દુનિયા હવે ડિજિટલ થઈ રહી છે અને લોકોના ઘણા બધા કામ ઓનલાઈન થઈ રહ્યા છે, પરંતુ તેના સાથે સાયબર ક્રાઈમના (Cyber Crime) કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. છેતરપિંડી કરનારા લોકો અલગ-અલગ પદ્ધતિઓથી લોકો સાથે ફ્રોડ કરી રહી છે. આજે આપણે જાણીશું કે QR Code દ્વારા (QR Code Fraud) કેવી રીતે છેતરપિંડી થઈ રહી છે. આ ઉપરાંત આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
હાલમાં QR કોડ સંબંધિત ફ્રોડના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. લોકો જ્યારે કોઈ વસ્તુનું વેચાણ કરે છે ત્યારે તેને પેમેન્ટ સ્વિકારવાનું હોય છે. ત્યારે રૂપિયાની ચુકવણી કરવા દરમિયાન સ્કેમર્સ આવા લોકોને એક QR કોડ મોકલે છે અને તેને સ્કેન કરવાનું કહે છે. તેઓ એવું કહે છે કે તેનાથી તમને તમારા રૂપિયા મળી જશે. ત્યારબાદ જ્યારે આ QR કોડ સ્કેન કરવામાં આવે ત્યારે બેંક ખાતામાંથી રૂપિયા ડેબિટ થઈ જાય છે.
QR કોડથી ફ્રોડ કરવાની આ નવી પદ્ધતિ દ્વારા લોકો સાથે છેતરપિંડીના આ પ્રકારના ઘણા કિસ્સાઓ બની રહ્યા છે. UPI પેમેન્ટ દ્વારા ટ્રાન્ઝેક્શન કરવું ખૂબ જ સરળ બની ગયું છે. લોકો રોજબરોજની નાની-મોટી રકમની ચૂકવણી તેના દ્વારા કરે છે. આ સાથે જ સાયબર ક્રાઈમના બનાવોમાં પણ વધારો થયો છે.
QR કોડ ફ્રોડમાં ઠગ્સ લોકોને એક QR કોડ મોકલે છે જે બરાબર લાગે છે. તેના દ્વારા લોકો સાથે વિશ્વાસ કેળવીને QR કોડ સ્કેન કરીને પૈસા ટ્રાન્સફર કરવાનું કહે છે. ત્યાબાદ સ્કેમર્સ QR કોડ સ્કેન કરી અને રૂપિયા મેળવવા માટે રકમ દાખલ કરવાનું કહે છે. આ પછી લોકોને OTP દાખલ કરવા માટે કહેવામાં આવે છે. અહીં મહત્વની વાત એ છે કે QR કોડનો ઉપયોગ માત્ર પૈસા મોકલવા માટે થાય છે.
કોઈ પણ રકમ મેળવવા માટે QR કોડ સ્કેન કરવાની જરૂરિયાત રહેતી નથી. લોકો જ્યારે કોઈનો QR કોડ સ્કેન કરે છે, ત્યારે તેમને લાગે છે કે તેમને પૈસા મળી રહ્યા છે. પરંતુ, ખરેખર રૂપિયા મોકલનારના ખાતામાંથી સ્કેમર્સના ખાતામાંથી ટ્રાન્સફર થઈ જાય છે.
1. UPI ID અથવા બેંક વિગતો કોઈપણ અજાણી વ્યક્તિ સાથે શેર કરશો નહીં.
2. જો શક્ય હોય તો ઓનલાઈન સાઈટ પર COD નો વિકલ્પ પસંદ કરો.
3. કોઈ પણ પેમેન્ટ મેળવવા માટે ક્યારેય QR કોડ સ્કેન કરશો નહીં.
4. નાણા મોકલતી વખતે પણ QR કોડની વિગતોને ક્રોસ ચેક કરો.
5. કોઈપણ અજાણી વ્યક્તિ સાથે વ્યવહાર કરતા પહેલા તેમની વિગતો ચકાસો.
તમારી બેંકની વિગતો, OTP, પાસવર્ડ, પીન કે કાર્ડ નંબર આપશો નહીં. ફ્રોડ થાય તો ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો