વનડેમાં સૌથી પહેલી બેવડી સદી ફટકારવાના 15 વર્ષ બાદ સચિનને મળ્યું ખાસ સરપ્રાઈઝ, જુઓ Video
24 ફેબ્રુઆરીનો દિવસ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર માટે ખૂબ જ ખાસ છે. આ દિવસે સચિન ODI ફોર્મેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ પુરુષ ક્રિકેટર બન્યો હતો. આ ખાસ ક્ષણના 15 વર્ષ પૂર્ણ થવા પર સચિનને સાથી ખેલાડીઓએ ખાસ સરપ્રાઈઝ આપ્યું હતું.

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર માટે 24 ફેબ્રુઆરીનો દિવસ ખૂબ જ ખાસ છે. આ દિવસે તે ODI માં બેવડી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. આજે, એટલે કે 24 ફેબ્રુઆરી 2025ના રોજ તે ઐતિહાસિક ક્ષણને 15 વર્ષ વીતી ગયા. સચિન તેંડુલકરે દક્ષિણ આફ્રિકાની ટીમ સામે આ કારનામું કર્યું હતું. તે હાલમાં ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં ઈન્ડિયા માસ્ટર્સ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. આ લીગ દરમિયાન સચિન સાથે રમી રહેલ ખેલાડીઓએ તેને એક મોટું સરપ્રાઈઝ આપ્યું હતું.
બેવડી સદી ફટકારવા બદલ સચિનનું ખાસ પુરસ્કાર
આંતરરાષ્ટ્રીય માસ્ટર્સ લીગમાં ક્રિકેટના દિગ્ગજો રમી રહ્યા છે, જેમાં સચિન તેંડુલકરનું નામ પણ સામેલ છે. સચિને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે પોતાની બેવડી સદીના 15 વર્ષ પૂર્ણ થવા પર ઉજવણી કરી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સચિન પ્રેક્ટિસમાંથી ડ્રેસિંગ રૂમમાં પાછો ફરી રહ્યો હતો, જ્યાં યુવરાજ સિંહ સહિત અન્ય તમામ ખેલાડીઓ કેક લઈને તેની રાહ જોઈ રહ્યા હતા. આ પછી સચિને કેક કાપી અને બધા ખેલાડીઓનો આભાર માન્યો. વીડિયો શેર કરતાં તેણે લખ્યું, ‘ઘણા બધા પ્રેમથી ભરેલું એક સરસ સરપ્રાઈઝ! આભાર ટીમ.’
Nice surprise filled with dher sara pyaar! ❤️
Thank you Team. pic.twitter.com/ovwQXfXVNX
— Sachin Tendulkar (@sachin_rt) February 24, 2025
ગ્વાલિયરમાં સચિને રમી હતી ઐતિહાસિક ઈનિંગ
વર્ષ 2010માં દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. આ દરમિયાન બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણી રમાઈ હતી. શ્રેણીની બીજી મેચ 24 ફેબ્રુઆરીએ ગ્વાલિયરના કેપ્ટન રૂપ સિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ જ મેચમાં સચિન તેંડુલકરે 147 બોલનો સામનો કર્યો અને અણનમ 200 રન બનાવ્યા, જેમાં 25 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે સચિન વનડેમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો સૌપ્રથમ ખેલાડી બન્યો હતો.
ODI ફોર્મેટ શરૂ થયાના 39 વર્ષ બાદ ડબલ સેન્ચુરી
તમને જણાવી દઈએ કે, ODI ક્રિકેટની શરૂઆત 5 જાન્યુઆરી 1971ના રોજ થઈ હતી. પરંતુ આ ફોર્મેટમાં બેવડી સદીની રાહ 39 વર્ષ પછી પૂરી થઈ હતી. સચિનની રેકોર્ડબ્રેક ઈનિંગને કારણે ભારતે ત્રણ વિકેટે 401 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકાની ટીમ 42.5 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જેના કારણે ભારતે મેચ 153 રનથી જીતી અને શ્રેણી પણ જીતી હતી. તે સમયે વનડે ક્રિકેટમાં આ સૌથી મોટી ઈનિંગ પણ હતી. જોકે, પાછળથી ઘણા ખેલાડીઓએ ડબલ સેન્ચુરી ફરકારવાની સિદ્ધિ હાંસલ કરી.
આ પણ વાંચો: IND vs PAK : 60 કરોડથી વધુ લોકોએ ભારત-પાકિસ્તાન મેચ જોઈ, વ્યૂઅરશીપના બધા રેકોર્ડ તૂટી ગયા