વિધ-વિધ પ્રકારના તિલકની (tilak) આગવી જ મહત્તા છે. ત્યારે ભાઈબીજના (Bhai Beej) રોજ બહેન દ્વારા ભાઈને કરવામાં આવતું તિલક પણ એક આગવું જ મહત્વ ધરાવે છે. એમાં પણ ખાસ વિધિથી તૈયાર કરવામાં આવેલું તિલક ભાઈની પ્રગતિમાં મદદરૂપ બને છે. ત્યારે આજે આ જ તિલક તૈયાર કરવાની વિધિ પર વાત કરવી છે.
ગુજરાતી પંચાગ અનુસાર કારતક સુદ બીજની તિથિ યમદ્વિતીયા તરીકે ઓળખાય છે. પ્રચલિત કથા અનુસાર બહેન યમુનાની વારંવારની વિનંતી બાદ યમરાજ આ જ દિવસે યમુનાજીના ઘરે ગયા હતા. જ્યાં યમુનાજીએ તેમની ભાવભરી આગતા-સ્વાગતા કરી. યમુનાજીએ યમદેવને તિલક કરી ભોજન કરાવ્યું. બહેનના ભાવથી પ્રસન્ન થઈ યમરાજે વરદાન આપતા કહ્યું કે જે ભાઈ આ દિવસે તેની બહેનના ઘરે જઈ ભોજન કરશે, તેને ક્યારેય યમ યાતના સહન નહીં કરવી પડે. એ જ કારણ છે કે આ દિવસે ભાઈઓ તેમની બહેનોના ઘરે જઈ ભોજન કરે છે. અને બહેનને ભેટ આપે છે. અલબત્, આ વિધિમાં સવિશેષ મહત્વ તો બહેન દ્વારા ભાઈને કરવામાં આવતી તિલક વિધિનું છે.
બહેનો તેમના ભાઈને ભાવથી જ તિલક કરતી હોય છે. પણ, કહે છે કે જો ખાસ વિધિ સાથે તૈયાર કરવામાં આવેલું તિલક ભાઈને કરવામાં આવે તો, ભાઈના જીવનમાં આવનારા વિઘ્ન દૂર થઈ જાય છે. અને પ્રગતિના તમામ દ્વાર ખૂલી જાય છે ! આવો આપણે પણ તે ખાસ તિલક તૈયાર કરવાની વિધિ જાણીએ.
તિલક બનાવવાની વિધિ
1. તિલક તૈયાર કરવા માટે ચાંદીની કે પિત્તળની વાટકી લો.
2. વાટકીમાં કેસરના 27 જેટલાં તાંતણા નાંખો.
3. કેસરમાં શુદ્ધ લાલ ચંદન અને ગંગાજળ ઉમેરો.
4. ત્યારબાદ તિલકને ઘરમાં પૂજાના સ્થાન પર શ્રીવિષ્ણુના ચરણોમાં મૂકો.
5. 27 વખત “ૐ નમો નારાયણ” મંત્રનો જાપ કરો.
6. આ તિલકથી સર્વ પ્રથમ ગણેશજીને અને વિષ્ણુજીને તિલક કરવું.
7. ભાઈનું મુખ પૂર્વ દિશામાં રહે તે રીતે તેને બેસાડીને બહેને તિલક કરવું.
8. બંન્નેવે એકબીજાને મીઠાઈ ખવડાવી પરસ્પરના કલ્યાણની કામના કરવી.
9. માન્યતા અનુસાર આ વિધિથી સર્વોત્તમ કૃપાની પ્રાપ્તિ થશે. તેમજ ભાઈની સઘળી કામનાઓની પૂર્તિ થશે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ જાણો, શા માટે મનાવવામાં આવે છે ભાઈ બીજ ? ક્યારે છે શુભ મુહૂર્ત ?
આ પણ વાંચોઃ તુલસીના છોડ પાસે ક્યારેય ન કરતા આ ભૂલ, નહીંતર મુસીબતનો કરવો પડશે સામનો !