દેવભૂમિ દ્વારકામાં સતત ચાર દિવસથી ગેરકાયદે દબાણો પર ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન અનેક ધાર્મિક બાંધકામ, રહેણાંક અને કોમર્શિયલ બાંધકામોને ધ્વસ્ત કરવામાં આવ્યા છે. આ ડિમોલિશન કામગીરી શરૂ કરતા પહેલા એક મહિના અગાઉ નોટિસ આપવામાં આવી હતી. જે બાદ તંત્ર દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે ગેરકાયદે કરાયેલા દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે. દ્વારકા SDMની અધ્યક્ષતામાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાલાપર વિસ્તારમાં ગેરકાયદે મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.
છેલ્લા ત્રણ દિવસમાં બાલાપરમાં 260 જેટલાં મકાન તોડવામાં આવ્યા છે. આ સાથે ગેરકાયદેસર ઊભા કરવામાં આવેલાં બાંધકામ દૂર કરી 60800 ચોરસ મીટર સરકારી જમીન ખાલી કરવામાં આવી છે. ત્રણ દિવસની અંદર આશરે 30 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.
આ દબાણ હટાવ કામગીરી દરમિયાન ઓખા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા ધાર્મિક માળખાને પણ તોડી પાડવામાં આવ્યા છે. ઓખા વિસ્તારમાં સરકારી જગ્યા પર બનાવવામાં આવેલી હજર પંજપીર દરગાહ તોડી પાડવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આ ગેરકાયદેસર ધાર્મિક માળખાને તોડતા પહેલાં તંત્ર દ્વારા ત્રણવાર નોટિસ આપવામાં આવી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:04 pm, Tue, 14 January 25