
ભગવાન જગન્નાથની રથયાત્રા માટે બલરામ, શ્રી કૃષ્ણ અને દેવી સુભદ્રા માટે ત્રણ અલગ-અલગ રથ બનાવવામાં આવે છે. રથયાત્રાના આગળના ભાગમાં બલરામનો રથ છે, ત્યારબાદ દેવી સુભદ્રાનો રથ મધ્યમાં છે અને ભગવાન જગન્નાથનો રથ પાછળ છે. તે તેમના રંગ અને ઊંચાઈ દ્વારા ઓળખાય છે. એક માન્યતા એવી પણ છેકે મામા કંસના વધ બાદ ભગવાન કૃષ્ણ ભાઇ અને બહેન સાથે મથુરાની પ્રજાના દર્શન માટે નીકળે છે. જે બાદથી રથયાત્રાની ઉજવણી કરવામાં આવે છે.

ઓડિશામાં પુરીની રથયાત્રા સૌથી પ્રસિદ્ધ છે. પુરાણોમાં જગન્નાથ પુરીને પૃથ્વીનું સ્વર્ગ કહેવામાં આવ્યું છે. બ્રહ્મા અને સ્કંદ પુરાણ અનુસાર, ભગવાન વિષ્ણુ પુરીમાં પુરૂષોત્તમ નીલમાધવ તરીકે અવતર્યા હતા. અહીં તેઓ સાબર જાતિના સર્વોચ્ચ દેવતા બન્યા. સાબર જાતિના દેવતા હોવાના કારણે અહીં ભગવાન જગન્નાથનું સ્વરૂપ આદિવાસી દેવતાઓ જેવું છે. ઓડિશાના જગન્નાથ મંદિરનો મહિમા માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પ્રસિદ્ધ છે.

બહેન સુભદ્રા પિયરમાં આવે છે. ત્યારે બહેન નગરયાત્રાએ જવાની ઇચ્છા દર્શાવે છે. અને બહેનની ઇચ્છાઓને પૂર્ણ કરવા ભગવાન ભાઇ અને બહેન સાથે નગરમાં ફરવા નીકળે છે. ત્યારથી રથયાત્રાના પર્વની ઉજવણીની પરંપરા હોવાનું મનાય છે.