હિન્દુ ધર્મમાં દરેક માસનું આગવું જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. અધિકમાસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે કારણ કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામે તેમને પોતાનું નામ આપ્યું હતું. આ મહિનામાં પૂજા પાઠ અને દાન-પુણ્ય કરવાથી અધિક ફળની પ્રાપ્તિ થાય છે અને જાતકને મોક્ષની ગતિ મળે છે. તો ચાલો જાણીએ અધિક માસ દરમ્યાન કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.
આજથી 18 જુલાઇ મંગળવારથી અધિકમાસની શરૂઆત થવા જઇ રહી છે અને 16 ઓગષ્ટ, બુધવારે તેની સમાપ્તિ થશે. અધિકમાસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે કારણ કે તેના સ્વામી સ્વયં ભગવાન શ્રીહરિ છે. પુરુષોત્તમ માસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ દર્શાવ્યું છે. આ માસમાં ભગવાન વિષ્ણુની આરાધના અને ભાગવત કથા શ્રવણ કરવાનું ખૂબ પુણ્યદાયક માનવામાં આવે છે. માન્યતા તો એવી છે કે આ મહિનામાં કરવામાં આવેલ ધાર્મિક કાર્યો અને પૂજા પાઠનું અધિક ફળ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિનાનું મહત્વ દર્શાવતા એમાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ સમય દરમ્યાન ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે કયા કાર્યો કરવા અને કયા કાર્યો ટાળવા જોઇએ, તેના વિષે માહિતી મેળવીએ.
⦁ ધર્મ કર્મના કાર્યો કરવા માટે અધિક માસને ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. આ માસમાં ભગવાન કૃષ્ણ અને નૃસિંહ ભગવાનની કથાઓ શ્રવણ કરવાનો મહિમા જણાવ્યો છે. દાન-પુણ્ય કર્મ કરવાનો મહિમા પણ જણાવ્યો છે. અધિકમાસમાં શ્રીમદ્ભગવદ્ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ, રામ કથા અને ગીતા અધ્યાય કરવો જોઇએ. સવાર-સાંજ ‘ૐ નમો ભગવતે વાસુદેવાય ’ મંત્રનો 108 વાર જાપ કરવો જોઇએ.
⦁ અધિકમાસમાં જપ-તપ કરવા સિવાય ભોજન કરવામાં પણ ધ્યાન રાખવું જોઇએ. આ સમગ્ર મહિના દરમ્યાન એક જ સમયે ભોજન ગ્રહણ કરવું જોઇએ. આ મહિનામાં ચોખા. જવ, તલ, કેળા, દૂધ, દહીં, જીરુ, સિંધવ મીઠું, કાકડી, ઘઉં, બથુઆ, વટાણા, પાન સોપારી, ફણસ, મેથીનું સેવન કરવાનું જણાવ્યું છે. આ માસમાં બ્રાહ્મણ, ગરીબ કે જરૂરિયાતમંદને ભોજન કરાવવું જોઇએ અને તેમને દાન પણ આપવું જોઇએ.
⦁ અધિકમાસમાં દીપદાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. સાથે જ આ માસમાં ધજાનું દાન પણ અવશ્ય કરવું જોઇએ. આ મહિનામાં દાન-પુણ્ય કરવું જોઇએ. સામાજીક અને ધાર્મિક કાર્ય, વૃક્ષારોપણ, સેવાકાર્ય કરવા જોઇએ.
⦁ અધિકમાસમાં લગ્ન કરવામાં નથી આવતા. પણ, લગ્ન સંબંધ નક્કી જરૂર કરી શકાય છે અને સગાઇ પણ કરી શકાય છે. એ જ રીતે આ મહિનામાં ગૃહ પ્રવેશ વર્જીત મનાય છે. પણ, જમીન મકાન ખરીદીના કરાર જરૂર કરી શકાય છે.
⦁ અધિકમાસમાં માંસાહાર, મધ, મસૂરની દાળ અને અડદની દાળ, મૂળા, લસણ, ડુંગળી, માદક પદાર્થ, વાસી ભોજન, રાઇનો ઉપયોગ ટાળવો જોઇએ.
⦁ આ મહિનામાં નામકરણ, શ્રાદ્ધ, તિલક, મુંડન, કર્ણછેદન, ગૃહપ્રવેશ, સંન્યાસ, યજ્ઞ. દીક્ષા લેવી, દેવ પ્રતિષ્ઠા કરવી, લગ્ન જેવા શુભ માંગલિક કાર્યો કરવાનું ટાળવું જોઇએ.
⦁ અધિકમાસમાં ઘર, મકાન, દુકાન, વાહન, વસ્ત્ર વગેરેની ખરીદી ટાળવી જોઇએ. જો કે શુભ મૂહુર્ત કઢાવીને આભૂષણની ખરીદી કરી શકાય છે.
⦁ અધિકમાસમાં શારિરીક અને માનસિક રૂપે કોઇપણ વ્યક્તિ કે જીવનું અહિત ન કરવું જોઇએ. આ માસમાં અપશબ્દ, ગુસ્સો, ખોટા કાર્ય, ચોરી, અસત્ય વચન, ગૃહકલેશ જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઇએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)