ભાવનગરમાં વરસાદ બાદ આવ્યુ પૂર, રંધોળી અને કાળુંભાર નદી ગાંડીતૂર બની, પાળીયાદ અને દેવળીયા ગામ સંપર્ક વિહોણા
ભાવનગરમાં (Bhavnagar) ભારે વરસાદને કારણે કેટલાક ગામ સંપર્ક વિહોણા બન્યાં છે. ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદને (Rain) કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે.
ગુજરાતમાં વરસાદી (Monsoon 2022) માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પ્રમાણે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. 24 કલાક દરમિયાન મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ (Rain) નોંધાયો છે. ગુજરાતમાં 8 ઓગસ્ટ સવારે 6થી 9 ઓગસ્ટ સવારે 6 કલાક સુધી 24 કલાકમાં રાજ્યના 100 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ 50 તાલુકામાં એક ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં નદી-નાળા છલકાયા છે. ભાવનગર જિલ્લામાં પણ વરસાદ બાદ લોકોને હાલાકી પડી રહી છે. ભાવનગરમાં વરસાદ બાદ કેટલાક ગામ સંપર્ક વિહોણા બન્યા છે.
નદીઓના પાણી ભાલ પંથકમાં ઘૂસી ગયા
ભાવનગરમાં ભારે વરસાદને કારણે કેટલાક ગામ સંપર્ક વિહોણા બન્યાં છે. ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. રંધોળી અને કાળુંભાર નદી ગાંડીતૂર બની છે. ભારે વરસાદ બાદ નદીઓના પાણી ભાલ પંથકમાં ઘૂસી ગયા છે. નદીઓના પાણી ગામ નજીક આવેલા કોઝવે પરથી વહી રહ્યાં છે. ભાવનગર-અમદાવાદ વાયા વલ્લભીપુરના રોડ પર પાણી ભરાતા રોડ બંધ કરાયો છે. જેને લઇ ભાલ પથકનું પાળીયાદ અને દેવળીયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. બે ગામનો સંપર્ક તૂટી જતા ગ્રામજનો ફરી મુશ્કેલીમાં મુકાયા છે. એટલું જ નહીં ગામમાં ઇમરજન્સી સેવાઓ પણ ઠપ થઇ છે. લોકો તંત્રના મદદની રાહ જોઇ રહ્યાં છે. દરવર્ષે ચોમાસામાં નદીઓના પાણી ભાલ પંથકમાં ઘૂસી જાય છે અને આ જ સ્થિતિનું નિર્માણ થતુ હોય છે.
ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
મહત્વનું છે કે હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી 3 દિવસ ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે. વલસાડ, દમણ, જૂનાગઢ અને ગીરસોમનાથમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ શહેરમાં પણ 3 દિવસ ભારે વરસાદ પડવાનું અનુમાન છે. આજથી 3 દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરત, ડાંગ, નવસારી, તાપી, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, અમદાવાદ, આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ વરસી શકે છે.