ગૌતમ ગંભીરે RCB પર સાધ્યું નિશાન, કહ્યું- ‘ઉજવણી કરતા જીવન વધુ મહત્વનું, રોડ શો બંધ કરો’
બેંગલુરુમાં થયેલી ભાગદોડના મામલામાં ગૌતમ ગંભીરે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે કોઈપણ ટીમની ઉજવણી કરતા લોકોના જીવન વધુ મહત્વપૂર્ણ છે. ગૌતમ ગંભીરે રોડ શો બંધ કરવાની પણ હિમાયત કરી હતી.

બેંગલુરુમાં RCBની વિજય પરેડ પહેલા થયેલી ભાગદોડમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા. આ મામલે RCB વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને હવે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. ગૌતમ ગંભીરે કહ્યું કે વિજય પછી આવા રોડ શો બિલકુલ ન થવા જોઈએ. કારણ કે જીવન ઉજવણી કરતા વધુ મહત્વપૂર્ણ છે.
હું રોડ શોના પક્ષમાં નથી
ગૌતમ ગંભીરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, ‘મને રોડ શોમાં બિલકુલ વિશ્વાસ નથી. જ્યારે હું રમતો હતો અને અમે T20 વર્લ્ડ કપ જીત્યા હતા, ત્યારે પણ હું આ રોડ શોના પક્ષમાં નહોતો. લોકોના જીવન વધુ મહત્વપૂર્ણ છે. બેંગલુરુમાં જે બન્યું તે દુઃખદ છે.’
RCBની વિકટ્રી પરેડ પહેલા દુર્ઘટના
જ્યારે RCBએ IPL 2025નો ખિતાબ જીત્યો, ત્યારે તેના ચાહકો ખૂબ ખુશ હતા. વિધાનસભાથી બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ સુધી વિજય પરેડ યોજાવાની હતી, પરંતુ હજારો ચાહકો એકઠા થયા હતા, જેને સંભાળવું મુશ્કેલ બન્યું. અહેવાલો અનુસાર, પોલીસે એક જગ્યાએ લાઠીચાર્જ કર્યો, ત્યારબાદ નાસભાગ મચી ગઈ અને તેમાં 11 લોકોના મોત નીપજ્યાં.
RCB વિરુદ્ધ FIR
આ અકસ્માતની ન્યાયિક તપાસનો આદેશ આપવામાં આવ્યો છે અને મોટી વાત એ છે કે RCB વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે. આ અકસ્માત પછી પણ, ચિન્નાસ્વામી ખાતે RCB ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેના કારણે પ્રશ્નો ઉભા થયા હતા. જોકે, બાદમાં વિરાટ સહિત સમગ્ર RCB ટીમે આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું.
ગંભીરે બુમરાહ વિશે કહ્યું?
ગૌતમ ગંભીરે જસપ્રીત બુમરાહના મુદ્દા પર પણ પોતાના વિચારો રજૂ કર્યા. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે બુમરાહ ઈંગ્લેન્ડ પ્રવાસ પર કઈ ત્રણ ટેસ્ટ રમશે, ત્યારે ભારતીય કોચે કહ્યું કે આ બોલર કઈ ત્રણ ટેસ્ટ રમશે તે નક્કી નથી. શ્રેણીની સ્થિતિ જોયા પછી આ નિર્ણય લેવામાં આવશે.
યુવા ખેલાડીઓ પર વિશ્વાસ
ગંભીરે કહ્યું કે અમારી પાસે ગુણવત્તાયુક્ત બોલરો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ટીમ ઈન્ડિયાએ તેના વિના સારું પ્રદર્શન કરવાની ક્ષમતા બતાવી હતી, આ વખતે પણ એવું જ કરવું પડશે. ગૌતમ ગંભીરે કહ્યું કે યુવા ખેલાડીઓ પાસે ઈંગ્લેન્ડ પ્રવાસ પર કંઈક સારું કરવાની સંપૂર્ણ તક છે.
આ પણ વાંચો: IND vs ENG : વિરાટ કોહલી-રોહિત શર્મા વિના પણ જીતવાનો છે ‘દમ’, કેપ્ટન શુભમન ગિલે ભર્યો હુંકાર