જન્મ આપનાર જ ભગવાન, ગુજરાતના આ જિલ્લામાં છે અનોખું માતા-પિતાનું મંદિર, જુઓ તસવીર
દરેક સંતાનને જન્મ થી સફળતા સુધી પહોંચાડવા માટે માતા પિતાનો મોટો હાથ હોય છે. મહત્વનું છે કે આ ઋણ આપણે ક્યારેય ચૂકવી શકતા નથી. હાલના સમયમાં લોકો ભગવાનને પૂજે છે. પરંતુ માતાપિતાના પ્રેમ અને આદર માં ઉછરેલા આ વ્યક્તિએતો માતાપિતાનું મંદિર જ બનાવી દીધું છે.
1 / 7
એક એવું મંદિર જ્યાં નથી કોઈ દેવી કે દેવતા, જ્યાં નથી થતું કોઈ પૂજન કે અર્ચન, જ્યાં નથી થતા ધૂપ કે પ્રગટાવતા દીવા.. છતાં મળે છે ખોબો ભરીને અંતરના આશિર્વાદ...
2 / 7
આ મંદિર છે માતા-પિતા મંદિર. અમદાવાદના સિટી સિવિલ કોર્ટમાં સિનિયર એડવોકેટ હરેશ શાહ અને શેર બ્રોકર દિપક શાહે માતા- પિતાની સ્મૃતિમાં પોતાના ઘરે આ મંદિર બનાવ્યું છે. તેઓ માને છે કે જો ઘરમાં મંદિર હોય તો એ ફક્ત "માતા-પિતા" નું જ હોય. હરેશભાઈ પોતાની લાગણી વ્યક્ત કરતા કહે છે મારા શરીરના પ્રથમ અણુનું નિર્માણ જ જો માતાના ઉદરમાં થયું હોય અને લોહીના દરેક ટીપાનું સિંચન મારી માતા દ્વારા થયું હોય તો મારા ભગવાન જ મારા માતા હોય.
3 / 7
પિતાએ પોતાના પરસેવાની કમાણીનો ઉપયોગ મારા જીવનની પ્રથમ વસ્તુ ખરીદવા માટે આપ્યો હોય એ લાગણી કેમ ભુલાય. મારા જન્મના પ્રથમ દિવસથી શરૂ કરીને આજીવન માતા-પિતાએ મારા ઉછેર માટે પોતાના સુખ અને લાગણીઓને બાજુ પર રાખી મારા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. માટે ઘરમાં મંદિર તો માતા-પિતા નું જ હોય તેવું તેમનું કહેવું છે.
4 / 7
માતા-પિતા પોતાના બાળકો માટે જે પણ કરે છે કે આપે છે એ કોઈપણ સ્વાર્થ વગર આપે છે, કશું માગ્યા વગર આપે છે, સમજીને આપે છે. માટે મા-બાપથી વિશેષ આ દુનિયામાં બીજું કશું હોય જ ન શકે.
5 / 7
તેમનું કહેવું છે કે, આ મંદિર પોતાના જન્મદાતાઓ માટેનું મંદિર છે. તેમના આશીર્વાદ નું મંદિર છે. તેમની આસ્થા માટેનું મંદિર છે. આ મંદિરમાં આવીને તમે દર્શન કરશો તો તમને તમારા માતા પિતાના દર્શન થશે. માતા પિતાએ કરેલા ઉપકારના આપણે આજીવન ઋણી છીએ. આ ઋણમાંથી આપણે ક્યારેય મુક્ત ન થઈ શકીએ.
6 / 7
સમગ્ર વિશ્વને આ સંદેશો આપવા માટે અને આપણે માતા-પિતા ને આપણા ઘરમા અને આપણા હૃદયમાં સન્માનપૂર્વક દરજ્જો આપી શકીએ આ શુભ ઉદ્દેશ્યથી હરેશભાઈ અને દિલીપભાઈએ આ મંદિર બનાવ્યું છે.
7 / 7
12 ફૂટ ઊંચા અને 6 ફૂટ પહોળા આ અષ્ટકોણીય મંદિરને બનતા 11 મહિનાનો સમય લાગ્યો હતો. તેમના આર્કિટેક્ચર મિત્ર જીગ્નેશભાઈ સાથે મળીને ફાઇબર ગ્લાસ અને કાંસામાંથી માતા-પિતાની મૂર્તિ અને મંદિર ડિઝાઇન કરવામાં આવ્યું છે. નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી એક વ્યક્તિ વિશેષ અથવા બાળકોના માતાપિતા પ્રત્યેના પ્રેમનું પ્રતિક છે. કોઈ ધાર્મિક લાગણી દુભાવવાનો કોઈ આશય નથી.
Published On - 6:57 pm, Fri, 17 May 24