વિરાટ કોહલીએ રચ્યો વિક્રમ, વનડે વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીને પાછળ છોડ્યો
વિશ્વકપ 2023 ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરતા સ્ટાર બેટર વિરાટ કોહલીએ શાનદાર અડધી સદી નોંધાવી છે. રોહિત શર્માએ તોફાની 47 રન નોંધાવ્યા હતા. રોહિત શર્માએ કેપ્ટન તરીકે બેટિંગ કરતા વિક્રમ નોંધાવ્યા બાદ કોહલીએ પણ પોતાના નામે વધુ એક વિક્રમ નોંધાવ્યો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વકપ ફાઈનલ મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી છે. જોકે ભારતીય ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા માટે ઈચ્છી રહી હતી. જોકે ટીમ ઈન્ડિયાના ક્રિકેટ ચાહકો માટે શરુઆતમાં ખુશીઓ બાદ ચિંતા સમયાંતરે વિકેટ ગુમાવવાની સતાવવા લાગી હતી. આ દરમિયાન વિરાટ કોહલીએ પણ વધુ એક વિશ્વ વિક્રમ પોતાના નામે કર્યો છે.
આ પણ વાંચોઃ ક્રિકેટમાં કરિયર બનાવવા શું કરવું પડે, નેશનલ ટીમમાં કેવી રીતે થાય સિલેક્શન? જાણો
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર રિકી પોન્ટીંગને વિરાટ કોહલીએ પોતાની ઈનીંગ વડે પાછળ છોડી દીધો છે. શરુઆતથી જ વિરાટ કોહલીએ વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. કોહલીએ સદી અને અડધી સદી સાથેની બેટિંગ કરીને ભારતીય ટીમની જીત માટે મહત્વની ભૂમિકા નિભાવી છે.
પોન્ટિંગને છોડ્યો પાછળ
રોહિત શર્માએ કેપ્ટન તરીકે સૌથી વધારે રન વર્તમાન વિશ્વકપમાં નોંધાવ્યા છે અને આ સાથે જ તેણે એક વિશ્વકપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન નોંધાવવાનો વિક્રમ પોતાને નામે કર્યો છે. હવે વિરાટ કોહલીએ અમદાવાદમાં ફાઈનલ મેચમાં અડધી સદીની ઈનીંગ રમવા સાથે એક મહત્વનો કિર્તીમાન પોતાને નામે કર્યો છે. વિરાટ કોહલી વનડે વિશ્વકપમાં હવે બીજો સૌથી વધુ રન નોંધાવનાર બેટર બન્યો છે. આ સ્થાન પર પહેલા ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ક્રિકેટર રિકી પોન્ટિંગ હતો. હવે કોહલીએ તેને પાછળ છોડી દીધો છે.
પોન્ટિંગની વાત કરવામાં આવે તો તેણે વિશ્વકપમાં 42 ઈનીંગ રમીને 1743 રન નોંધાવ્યા છે. જ્યારે વિરાટ કોહલીએ આ આંકડો 36 ઈનીંગ રમીને પાર કરી લીધો છે. વિરાટ કોહલી વિશ્વકપમાં સૌથી વધારે નોંધાવવાની યાદીમાં બીજા સ્થાન પર છે.
સચિન સૌથી આગળ
વિશ્વકપમાં સૌથી વધારે રન નોંધાવવાના મામલામાં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર સૌથી આગળ છે. સચિન તેંડુલકરે વિશ્વકપમાં 44 ઈનીંગ રમીને 2278 રન નોંધાવ્યા હતા. જ્યારે ત્રીજા ક્રમે આ યાદીમાં રોહિત શર્મા છે. જેણે 28 ઈનીંગ વિશ્વકપમાં રમી છે અને આ દરમિયાન તેણે 1560 રન નોંધાવ્યા છે. જ્યારે શ્રીલંકાના કુમાર સંગાકારાએ 35 ઈનીંગ રમીને 1532 રન નોંધાવીને પાંચમા ક્રમે છે.