વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર શું છે? PM મોદીએ WDFC ના 3 મહત્વના સેક્શન રાષ્ટ્રને કર્યા અર્પણ, જાણો મોટા ફાયદા
વડોદરાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના રેલવે નેટવર્ક અને લોજિસ્ટિક્સ સેક્ટરમાં ક્રાંતિ લાવનારા એવા મોટા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે, જેણે 20 વર્ષ જૂના સપનાને પૂરું કર્યું છે! 2,843 કિમી લાંબા આ વિશાળ ડેડિકેટેડ ટ્રેકથી ઔદ્યોગિક માલસામાન અને પેસેન્જર ટ્રેનોની મુસાફરીમાં કેવો મોટો ફેરફાર આવશે? જાણો આ મેગા પ્રોજેક્ટની અંદરની વિગત.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વડોદરા ખાતે ₹35,000 કરોડથી વધુના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન તેમણે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC) ના ત્રણ અતિ મહત્વના વિભાગો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ ત્રણ સેક્શન શરૂ થવાની સાથે જ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું પશ્ચિમી નેટવર્ક પોતાની સંપૂર્ણ લંબાઈ સાથે ઓપરેશનલ થઈ ગયું છે.
પીએમ મોદીએ WDFC ના સાણંદ (ઉત્તર)-મકરપુરા, ન્યૂ ઉમરગામ-ન્યૂ સફાળે અને ન્યૂ સફાળે-જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (JNPA) સેક્શનનું લોકાર્પણ કર્યું છે. આ ત્રણેય સેક્શનની કુલ લંબાઈ 326 રૂટ કિલોમીટર છે અને તેને ₹20,700 કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યા છે.
WDFC થી શું ફાયદો થશે?
- JNPA પોર્ટ સુધી સીધો માર્ગ: WDFC ના આ મહત્વના વિભાગો શરૂ થવાથી ઔદ્યોગિક કેન્દ્રોથી દેશના સૌથી મોટા કન્ટેનર પોર્ટ JNPA સુધી સીધી માલવાહક ટ્રેનો દોડી શકશે.
- ઝડપી એક્સપોર્ટ-ઇમ્પોર્ટ: દેશના મુખ્ય ઔદ્યોગિક ઝોનથી બંદરો સુધી નિકાસ અને આયાત કાર્ગોની હેરફેરમાં લાગતો સમય અડધો થઈ જશે.
- લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો: ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર, માલસામાન પહોંચાડવાના સમય અને લોજિસ્ટિક્સ ખર્ચમાં મોટો ઘટાડો થશે, જેનાથી વૈશ્વિક બજારમાં ભારતીય ઉત્પાદનો વધુ સ્પર્ધાત્મક બનશે.
- પેસેન્જર ટ્રેનોને રાહત: મુંબઈ અને ગુજરાત વચ્ચેના મુખ્ય રેલવે નેટવર્ક પરથી માલગાડીઓનું ભારણ સંપૂર્ણપણે હટી જશે, જેના કારણે પેસેન્જર ટ્રેનો માટે નવી ક્ષમતા ઉપલબ્ધ થશે અને મુસાફર ટ્રેનોની સ્પીડ તેમજ સમયપાલનમાં સુધારો થશે.
2,843 કિમી લાંબુ વિશાળ માલવાહક નેટવર્ક
વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર ઉત્તર પ્રદેશના દાદરીથી શરૂ થઈને મહારાષ્ટ્રના JNPA પોર્ટ સુધી જાય છે. દાદરી ખાતે આ લાઈન ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (EDFC) સાથે જોડાય છે. લુધિયાણાથી સોનનગર સુધીનો EDFC નો હિસ્સો પણ અગાઉ પૂર્ણ થઈ ચૂક્યો છે. આ બંને કોરિડોર સંપૂર્ણ રીતે કાર્યરત થવાથી ભારતમાં હવે આશરે 2,843 કિલોમીટર લાંબુ ડેડિકેટેડ ફ્રેઇટ રેલ નેટવર્ક પૂર્ણ ક્ષમતા સાથે શરૂ થઈ ગયું છે.
#WATCH | Shobhit Bhatnagar (Director, Operations & Business Development, DFCC) says, “The construction of this corridor began in 2006. Now, both Eastern Corridor and Western Corridor are complete. Eastern Corridor is about 1337 km long, from Sahnewal to Sonnangar. Western… https://t.co/O6h4ddTCK1 pic.twitter.com/COONp95jSR
— ANI (@ANI) September 8, 2026
20 વર્ષ જૂનો પ્રોજેક્ટ આખરે સાકાર થયો
ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટને આશરે 20 વર્ષ પહેલાં મંજૂરી આપવામાં આવી હતી. રેલવેના આંકડા અનુસાર, ઓગસ્ટ મહિના સુધીમાં અગાઉ કાર્યરત થઈ ચૂકેલા DFC સેક્શન પર આશરે 5.2 લાખ માલગાડીની ટ્રીપ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે, જેના પર દૈનિક સરેરાશ 435 માલગાડીઓ દોડી રહી છે. હવે નવું નેટવર્ક ખૂલવાથી આ આંકડામાં મોટો ઉછાળો જોવા મળશે.
