Gujarat : આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, રાજ્યમાં મોસમનો સરેરાશ 311.82 મી.મી. વરસાદ નોંધાયો
આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં મોસમનો સરેરાશ 311.82 મી.મી. વરસાદ નોંધાયો છે.
Gujarat : આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં મોસમનો સરેરાશ 311.82 મી.મી. વરસાદ નોંધાયો છે. એવામાં વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી. જેમાં રાહત કમિશનરે જણાવ્યું હતું કે, રાજયમાં પાછલા ત્રીસ વર્ષની સરખામણીએ 37.12 ટકા જ વરસાદ વરસ્યો છે.
તો કૃષિ વિભાગના અધિકારીએ કહ્યું હતુ કે શરૂ વર્ષે અંદાજીત 78.83 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 92.15 ટકા છે. ત્યારે સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, સરદાર સરોવરમાં હાલ 45.48 ટકા પાણી છે. અને, રાજયના 206 જળાશયોમાં કુલ 47.63 ટકા જ પાણી છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર 8 જળાશય, એલર્ટ ૫ર 7 જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર-10 જળાશયો છે.ત્યારે ચોમાસા અંગે તમામ ૫રિસ્થિતિઓને ૫હોંચી વળવા અઘિકારીઓ સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું તંત્રએ જણાવ્યું છે.
અહીં નોંધનીય છેકે ગુજરાતમાં વરસાદ ખેંચાઈ રહ્યો છે. આવા સમયે ખેડૂતો માટે આ કપરો સમય છે. ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે. આ સ્થિતિમાં ખેડૂતો સરકાર સામે સિંચાઈના પાણીની માગ કરી રહ્યા હતા. જો કે હવે સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. રાજ્યના 39 જળાશયોમાંથી 9.5 લાખ એકર જમીનને સિંચાઈનું પાણી આપવાનો સરકારે નિર્ણય લીધો છે. એટલે કે રાજ્યમાં કુલ પાંચ લાખ હેક્ટર જમીનને સિંચાઇના પાણીનો લાભ મળશે.
આ તરફ ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સહિત ખેડૂતોએ સરકારની આ ખેડૂતલક્ષી વિચારધારાનું સ્વાગત કર્યું છે. પણ સાથે સાથે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આશીર્વાદ સમાન કલ્પસરની યોજનાને વહેલીતકે પૂર્ણ કરવામાં આવે તેવી માગ કરી છે.