ટીમ ઈન્ડિયામાં પસંદ ન થવાનો આ ખેલાડીએ લીધો ‘બદલો’, 10 છગ્ગાના આધારે ફટકારી તોફાની સદી
હાલ ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહેલ બેટ્સમેને બુચી બાબુ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શાનદાર સદી ફટકારી નેશનલ ટીમમાં પાછા ફરવાના સંકેત આપ્યા છે. આ વિકેટકીપર બેટ્સમેન ઝારખંડની કેપ્ટનશીપ કરી રહ્યો છે અને તેણે છઠ્ઠા નંબર પર આવીને 120ની સ્ટ્રાઈક રેટથી સદી ફટકારી છે. આ બેટ્સમેને તેની ઈનિંગ દરમિયાન 10 સિક્સર ફટકારી હતી. તેની આક્રમક ઈનિંગથી આ બેટ્સમેને ટીમ ઈન્ડિયામાં પસંદ ન થવાનો બદલો લીધો હતો.
ટીમ ઈન્ડિયામાંથી બહાર કરાયેલ અને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવનાર વિકેટકીપર બેટ્સમેને હવે ટીકાકારોને પોતાના બેટથી જોરદાર જવાબ આપ્યો છે. આ ડાબા હાથના બેટ્સમેને તમિલનાડુમાં ચાલી રહેલી બૂચી બાબુ ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં વિસ્ફોટક સદી ફટકારી હતી. આ ખેલાડીએ આક્રમક બેટિંગ કરતા 107 બોલમાં 114 રનની દમદાર ઈનિંગ રમી હતી.
ઈશાન કિશનની તોફાની સદી
ઈશાન કિશન બુચી બાબુ ટૂર્નામેન્ટમાં ઝારખંડની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ઈશાન છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે આવતાની સાથે જ બોલરોની લાઈન-લેન્થ બગાડી નાખી હતી. આ ખેલાડીએ રામવીર ગુર્જર, અધીર પ્રતાપ સિંહ અને આકાશ રાજાવત સામે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે આ ત્રણ બોલરો સામે 8 સિક્સર ફટકારી હતી. ઈશાનની ઈનિંગ કેટલી શાનદાર હતી તેનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે તેણે તેની સદીના 71 ટકા રન સિક્સર અને ફોરથી બનાવ્યા હતા.
Jharkhand captain #IshanKishan made a roaring return to red-ball cricket as he smashed 114 off 107 balls against Madhya Pradesh in the Buchi Babu Tournament. pic.twitter.com/uaQg3DAFOd
— Circle of Cricket (@circleofcricket) August 16, 2024
ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કરવાની તક
ઈશાન કિશન ગયા વર્ષે ડિસેમ્બરથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ અધવચ્ચે છોડીને પાછો ફર્યો હતો. આ પછી, IPL પહેલા, તે વિવાદમાં આવ્યો કારણ કે તેણે NCAને બદલે વડોદરામાં હાર્દિક પંડ્યા સાથે ટ્રેનિંગ લીધી હતી. આ પછી ઈશાને IPLમાં મિશ્ર પ્રદર્શન કર્યું. જેથી T20 વર્લ્ડ કપની ટીમમાં ઈશાનની પસંદગી ન કરવામાં આવી. એવું કહેવામાં આવ્યું હતું કે ઈશાન ત્યારે જ ટીમ ઈન્ડિયામાં પરત ફરી શકશે જ્યારે તે ઘરેલુ ક્રિકેટ રમશે. હવે ઈશાને બુચી બાબુ ટુર્નામેન્ટમાં રમવાનું નક્કી કર્યું. ઝારખંડે તેને ટીમનો કેપ્ટન બનાવ્યો અને જુઓ, આ ખેલાડીએ પહેલી જ મેચમાં શાનદાર સદી ફટકારીને પુનરાગમનના માર્ગ પર એક પગલું આગળ વધાર્યું છે.
આ પણ વાંચો: એક નહીં, બે નહીં…5 બેટ્સમેનોએ ફટકારી સદી, ઈશાન કિશને કર્યું આ કારનામું