષોત્તમ માસ ઉત્તમ છે. અને એ જ પ્રકારે તેમાં કરવામાં આવતા દાન-ધર્મ, પુણ્યકાર્ય પણ અત્યંત ઉત્તમ ફળ દેનારા મનાય છે. પણ, શું તમે એ જાણો છો કે આ અધિક માસમાં દાન કરતા પૂર્વે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે ? આવો આજે તે વિશે જ વિગતે માહિતી મેળવીએ.
ગુજરાતી પંચાંગ અનુસાર આજે 18 જુલાઈ, મંગળવારથી અધિક માસનો પ્રારંભ થઈ રહ્યો છે. આ અધિક માસને જ આપણે પુરુષોત્તમ માસ તરીકે ઓળખીએ છીએ. પુરુષોત્તમ માસ દર 3 વર્ષે એકવાર આવે છે. એમાં પણ આ વખતે પૂરાં 19 વર્ષે અધિક માસ એ “અધિક શ્રાવણ માસ” સ્વરૂપે આવ્યો છે. જેમાં દાન કર્મ કરવાનું સવિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.
પુરુષોત્તમ માસની વ્રત કથામાં ઉલ્લેખ છે તે અનુસાર જે લોકો પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પાવનકારી અધિક માસમાં દાન કે પુણ્યનું કાર્ય કરે છે, વિધિવત પૂજા કરી પુરુષોત્તમ ભગવાનની કથા માહાત્મ્ય સાંભળે છે, તેમને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. તેમના ઘરમાં સુખ, સંપત્તિનું આગમન થાય છે. જીવનમાંથી આધિ-વ્યાધિનો નાશ થાય છે. તેને જીવનમાં કોઈપણ વાતની ખોટ નથી રહેતી. અને અંત સમયે તેને યમ યાતના નથી ભોગવવી પડતી. શ્રીહરિના દૂત સ્વયં તેને વૈકુંઠ લોકમાં લઈ જાય છે.
પુરુષોત્તમ માસમાં વ્યક્તિ આમ તો તેની ઈચ્છા અનુસાર જરૂરિયાતમંદને દાન કરી શકે છે. પરંતુ, શાસ્ત્રમાં કેટલાંક ખાસ પ્રકારના દાન કરવાનું વિધાન છે.
અધિક માસમાં દીપદાનનો મહિમા છે. વાસ્તવમાં મંદિરોમાં કે ઘરના મંદિરમાં દીપનું પ્રાગટ્ય કરવું તેને જ દીપદાન કહેવામાં આવે છે. માન્યતા અનુસાર પુરુષોત્તમ માસમાં દીપદાન કરવાથી જાતકના જીવનમાંથી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે. તેમજ જીવનમાં શુભત્વનું આગમન થાય છે.
પુરુષોત્તમ માસમાં જળથી ભરેલાં ઘડાનું દાન કરવાનો પણ સવિશેષ મહિમા છે. કહે છે કે આ પ્રકારે ઘટ દાન કરવાથી તેમજ પુરુષોત્તમ માહાત્મ્યમાં ઉલ્લેખ છે તેમ કાંસાના પાત્રમાં માલપુઆ મુકીને તેનું દાન કરવાથી જાતકને ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે.
શ્રીહરિ વિષ્ણુને પીળો રંગ અત્યંત પ્રિય મનાય છે. અને પુરુષોત્તમ માસ તો પૂર્ણપણે તેમને જ સમર્પિત છે. માન્યતા અનુસાર આ માસમાં પીળા રંગના વસ્ત્ર સ્વયં પ્રભુને ધારણ કરવવા જોઈએ. સાથે જ પીળા વસ્ત્રનું દાન પણ કરવું જોઈએ. કહે છે કે તેનાથી નારાયણ અત્યંત પ્રસન્ન થાય છે. અને ઘરની સમૃદ્ધિમાં વધારો થાય છે.
⦁ પુરુષોત્તમ માસમાં બ્રાહ્મણોને દાન કરવાનું સવિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.
⦁ આપ જરૂરિયાતમંદને પણ દાન કરી શકો છો. પણ, યાદ રાખો કે દાન હંમેશા સુપાત્ર વ્યક્તિને જ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે.
⦁ દાન કરનાર વ્યક્તિએ પોતાના સામર્થ્ય અનુસાર જ દાન કર્મ કરવું જોઈએ. એટલે કે જેટલી તેની ક્ષમતા હોય તેટલું જ દાન આપવું જોઈએ.
⦁ દાન હંમેશા શ્રદ્ધાભાવથી હાથમાં જ આપવું જોઈએ. જમીન પર મૂકીને કે ફેંકીને ક્યારેય પણ કોઈને દાન ન આપવું જોઈએ.
⦁ દુઃખી મનથી કે દ્વેષભાવથી ક્યારેય પણ દાન ન કરવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)