Navratri 2022 : નવરાત્રીના સંપૂર્ણ ફળની પ્રાપ્તિ કરાવશે મા સિદ્ધિદાત્રી ! અંતિમ નોરતે આ રીતે કરો માતાની ઉપાસના
જે મનુષ્ય આસ્થા સાથે માતા સિદ્ધિદાત્રીની (Maa Siddhidatri ) પૂજા કરીને મંત્રનું અનુષ્ઠાન કરે છે, તે સાધકને તમામ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. સાથે જ સાધકને સતાવતી કેતુ ગ્રહ સંબંધિત પીડાનું પણ માતા સિદ્ધિદાત્રી શમન કરી દે છે.
હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે આજે નવમું નોરતું પણ આવી પહોંચ્યું. નવરાત્રીનો (Navratri 2022) આ અંતિમ દિવસ અત્યંત મહત્વનો મનાય છે. કારણ કે, તે સાધકને તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવનારો મનાય છે. અને ભક્તોને આ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે મા નવદુર્ગાના (navdurga) સિદ્ધિદાત્રી સ્વરૂપની આરાધનાથી. કહે છે કે જે સાધક આસ્થા સાથે મા સિદ્ધિદાત્રીની (siddhidatri) સાધના કરી લે છે, તેને જીવનમાં તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ જાય છે. દેવી સિદ્ધિદાત્રી જ નવરાત્રીના પૂર્ણ ફળની પ્રાપ્તિ કરાવે છે. ત્યારે આવો જાણીએ, કે આજે કઈ રીતે પ્રાપ્ત કરીશું મા સિદ્ધિદાત્રીની પ્રસન્નતા.
નવમું નોરતું
આસો સુદ નોમ, તા-04 ઓક્ટોબર, મંગળવારના રોજ નવમું નોરતું છે. નવરાત્રીની પૂર્ણાહુતિ થઈ રહી હોઈ આજનો દિવસ અને રાત્રિ બંન્ને અત્યંત મહત્વની છે. આજે આદ્યશક્તિના સિદ્ધિદાત્રી સ્વરૂપનું સ્મરણ કરી તેમની પૂજાનો સંકલ્પ લેવો.
સિદ્ધિદાત્રી માહાત્મ્ય
શ્રીમદ્ દેવી ભાગવત અનુસાર બ્રહ્માંડના પ્રારંભકાળે શિવજીએ સ્વયં આદિ-પરાશક્તિની ઉપાસના કરી હતી અને મા સિદ્ધિદાત્રીની કૃપાથી જ તમામ સિદ્ધિઓની પ્રાપ્તિ કરી હતી. એમ માનવામાં આવે છે કે આદિ-પરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતા. આથી તેમણે શિવજીનાં અર્ધા દેહમાંથી ‘સિદ્ધિદાત્રી’ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું. આમ શિવના ‘અર્ધનારીશ્વર’ સ્વરૂપમાં અડધો દેહ એ દેવી સિદ્ધિદાત્રીનો દર્શાવાય છે. દેવી સિદ્ધિદાત્રીની ઉપાસના મનુષ્ય ઉપરાંત દેવ, ગંધર્વ, યક્ષ, અસુર અને સિદ્ધ પણ કરે છે.
પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે સિદ્ધિદાત્રી એ નવદુર્ગાનું નવમું સ્વરૂપ છે. દેવીને ચાર ભુજાઓ છે. તેમણે એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધારણ કરેલું છે. તેમના ત્રીજા હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ છે. દેવીનું વાહન સિંહ છે. પણ મહદાંશે તેઓને કમળ પર બિરાજમાન દર્શાવાય છે. નવરાત્રીના નવમા દિવસે નવદુર્ગાનાં આ જ સ્વરૂપનું પૂજન અર્ચન કરવામાં આવે છે. દેવી સિદ્ધિદાત્રી કેતૂ (ગ્રહ)નું સંચાલન કરે છે.
માતા સિદ્ધિદાત્રીની પૂજન વિધિ
⦁ માતા સિદ્ઘિદાત્રીના પૂજન સમયે દેવીને જાસૂદના પુષ્પ કે તેની માળા અર્પણ કરવી જોઇએ.
⦁ આજના દિવસે માતાજીને પ્રસાદમાં પૂરી, ખીર, ચણાનો પૂર્ણ થાળ અર્પણ કરવો જોઇએ.
⦁ જો સંપૂર્ણ થાળ શક્ય ન હોય તો આજે માતાજીને માત્ર ખીર અને તલની મીઠાઇ પણ ધરાવી શકાય છે.
⦁ માતાજીને ફળ પ્રસાદ રૂપે આજે સંતરા અર્પણ કરવા.
⦁ દેવીની વિશેષ કૃપાની પ્રાપ્તિ અર્થે સાધકે આજે ગુલાબી રંગના વસ્ત્ર ધારણ કરવા. આ રંગના વસ્ત્ર ધારણ કરવાથી સાધકના પ્રેમ અને સદ્ભાવમાં વૃદ્ધિ થાય છે.
ફળદાયી મંત્ર
| ૐ એં હ્રીં ક્લીં સિદ્ધિદાત્ર્યૈ નમ : ||
માતા સિદ્ધિદાત્રીની કૃપાને પ્રાપ્ત કરવા સાધકે આ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો જોઈએ.
ફળપ્રાપ્તિ
એવી માન્યતા છે કે જે મનુષ્ય આસ્થા સાથે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરીને મંત્રનું અનુષ્ઠાન કરે છે તે સાધકને તમામ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. સાથે જ સાધકને સતાવતી કેતુ ગ્રહ સંબંધિત પીડાનું પણ શમન કરે છે માતા સિદ્ધિદાત્રી.
(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)