IPL Breaking: ગુજરાત ટાઈટન્સને મોટો ફટકો, બાઈક અકસ્માતને કારણે આ ખેલાડી આખી ટૂર્નામેન્ટમાંથી થયો બહાર
IPL 2024ના થોડા દિવસો પહેલા ગુજરાત ટાઈટન્સને મોટો ફટકો પડ્યો છે કારણ કે ટીમનો એક યુવા ખેલાડીને અકસ્માત થયો છે અને હવે તે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. આ ખેલાડીને ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝીએ ઓક્શનમાં 3.60 કરોડમાં ખરીદ્યો હતો. આ યુવા ખેલાડીના અકસ્માત અને ટુર્નામેન્ટ માંથી બહાર થવા અંગે ગુજરાત ટાઈટન્સના કોચે પુષ્ટિ કરી છે.
IPL 2024 પહેલા ગુજરાત ટાઈટન્સને મોટો ફટકો પડ્યો છે. ગુજરાત IPL 2024 માં તેના અભિયાનની શરૂઆત 24 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચથી કરવાનું હતું, પરંતુ તેના થોડા દિવસો પહેલા જ વિકેટકીપર ખેલાડી રોબિન મિન્ઝ ઈજાગ્રસ્ત થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે રોબિન આખી સિઝન ચૂકી જશે કારણ કે તે બાઈક અકસ્માતમાં ઈજાનો શિકાર બન્યો છે. ગુજરાત ટાઈટન્સના કોચ આશિષ નેહરાએ પણ પુષ્ટિ કરી છે કે રોબિન આગામી IPLમાં નહીં રમે.
સુપર બાઈક ચલાવતી વખતે રોબિન મિન્ઝ થયો ઘાયલ
રોબિન મિન્ઝના પિતા ફ્રાન્સિસ મિન્ઝનું કહેવું છે કે તેમનો પુત્ર સુપર બાઈક ચલાવતી વખતે ઘાયલ થયો હતો. મિન્ઝ ઝારખંડના ગુમલા જિલ્લામાં કાવાસાકી કંપનીની સુપર બાઈક ચલાવી રહ્યો હતો અને આ દરમિયાન તેણે બાઈક પરનો કાબૂ ગુમાવ્યો હતો. જો કે તેણે પોતાની જાતને ખૂબ જ ગંભીર ઈજાનો શિકાર બનવાથી બચાવી લીધી છે, પરંતુ તેને ચોક્કસપણે એવી ઈજા થઈ છે કે તે ક્રિકેટ રમી શકશે નહીં. તમને જણાવી દઈએ કે રોબિનને IPL 2024ની હરાજીમાં ગુજરાત ટાઈટન્સે 3.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
આશિષ નેહરાએ કરી પુષ્ટિ
ગુજરાત ટાઈટન્સના કોચ આશિષ નેહરાએ પણ કહ્યું હતું કે IPL 2024 દરમિયાન રોબિન મિન્ઝના સ્વસ્થ થવાની સંભાવના ઘણી ઓછી છે. તમને જણાવી દઈએ કે રોબિન મિન્ઝે હજુ સુધી ઝારખંડ માટે સિનિયર ક્રિકેટ રમ્યું નથી, પરંતુ એમએસ ધોનીએ તેમને લોકપ્રિય બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
Rookie Jharkhand cricketer Robin Minz, who recently met with a road accident, is all but ruled out of this edition of IPL, said GT head coach Ashish Nehra.
#IPL2024 pic.twitter.com/LWjY6cQESC
— Press Trust of India (@PTI_News) March 16, 2024
ડેબ્યૂ સિઝન પહેલા જ લાગ્યું ગ્રહણ
થોડા અઠવાડિયા પહેલા, એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ ટીમ રોબિન મિન્ઝને હરાજીમાં નહીં ખરીદે તો ધોનીની CSK તેને ખરીદશે. રોબિન માત્ર 21 વર્ષનો છે અને IPLમાં તેની ડેબ્યૂ સિઝન તેને મોટો સ્ટાર બનાવી શકી હોત, પરંતુ તે પહેલા ઈજાગ્રસ્ત થવું તેની કારકિર્દી માટે સારા સમાચાર નથી.
આ પણ વાંચો : IPLના કારણે આ દિગ્ગજ ખેલાડીએ પાકિસ્તાન ટીમનો કોચ બનવાનો કર્યો ઈનકાર