ઈશ્વરની પ્રદક્ષિણા (PRADAKSHINA) કરવાના તો અનેક ફાયદા છે. આપણે આપણા ઈષ્ટદેવની કૃપાને પ્રાપ્ત કરવાં કેટલાયે અલગ અલગ ઉપાયો અથવા પૂજા વિધાન કરતાં હોઈએ છીએ. જેમ કે, આપના આરાધ્યની પસંદનું ફૂલ ચઢાવવું, હાર અર્પણ કરવો, દીવો પ્રગટાવી આરતી કરવી કે પછી ગમતાં નેવૈદ્ય અર્પણ કરવાં કે પછી વસ્ત્ર વગેરે વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે.
જો કે આપણે ત્યાં તો આ બધાની સાથે જ પૂજા કરતી વખતે ભગવાનની પરિક્રમા કરવાની પણ પરંપરા છે. એવી માન્યતા છે કે મંદિરમાં સ્થાપિત દેવી દેવતાની મૂર્તિની પરિક્રમા કરવાથી પુણ્ય વધે છે. પરિક્રમા કરવી એ પૂજનનું વિશેષ અંગ છે.
શાસ્ત્રોમાં કહેવાયું છે કે પરિક્રમા કરવાથી પાપ નષ્ટ થાય છે. જ્યારે જ્યારે જીવનમાં દુઃખ અને પરેશાનીઓ વધી જાય છે ત્યારે ત્યારે આપણે ઈશ્વરની શરણમાં પહોંચીએ છીએ. જ્યારે પણ આપણે કોઈ મંદિરમાં જઈએ છીએ ત્યારે મંદિરની પરિક્રમા પણ કરીએ છીએ. પણ શું તમે જાણો છો કે દરેક દેવી દેવતાની પ્રદક્ષિણાની સંખ્યા અલગ અલગ હોય છે ?
જી હાં, આજે અમે તમને જણાવીએ કે કયા દેવી દેવતાની કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ. કારણકે જો પ્રદક્ષિણાની પદ્ધતિ સાચી હશે અને સંખ્યા સાચી હશે તો આપ આપના ઈષ્ટદેવને અવશ્ય પ્રસન્ન કરી શકશો.
આવો સૌથી પહેલાં આપને જણાવીએ કે કયા દેવી-દેવતાની કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ.
સૂર્યદેવની સાત પ્રદક્ષિણા કરવી જોઇએ.
શ્રીગણેશની ચાર પ્રદક્ષિણા કરવી જોઇએ.
શ્રીવિષ્ણુ અને તેમના બધા અવતારોની પાંચ પ્રદક્ષિણા કરવી જોઇએ.
માતા દુર્ગાની એક પ્રદક્ષિણા કરવી જોઇએ.
શ્રી રામ ભક્ત હનુમાનજીની ત્રણ પ્રદક્ષિણા કરવી જોઇએ.
શિવલિંગની અડધી પરિક્રમા કરવી જોઈએ.
ભગવાન શિવની ક્યારેય આખી પરિક્રમા થતી નથી અને શિવ સિવાય અન્ય કોઈ દેવી દેવતાની અડધી પરિક્રમા થતી નથી. શિવલિંગની પરિક્રમા અંગે એવી માન્યતા છે કે જળધારીને ઓળંગવી ન જોઈએ, શિવલિંગની પરિક્રમામાં જળાધારી સુધી પહોંચીને જ પરિક્રમાને પૂર્ણ માની લેવામાં આવે છે એટલે શિવલિંગની અડધી પરિક્રમા જ કરવી જોઈએ.
પરિક્રમા કરવાના લાભ
શાસ્ત્રો અનુસાર પ્રદક્ષિણાથી વ્યક્તિના બધા જ પાપનો નાશ થઈ જાય છે. વળી, વિજ્ઞાન કહે છે કે મંદિરમાં પરિક્રમા કરવાથી શારીરિક ઊર્જાનો વિકાસ થાય છે. આ પરિક્રમા વ્યક્તિની અંદર એક પોઝિટિવ ઊર્જાનો સંચાર કરે છે. તેનાથી વ્યક્તિ ઊર્જાવાન અને સકારાત્મકતાનો અનુભવ કરો છો.
પરિક્રમા કરવાની પદ્ધતિ
જ્યારે પણ તમે ભગવાનની મૂર્તિ અથવા મંદિરની પરિક્રમા કરો છો તો તેની શરૂઆત જમણી બાજુથી જ કરવી. તેનું કારણ છે કે આ મૂર્તિઓમાં ઉપસ્થિત પોઝિટિવ એનર્જી ઉત્તરથી દક્ષિણ તરફ પ્રવાહિત થતી હોય છે. એટલા માટે જો તમે ડાબી બાજુથી પરિક્રમા કરો છો તો આ પોઝિટિવ એનર્જીનો તમારા શરીર સાથે ટકરાવ થાય છે. જેના લીધે આપણે પરિક્રમાના લાભથી વંચિત રહી જઈએ છીએ.
તમને જણાવી દઈએ કે જમણી બાજુનો એક મતલબ દક્ષિણ પણ હોય છે. એ જ કારણ છે કે પરિક્રમાને પ્રદક્ષિણા પણ કહેવામાં આવે છે.
યાદ રહે, જ્યારે પણ તમે પરિક્રમા કરો છો તો આ મંત્રનો જાપ અવશ્ય કરો.
|| યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ તાનિ સવાર્ણિ નશ્યન્તુ પ્રદક્ષિણે પદે-પદે ।।
આ મંત્રનો સરળ અર્થ એ છે કે જાણતાં-અજાણતાં થયેલાં અને પૂર્વજન્મોના પણ બધા પાપ પ્રદક્ષિણાની સાથે-સાથે નષ્ટ થઈ જાય. પરમેશ્વર મને સદબુદ્ધિ પ્રદાન કરે.
આ પણ વાંચો : સિંદૂર ભરશે પતિ-પત્નીના જીવનમાં પ્રેમરંગ ! જો, ધ્યાનમાં રાખશો આ નાની વાત