12 jyotirlinga: મમલેશ્વર શિવલિંગના દર્શન બાદ જ મળશે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શનનું ફળ ! જાણો શું છે રહસ્ય ?
દંતકથા અનુસાર ઓમકારેશ્વરના દર્શનની યાત્રા ત્યાં સુધી પરિપૂર્ણ નથી થતી કે, જ્યાં સુધી ભક્તો મમલેશ્વરના દર્શન ન કરી લે. કારણ કે, ઓમકારેશ્વરને શિવજીની આત્મા મનાય છે, તો મમલેશ્વરને તેમનું શરીર !
ઓમકાર (omkar) એટલે તો એ નાદ જે સમસ્ત સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ મનાય છે. આ એ જ નાદ છે કે જેની અંદર પ્રલયકાળમાં સૃષ્ટિ વિલિન થઈ જાય છે. ‘ૐ’નો નાદ તો બ્રહ્માંડના કણ-કણમાં વ્યાપ્ત છે. પણ, ધરતી પર ઓમકારનું સાક્ષાત નિવાસ્થાન જો કોઈ મનાતું હોય, તો તે છે ઓમકારેશ્વરની (omkareshwar) દિવ્ય ભૂમિ.
ભારતનું હૃદયસ્થાન મનાતા મધ્યપ્રદેશમાં નર્મદા અને કાવેરી નદીના સંગમસ્થાન પર એક પવિત્ર ટાપુ આવેલો છે. આ ટાપુનો આકાર જ ‘ૐ’ સ્વરૂપ છે, અને આ ઓમકાર રૂપ ટાપુ પર જ ‘ઓમકારેશ્વર’ જ્યોતિર્લિંગ સ્વરૂપે ભક્તોને દર્શન આપી રહ્યા છે દેવાધિદેવ મહાદેવ. શ્રદ્ધાળુઓ અહીં જળમાર્ગે નર્મદાના નીરને નિહાળતા અને અદભુત પ્રાકૃતિક સૌંદર્યને માણતા ઓમકારેશ્વરના સ્થાનકે દર્શનાર્થે પહોંચે છે.
અહીં મંદિરના ગર્ભગૃહમાં ભક્તોને મહેશ્વરના અત્યંત દિવ્ય રૂપના દર્શન થાય છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં ઓમકારેશ્વરનું સ્થાન ચોથું છે. શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના અઢારમાં અધ્યાયમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથા વર્ણીત છે. કહે છે કે, એકવાર નારદમુનિ ગિરિરાજ વિંધ્ય પર આવ્યા. વિંધ્યાચળે ખૂબ જ આદર સાથે નારદજીનું પૂજન કર્યું. અને સાથે જ મનમાં એવો ભાવ લાવ્યા કે, “મારે ત્યાં સર્વ કાંઈ છે. કોઈ પણ વાતની કમી નથી.”
અહંકારનાશક નારદમુની વિંધ્યાચળના અભિમાનને પામી ગયા. અને એટલે જ તે બોલ્યા કે, “હે વિંધ્યાચળ ! તમારે ત્યાં બધું જ છે. તો પણ, મેરુ પર્વત તમારાથી બહુ ઊંચો છે. તેના શિખરનો ભાગ તો દેવતાઓના લોક સુધી પહોંચેલો છે. જ્યારે તમારા શિખરનો ભાગ તો ક્યારેય ત્યાં સુધી પહોંચી શકે તેમ જ નથી.”
નારદમુનિ તો બોલીને ચાલ્યા ગયા. પરંતુ, વિંધ્યાચળને તેમનું જીવન વ્યર્થ લાગવા માંડ્યું. આખરે, તેમણે વિશ્વનાથ ભગવાન શંભુનું શરણું લીધું. હાલ જ્યાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સ્થિત છે, તે જ પાવની ભૂમિ પર વિંધ્યાચળે અખંડ તપસ્યા કરી. જેનાથી પ્રસન્ન થઈ સાક્ષાત મહેશ્વર તે ભૂમિ પર પ્રગટ થયા. મહાદેવે વિંધ્યાચળને માનસિક પરિતાપથી મુક્તિ અપાવી. અને પછી આ પાવની ભૂમિ પર જ સ્થિર થઈ ગયા. દેવાધિદેવ ઓમકારની ભૂમિ પર પ્રગટ થયા હોઈ, તે ‘ઓમકારેશ્વર’ના નામે પ્રસિદ્ધ થયા.
સ્કંદપુરાણાનુસાર જોઈએ તો સૂર્યવંશી રાજા માંધાતાએ ઓમકાર પર્વત પર તપ કર્યું હતું. અને તેમના તપથી પ્રસન્ન થઈ મહાદેવ અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે વિદ્યમાન થયા છે. જેને લીધે જ ઓમકાર પર્વત એ માંધાતા પર્વત તરીકે પણ ઓળખાય છે.
ઓમકારેશ્વર ધામમાં જેટલો મહિમા ‘ઓમકારેશ્વર’ના દર્શનનો છે. તેટલો જ મહિમા ‘મમલેશ્વર’ના દર્શનનો છે. દંતકથા અનુસાર ઓમકારેશ્વરના દર્શનની યાત્રા ત્યાં સુધી પરિપૂર્ણ નથી થતી કે જ્યાં સુધી ભક્તો મમલેશ્વરના દર્શન ન કરી લે. કારણ કે, ઓમકારેશ્વરને શિવજીની આત્મા મનાય છે, તો મમલેશ્વરને તેમનું શરીર ! શિવરાપુરાણની કોટિરુદ્રસંહિતાના અઢારમાં અધ્યાયમાં ઉલ્લેખ અનુસાર તો ઓમકારેશ્વર અને મમલેશ્વર એ વાસ્તવમાં એક જ શિવલિંગમાંથી વિભક્ત થયેલાં બે શિવલિંગ છે !
કહે છે કે દેવતાઓની પ્રાર્થનાને વશ થઈ મહાદેવે આ ભૂમિ પર બે સ્વરૂપ ધારણ કર્યા હતા. જેમાંથી મુખ્ય ઓમકાર નામથી પ્રસિદ્ધ થયું, જ્યારે બીજું પરમેશ્વર, અમલેશ્વર તેમજ મમલેશ્વર જેવાં નામથી ખ્યાત થયું. એ જ કારણ છે કે અહીં આ બંન્ને શિવલિંગના દર્શન બાદ જ જ્યોતિર્લિંગ દર્શનની યાત્રાના પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે.
આ પણ વાંચો:‘મહાકાલ’ને શા માટે કહેવાય છે પૃથ્વીલોકના સ્વામી ? જાણો, ઉજ્જૈનીના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની મહત્તા