જ્યારથી હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો છે ત્યારથી ચાહકો તેને ટ્રોલ કરી રહ્યા છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની છેલ્લી મેચમાં હાર્દિકે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને રોહિત શર્માએ તેની પીઠ થપથપાવી હતી. એવું લાગી રહ્યું હતું કે રોહિતે હાર્દિકને પોતાના કેપ્ટન તરીકે સ્વીકારી લીધો છે. પરંતુ એવું લાગે છે કે ચાહકો હજી પણ હાર્દિકને કેપ્ટન તરીકે સ્વીકારવા તૈયાર નથી.
ફેન્સ હજુ પણ રોહિતને પોતાનો કેપ્ટન માને છે. મુંબઈ ઈન્ડિયન્સના તાજેતરના એક વીડિયોએ પણ આ વાત સાબિત થઈ છે. રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા આગામી મેચ માટે મુંબઈની ટીમ સાથે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ચાહકોએ રોહિતના નામના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું.
મુંબઈની ટીમ તેની આગામી મેચ ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમશે. આ માટે ટીમ એરપોર્ટ પહોંચી હતી. આ દરમિયાન સૌથી પહેલા દિગ્ગજ બોલર અને મુંબઈના બોલિંગ કોચ લસિથ મલિંગા આવે છે. રોહિત શર્મા પણ તેની પાછળ આવતો જોવા મળી રહ્યો છે. ચાહકોએ તેને જોતાની સાથે જ ‘રોહિત અમારો કેપ્ટન છે’ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. મુંબઈના ભૂતપૂર્વ કેપ્ટને ચાહકોના સૂત્રોચ્ચાર પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી અને ચેક ઈન કરવાનું શરૂ કર્યું હતું. ટીમ સાથે હાર્દિક પંડ્યા પણ હાજર હતો. આ વીડિયો જોઈને લાગે છે કે ફેન્સ હજુ પણ પાંચ ટ્રોફી જીતનાર રોહિતને પોતાનો કેપ્ટન માને છે પંડ્યાને નહીં.
હાર્દિક પંડ્યા કરોડોની કિંમતની કારમાં કોલકાતા જવા માટે પહોંચ્યો હતો. તે એરપોર્ટ પર લક્ઝરી મર્સિડીઝ કારમાંથી નીચે ઉતરતો જોવા મળ્યો હતો, જેની કિંમત કરોડોમાં છે. આ દરમિયાન હાર્દિક ઘણો રિલેક્સ જોવા મળ્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં એકજૂથ દેખાઈ નથી. સમગ્ર સિઝન દરમિયાન ટીમમાં મતભેદ હોવાના અહેવાલો આવ્યા છે. આના કારણે તેમના પ્રદર્શન પર પણ અસર પડી છે અને ટીમ 12માંથી 8 મેચ હાર્યા બાદ લગભગ પ્લે-ઓફમાંથી બહાર થઈ ગઈ છે. જો કે હવે રોહિત અને હાર્દિક વચ્ચે મામલો થાળે પડે તેમ લાગી રહ્યું છે. કારણ કે છેલ્લી મેચમાં બંને એકબીજાની સાથે જોવા મળ્યા હતા. રોહિત શર્માએ 4 ઓવરમાં 3 વિકેટ લેવા બદલ હાર્દિકની પીઠ થપથપાવી હતી. આ સિવાય એવા સમાચાર પણ આવ્યા હતા કે હાર્દિક ખરાબ ફોર્મમાં હોવા છતાં રોહિતના કહેવા પર જ તેને T20 વર્લ્ડ કપમાં વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : વર્લ્ડ કપની ફાઈનલ વિરાટ કોહલીના કારણે હારી ટીમ ઈન્ડિયા? વીરેન્દ્ર સેહવાગનું ચોંકાવનારું નિવેદન