Bhakti : સિંદૂર ભરશે પતિ-પત્નીના જીવનમાં પ્રેમરંગ ! જો, ધ્યાનમાં રાખશો આ નાની વાત
સૌભાગ્યવતી સ્ત્રીએ સેંથામાં સિંદૂર દેખાય તેવી રીતે લગાવવું જોઈએ. કહે છે કે સિંદૂર સંતાડવાથી પતિના માન-સન્માનમાં ઘટાડો થાય છે. એટલે, એવું ભૂલથી પણ ન કરવું. દરરોજ સિંદૂર લગાવવાથી પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ સંબંધ પણ વધે છે.
સૌભાગ્યવતી સ્ત્રીના સેંથામાં સિંદૂર (Sindoor) હોય તેવી અપેક્ષા વડીલો હંમેશા જ રાખતા હોય છે. ખાસ કરીને ઘરની વડીલ સ્ત્રી નવી આવેલી વહુના માથામાં સિંદૂર ન જુએ તો તરત તેને ટોકીને માંગ ભરી આવવાનું કહે છે. જોકે હવેના સમયે સ્ત્રીઓ ભાગ્યે જ સેંથો પૂરતી હોય છે. પણ પહેલાના સમયમાં તો સ્ત્રીઓના માથેથી સિંદૂર ક્યારેય ભૂંસાતુ નહોતું. પહેલા પરિણીત સ્ત્રીઓના શણગારમાં પહેલો ક્રમાંક સિંદૂરનો જ રહેતો, કારણ કે, હિન્દુ ધર્મમાં સિંદૂરને ભાગ્યનું પ્રતિક માનવામાં આવ્યું છે.
પરણેલી મહિલાઓ માટે સિંદૂર ખૂબ જ મહત્વના શણગારમાંનું એક છે. સિંદૂરને અખંડ સૌભાગ્યવતી હોવાની નિશાની માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે સેંથામાં સિંદૂર ભરવાથી પતિનું આયુષ્ય વધે છે અને સ્ત્રીના સૌભાગ્યમાં વૃદ્ધિ ખાય છે.
પુરાણોની કથા અનુસાર જોઇએ તો સિંદૂરના લાલ રંગથી માતા સતી અને માતા પાર્વતીની ઊર્જાને અભિવ્યક્ત કરવામાં આવી છે. એમ પણ કહે છે કે સિંદૂર લગાવવાથી માતા પાર્વતી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપે છે. પણ, ઘણી ઓછી મહિલાઓને એ વાતનો ખ્યાલ હશે કે સિંદૂર લગાવવાની શાસ્ત્રોક્ત વિધિ અને મહત્તા શું છે. આવો, આજે તે જ વિશે કરીએ વાત.
કેવી રીતે લગાવવું જોઈએ સિંદૂર? જો તમે લગ્ન કરેલા હોય તો સિંદૂર લગાવતા સમયે માતા પાર્વતીનું ધ્યાન અવશ્ય કરવું જોઈએ. તેનું કારણ એ છે કે માતા પાર્વતી જ સિંદૂરના માધ્યમથી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રદાન કરે છે.
સેંથામાં સિંદૂરને સંતાડવું નહીં આજની ફેશનેબલ મહિલાઓ પોતાના સિંદૂરને સેંથામાં છુપાવે છે. પરંતુ, તેવું ભૂલથી પણ ન કરવું જોઈએ. એક પરિણીત સ્ત્રીએ સેંથામાં સિંદૂર સંતાડવું તે સારી આદત નથી. માન્યતા અનુસાર તેની ખરાબ અસર પતિ પર પડી શકે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સૌભાગ્યવતી સ્ત્રીએ સેંથામાં સિંદૂર દેખાય તેવી રીતે લગાવવું જોઈએ. કહે છે કે સિંદૂર સંતાડવાથી પતિના માન-સન્માનમાં ઘટાડો થાય છે. એટલે, એવું ભૂલથી પણ ન કરવું.
