દુનિયા હવે ડિજિટલ થઈ રહી છે અને લોકોના ઘણા બધા કામ ઓનલાઈન થઈ રહ્યા છે, પરંતુ તેની સાથે સાયબર ક્રાઈમના (Cyber Crime) કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. છેતરપિંડી કરનારા લોકો અલગ-અલગ પદ્ધતિઓથી લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે. આજે આપણે જાણીશું કે, હોટલનો રિવ્યુ (Hotel Review Fraud) કરવાના નામે કેવી રીતે છેતરપિંડી કરવામાં આવે છે.
ઠગ જુદા-જુદા લોકોને વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર એક મેસેજ મોકલે છે. જેમાં હોટેલ રિવ્યુ કરવા માટે અને તેનું રેટિંગ આપવા માટે રૂપિયા કમાવવાની ઓફર કરવામાં આવે છે. શરૂઆતમાં હોટેલની સમીક્ષા કરવા માટે 50 રૂપિયાથી લઈને 400 રૂપિયા મળશે તેવું કહેવામાં આવે છે. ત્યારબાદ થોડા ટાસ્ક આપવામાં આવે છે અને ખાતામાં રૂપિયા પણ મોકલવામાં આવે છે.
ફ્રોડ કરનારા રોજના 5000 કમાવવાની લાલચ આપે છે. રોજના 24 ટાસ્ક આપવામાં આવશે અને દરેક ટાસ્ક માટે 20 થી 25 મિનિટનો સમય આપવામાં આવશે. જેમાંથી 4 ટાસ્ક પ્રી-પેઈડ હોય છે એટલે કે તેના માટે યુઝર્સને રૂપિયા આપવા પડશે. ફ્રી ટાસ્ક પુરા કરવા પર પહેલાની જેમ જ 50 રૂપિયા આપવામાં આવે છે.
તેઓ કહે છે કે, પ્રી-પેઈડ ટાસ્ક પર રીવ્યુ કરવા માટે 2,000 થી લઈને 2,55,000 રૂપિયા સુધી ઈન્વેસ્ટ કરવાના રહે છે અને તેના પર 40% રીટર્ન મળે છે. આ ઉપરાંત ફ્રી ટાસ્કના 50 રૂપિયાને બદલે 400 રૂપિયા મળશે. જો તમે લાલચમાં આવીને જાળમાં ફસાઈને રકમ ટ્રાન્સફર કરો છો તો તમારા રૂપિયા ડૂબી જશે.
આ પણ વાંચો : Work From Home Fraud: વર્ક ફ્રોમ હોમના નામ પર લોકો સાથે છેતરપિંડી, વોટ્સએપ પર જો આવો મેસેજ આવે તો રહો સાવધાન !
આવા સાયબર ફ્રોડથી બચવા માટે કોઈ અજાણી વ્યક્તિ સાથે નાણાકીય લેવડદેવડ ન કરો. તમારી અંગત અને નાણાકીય માહિતી કોઈપણ અજાણી વ્યક્તિ સાથે શેર કરશો નહીં. ઉચ્ચ વળતર આપતી કોઈપણ યોજનામાં રોકાણ કરતા પહેલા, સંબંધિત કંપની અને તેની કાર્ય પ્રક્રિયા વિશે માહિતી મેળવો. જો છેતરપિંડી થાય છે, તો તમારે ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 1:04 pm, Mon, 14 August 23