સેંથો ભરીને સિંદૂર હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર, જે મહિલાઓ સેંથામાં સિંદૂર લગાવે છે, તેમના પતિનાં માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે. એટલું જ નહીં પતિને દરેક જગ્યાએ ઈજ્જત મળે છે. લગ્ન કરેલી મહિલાઓએ સેંથા ઉપર ક્યારેય ટૂંકું સિંદૂર ન લગાવવું. સેંથો જેટલો ભરેલો હશે એટલી જ પતિની પ્રગતિ પણ વધારે હશે.
નાકની સીધી લાઈનમાં લગાવવું સિંદૂર સૌભાગ્યવતી સ્ત્રીઓએ નાકની સીધી લાઈનમાં સિંદૂર લગાવવું જોઈએ. આડુ-અવળુ સિંદૂર લગાવવાથી પતિ સાથેના સંબંધો ખરાબ થાય છે અને પતિના ભાગ્યમાં ખોટ આવે છે. જો કોઈ લગ્ન કરેલી મહિલા આડુ અવળુ સિંદૂર લગાવે છે, તો તેના પતિ હંમેશા કોઈને કોઈ સમસ્યામાં રહે છે. જો તમે તમારા પતિનું સારું ઈચ્છતા હોવ તો એક સીધી લાઈનમાં સિંદૂર લગાવો.
દરરોજ લગાવો સિંદૂર બહાર કામ કરતી મહિલાઓ તેમના કામકાજમાં વ્યસ્ત હોવાના કારણે ઘણી વખત સિંદૂર નથી લગાવી શકતી. પરંતુ, પ્રયત્ન કરવો કે તમે દરરોજ સિંદૂર લગાવો. કારણ કે, આવું કરવાથી પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ સંબંધ પણ વધે છે.
સ્નાન કર્યા વગર સિંદૂર ન લગાવો મહિલાઓએ હંમેશા આ વાતનું ધ્યાન રાખવું કે ક્યારેય પણ સિંદૂર સ્નાન કર્યા વગર લગાવવું જોઈએ નહીં. ઉપરાંત પોતાનું સિંદૂર કોઈ બીજી મહિલાને આપવું જોઈએ નહીં. માન્યતા અનુસાર આવું કરવાથી પતિનો પ્રેમ વહેંચાઈ જાય છે.
નીચે પડેલું સિંદૂર ન લગાવો ઘણી વખત સિંદૂર લગાવતા સમયે હાથમાંથી નીચે પડી જાય છે, જમીન પર ઢોળાઈ જાય છે. ત્યારે, ઘણી મહિલાઓ તે સિંદૂરને ફરીથી ડબ્બીમાં ભરી દે છે અને પછી તેને લગાવે છે. પરંતુ તેવું કરવું જોઈએ નહીં. હિન્દુ શાસ્ત્રો અનુસાર નીચે પડેલું સિંદૂર લગાવવું અપશુકન માનવામાં આવે છે. જો સિંદૂર નીચે પડી જાય તો તે અપવિત્ર થઈ જાય છે અને તેનાથી સેંથો ભરવો જોઇએ નહીં.
ક્યારેક પતિના હાથથી સિંદૂર લગાવો લગ્ન કરેલી મહિલાઓએ પ્રયત્ન કરવો જોઈએ કે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત પોતાના પતિના હાથે સિંદૂર લગાવે. કારણ કે, તમે સિંદૂર પોતાના પતિ માટે જ લગાવો છો. સામાન્ય રીતે પતિ માત્ર લગ્નના દિવસે જ પત્નીનો સેંથો ભરે છે અને લગ્ન પછી મહિલાઓ પોતાના હાથથી સિંદૂર લગાવે છે. શાસ્ત્રો અનુસાર ક્યારેક-ક્યારેક પતિનાં હાથે સિંદૂર લગાવવું જોઈએ. તે પતિ-પત્ની બંન્ને માટે લાભદાયી બની રહેશે.
તો, હવે જ્યારે મહિલાઓ સેંથામાં સિંદૂર પૂરે તો આ નાની-નાની વાતોને ધ્યાનમાં રાખે. જેથી પતિને માન, પ્રગતિ મળે અને સાથે જ મહિલાઓને મા પાર્વતી અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રદાન કરે.
આ પણ વાંચો : મંદિરમાં જવાના તો છે અનેક ફાયદા, કોઈ ભાગ્યે જ હશે તેનાથી માહિતગાર !